Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

ગણતંત્ર દિવસે ''કર્તવ્ય પથ'', નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત ગુજરાતની ઝાંખીને સૌએ રોમાંચ-હર્ષોલ્લાસથી વધાવી

ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના અને કેનાલ રુફટોપથી સૌરઊર્જા ઉત્પાદનના નિદર્શને લોકોમાં આકર્ષણ જન્માવ્યું: 23 સાંસ્કૃતિક ઝાંખીઓ, શસ્ત્રો- સૈનિક શક્તિનું પ્રદર્શન તથા સૈનિકોના જાંબાઝ કરતબોએ લોકોના દિલ જીત્યા, જયારે નારીશક્તિને નિરૂપતી નૃત્યનાટિકા જોઈ સૌ કોઈ ભાવવિભોર થયા

નવી દિલ્હી: દેશના 74-મા ગણતંત્ર દિવસની આજે રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે વડાપ્રધાન તથા ગણમાન્ય નેતાગણ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના શાનદાર સ્વાગત સાથે ગણતંત્ર દિવસની ઉજવણીનો “કર્તવ્ય પથ ખાતેથી પ્રારંભ થયો હતો.

આ કાર્યક્રમમાં ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસી (Abdel Fattah El-Sisi)ના મુખ્ય અતિથિ પદે હાજર રહયા હતા.રાષ્ટ્ર ગાન બાદ સેનામાં અપ્રતિમ શૌર્ય દાખવનારા વિવિધ મેડલ જીતનારા સૈનિકોએ સલામી મંચને સલામી આપ્યા બાદ,ક્રમશઃ દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક ઝાંખીઓનું આ પરેડમાં પ્રદર્શન થયું હતું.

અત્રે નોંધનીય છે કે, ઇજિપ્તની સૈન્ય ટુકડીએ પણ આ પરેડમાં ભાગ ગઈ ગૌરવાન્વિત થઇ હતી.ગુજરાતની ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાંઆવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ દિલ ખોલીને પ્રશંસા કરી હતી.
ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનુંઉત્પાદનની બાબતોને આવરી લેવામાં આવી હતી.
આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, સફેદ રણ, રણના વાહન ઊંટ, પરંપરાગત ઘર - ભૂંગાની સાથે ગુજરાતની સંસ્કૃતિનેપ્રદર્શિત કરતા ગરબાં નૃત્યોએ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

(12:25 am IST)