Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મધ્‍યમ વર્ગને બજેટમાં રાહત આપવા પર થઇ રહ્યો છે વિચાર

મધ્‍યમવર્ગના મોટાભાગને લાભ મળે તેવા પ્રસ્‍તાવો પર વિચારી રહ્યું છે નાણા મંત્રાલય

નવી દિલ્‍હી તા. ૨૭ : મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં નાણામ મંત્રાલય મધ્‍યમ વર્ગને લાભ આપવાના પ્રસ્‍તાવો પર વિચાર કરી રહ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીના દિવસે લોકસભામાં બજેટ રજૂ કરશે.

સૂત્રોએ જણાવ્‍યું કે નાણા મંત્રાલય વિભીન્‍ન સરકારી વિભાગો તરફથી મોકલાયેલા એવા પ્રસ્‍તાવો પર વિચાર કરી રહ્યું છે જેનાથી મધ્‍યમ વર્ગના મોટા ભાગને લાભ મળે. આની જાહેરાત બજેટમાં થઇ શકે છે. સરકારે હજુ સુધી આવકવેરા છૂટની મર્યાદા ૨.૫ લાખથી વધારે નથી કરી, જે ૨૦૧૪માં તત્‍કાલીન નાણા પ્રધાન અરૂણ જેટલીએ સરકારના પહેલા બજેટમાં નક્કી કરી હતી.

આ ઉપરાંત ૨૦૧૯થી સ્‍ટાન્‍ડર્ડ ડીડકશન ૫૦,૦૦૦ રૂપિયા જ છે. ઘણાં નિષ્‍ણાંતોનું માનવું છે કે મોંઘવારીના અત્‍યારના ઉચ્‍ચસ્‍તર સમયે પગારદાર મધ્‍યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા છૂટની મર્યાદા અને સ્‍ટાન્‍ડર્ડ ડીડકશન વધારવાની જરૂર છે. નાણાપ્રધાનના હાલમાં જ અપાયેલ એક સ્‍ટેટમેન્‍ટે મધ્‍યમ વર્ગની આશા વધારી દીધી છે કે આગામી બજેટમાં તેમને કેટલીક રાહતો મળી શકે છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે, તે આ વર્ગ પર રહેલ દબાણને જાણે છે. તેમણે કહ્યું હતું ‘હું પણ મધ્‍યમ વર્ગની છું એટલે હું આ વર્ગ પરના દબાણને સમજું છું. હું આ સમસ્‍યાઓ સમજું છું. સરકારે તેમના ઘણું કર્યુ છે અને સતત કરી રહી છે.'

આવકવેરાની છૂટની મર્યાદા અને સ્‍ટાન્‍ડર્ડ ડીડકશનમાં ફેરફાર કરવા ઉપરાંત નાણા મંત્રાલય ૮૦સી હેઠળ રોકાણ મર્યાદાઓ વધારવાની શકયતાઓ પર પણ વિચાર કરી રહ્યું છે. તેમાં જીવન વીમો, એફડી, બોન્‍ડ, પીપીએફ અને અન્‍ય સેવાઓ આવે છે. અત્‍યારે તેના હેઠળ ૧.૫૦ લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટ છે. સૂત્રોએ કહ્યું કે આરોગ્‍ય વીમા પ્રીમીયમ પર પણ વિચાર કરાઇ રહ્યો છે. સરકાર કેપીટલ ગેઇન ટેક્ષના નિયમોને પણ સરળ કરી શકે છે જેથી મધ્‍યમ વર્ગમાંથી આવતા રોકાણકારોને લાભ થશે.

(12:34 pm IST)