Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું આયોજન : કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા T20 ક્રિકેટ પણ રમાશે

ચીનમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સમાં 40 રમતોનો સમાવેશ : 40 રમતોમાં મહિલા અને પુરૂષોની વિવિધ કેટેગરીમાં કુલ 61 ઈવેન્ટ્સનું આયોજન

નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને મોટા ક્રિકેટ બોર્ડ આ માટે તૈયાર ન હતા, પરંતુ હવે તેઓ પણ તેનો ભાગ બનવા માંગે છે. 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે થશે કે નહીં, તે તો થોડા મહિનામાં જ ખબર પડશે, પરંતુ અત્યારે સારા સમાચાર એ છે કે એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ચીનના હાંગઝોઉમાં આયોજિત થનારી 19મી એશિયાડમાં પણ ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું છે અને આ સાથે જ 8 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થશે.

રિપોર્ટ અનુસાર આ વર્ષે ચીનમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સમાં 40 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી ક્રિકેટ પણ એક છે. આ 40 રમતોમાં મહિલા અને પુરૂષોની વિવિધ કેટેગરીમાં કુલ 61 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. જ્યારે ક્રિકેટ આમાં પુનરાગમન કરી રહ્યું છે, ત્યારે બ્રેકડાન્સિંગ અને ઈ-સ્પોર્ટ પ્રથમ વખત એશિયાડનો ભાગ હશે. આ સાથે જ એથ્લેટિક્સ, તીરંદાજી, બેડમિન્ટન, કુસ્તી, બોક્સિંગ જેવી ઓલિમ્પિક રમતો રાબેતા મુજબ મુખ્ય આકર્ષણ બની રહેશે.

 

જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો એશિયન ગેમ્સમાં સ્વાભાવિક રીતે T20 ફોર્મેટનો સમાવેશ કરવામાં આવશે. અગાઉ 2014માં દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં યોજાયેલી 17મી એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતે પોતાની ટીમને કોઈપણ કેટેગરીમાં (મહિલા-પુરુષ) મોકલી નથી. પુરુષોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ જેવા દેશોની ટીમો હતી જ્યારે મહિલાઓમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ ઉપરાંત પાકિસ્તાનની ટીમ પણ હાજર હતી.

હવે તમામની નજર ભારતની ટીમ આ વર્ષે જશે કે નહીં તેના પર રહેશે. એશિયન ગેમ્સ 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. હાંગઝોઉ ઉપરાંત અન્ય 5 શહેરોમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. જો કે, ભારતીય પુરૂષ ટીમ આ રમતોનો ભાગ બનશે, તે અસંભવિત છે, કારણ કે આ દરમિયાન ટીમ ઈન્ડિયાની ઘણી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય શ્રેણી થશે, જ્યારે ટીમે ઓક્ટોબરમાં જ T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાની છે.

એશિયન ગેમ્સ પહેલા ક્રિકેટનો રોમાંચ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ જોવા મળશે. આ વર્ષે જુલાઈમાં યુકેના શહેર બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં T20 ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ 1998માં કોમનવેલ્થમાં ક્રિકેટ મેચ રમાઈ હતી. જોકે, આ વખતે માત્ર મહિલા ક્રિકેટ જ તેનો ભાગ છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી મોટી ટીમો સામેલ છે.

(11:02 pm IST)