Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

વિજેતાને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્‍યું

રિક્ષાને રિવર્સ દોડાવવાની સ્‍પર્ધા

સાંગલી,તા. ૨૭: આપણા દેશમાં ઓટોરિક્ષા મહત્ત્વનું પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં મંગળવારે રિવર્સ રિક્ષા ચલાવવાની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંગમેશ્વર યાત્રાના પ્રસંગે હરિપુર ગામમાં આ કાર્યક્રમ યોજાયો હતો. રિક્ષાચાલકો પાછળ જોતાં-જોતાં ઝડપથી રિક્ષા ચલાવતા હતા. આ રેસ જોવા તેમ જ રિક્ષાચાલકોનો ઉત્‍સાહ વધારવા મોટી સંખ્‍યામાં લોકો ભેગા થયા હતા. રેસની રસપ્રદ કોમેન્‍ટરી પણ લોકોનો તેમ જ સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધારતી હતી. ઘણા લોકોએ આ સ્‍પર્ધાની પ્રશંસા કરી હતી, તો કેટલાકે સલામતીની વધુ વ્‍યવસ્‍થા રાખવી જોઈએ એવું સૂચન કર્યું હતું, કારણ કે જે ટ્રેક હતો ભારે ઊબડખાબડ હતો. પાટીલ નામનો રિક્ષા-ડ્રાઇવર ૩ કિલોમીટરનું અંતર ૩ મિનિટ ૮ સેકન્‍ડમાં પાર કરીને વિજેતા બન્‍યો હતો. વિજેતાને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્‍યું હતું. ઘણા રિક્ષાચાલકોએ આ સ્‍પર્ધાની તૈયારીરૂપે ઊંધી રિક્ષા ચલાવવાની પ્રેક્‍ટિસ પણ કરી હતી. એક યુઝરે કમેન્‍ટ કરતાં લખ્‍યું હતું, ‘શું રિક્ષામાં રિવર્સ ગિયર પણ આવે છે. મેં કદી રિક્ષાને ઊંધી જતી જોઈ નથી.'

(10:48 am IST)