Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મહિલા મસ્‍જિદો સામે ભીખ માંગતી અને પોતાની લક્‍ઝરી કારમાં ઘરે પરત જતી

પોલીસે તેનો પીછો કર્યો અને સત્‍ય સામે આવતા ચોંકી ઉઠયા!

દુબઇ,તા. ૨૭  યુનાઈટેડ આરબ અમીરાતમાં ભીખ માંગવી ગુનાની શ્રેણીમાં આવે છે, પરંતુ ભીખ માંગવાનો એક કિસ્‍સો સામે આવ્‍યો છે, જેણે અબુ ધાબી પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. પોલીસે એક મહિલા ભિખારી પર કાર્યવાહી કરી છે, જેની પાસેથી એક લક્‍ઝરી કાર અને ઘણી રોકડ રકમ મળી આવી છે. આ મહિલા રોજ શહેરની મસ્‍જિદો સામે ભીખ માંગતી હતી અને પોતાની લક્‍ઝરી કારમાં ઘરે પરત જતી હતી. જયારે એક વ્‍યક્‍તિને ભીખ માંગતી મહિલા પર શંકા ગઈ તો તેણે પોલીસને જાણ કરી હતી.

ખલીજ ટાઈમ્‍સના અહેવાલ મુજબ, અબુધાબીના રહેવાસીને શંકા છે કે, મહિલા વિસ્‍તારની મસ્‍જિદોમાં ભીખ માંગી રહી છે. આ પછી તે વ્‍યક્‍તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેના પર નજર રાખતા, પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી.

આ મહિલા દિવસભર શહેરની વિવિધ મસ્‍જિદોમાં ભીખ માંગતી હતી. ભીખ માંગ્‍યા બાદ તે લાંબા અંતર સુધી ચાલીને જતી હતી. જયારે પોલીસે તેનો પીછો કર્યો ત્‍યારે ખબર પડી કે તેની પાસે એક મોંઘી લક્‍ઝરી કાર છે જે તે ચલાવે છે અને ભીખ માંગીને ઘરે જાય છે. જયારે પોલીસે તેને પકડ્‍યો ત્‍યારે તેની પાસેથી ઘણી રોકડ મળી આવી હતી, જે જપ્ત કરવામાં આવી હતી. પોલીસે મહિલા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

અબુ ધાબી પોલીસે કહ્યું છે કે, તેણે ગયા વર્ષે ૬ નવેમ્‍બરથી ૧૨ ડિસેમ્‍બરની વચ્‍ચે ૧૫૯ ભિખારીઓની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓ કહે છે કે, ભીખ માંગવી એ એક સામાજિક શાપ છે જે કોઈપણ સમાજની પ્રતિષ્ઠિત છબીને કલંકિત કરે છે.

પોલીસે કહ્યું, ‘સમાજમાં ભીખ માંગવી એ એક અસંસ્‍કારી કૃત્‍ય છે અને UAEમાં તે અપરાધ છે. ભિખારીઓ છેતરપિંડી કરે છે અને તેઓ તેમના કલ્‍યાણનો લાભ લઈને લોકોને છેતરે છે.

UAEમાં ભીખ માંગવા માટે સજાની જોગવાઈ પણ છે. ભીખ માંગવા બદલ વ્‍યક્‍તિને ત્રણ મહિનાની જેલ અને પાંચ હજાર દિરામ (લગભગ એક લાખ ૧૧ હજાર રૂપિયા) અથવા બેમાંથી કોઈ એકનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્‍યક્‍તિ સંગઠિત રીતે પોતાની ગેંગ ચલાવીને ભીખ માંગે છે તો તેને છ મહિનાની જેલ અને એક લાખ દિરામ (લગભગ ૨૨ લાખ ૧૭ હજાર રૂપિયા)નો દંડ થઈ શકે છે.

અબુ ધાબીની પોલીસે પહેલેથી જ કહ્યું હતું કે, તેણે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને ભીખ માંગવા જેવી ખરાબ વર્તણૂકને રોકવા માટે યુએઈમાં તેના પ્રયાસો ઝડપી કર્યા છે.

(10:50 am IST)