Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

અરુણાચલથી લાપતા યુવાન ચીને ભારતને પરત સોંપ્યો

કિરેન રિજિજૂએ ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી : ૧૯ વર્ષીય મિરામ તારોન ૧૮ જાન્યુઆરીના રોજ અપર સિયાંગ જિલ્લાના જિદો ગામમાંથી લાપતા થયો હતો

નવી દિલ્હી, તા.૨૭ : ચીને અરૂણાચલ પ્રદેશથી લાપતા થયેલા યુવકને આખરે ભારતને પાછો સોંપી દીધો છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ચીની PLAએ અરૂણાચલ પ્રદેશના યુવક મિરામ તારોનને ભારતીય સેનાને સોંપ્યો છે. મેડિકલ તપાસ સહિતની ઉચિત પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અરૂણાચલ પ્રદેશનો ૧૯ વર્ષીય મિરામ તારોન ૧૮ જાન્યુઆરીના રોજ અપર સિયાંગ જિલ્લાના જિદો ગામમાંથી લાપતા થયો હતો. તેને મુક્ત કરવામાં આવ્યો તે પહેલા બુધવારે રિજિજૂએ ટ્વિટ કરી હતી કે, 'પીએલએ જલ્દી જ યુવકની મુક્તિની તારીખ અને સમય અંગે જણાવી શકે છે.

મોડું થવા પાછળ તેમના તરફથી ખરાબ હવામાનની સ્થિતિને જવાબદાર ઠેરવવામાં આવી છે. ચીને ૨૦ જાન્યુઆરીના રોજ લાપતા યુવક પોતાના ક્ષેત્રમાં હોવાની જાણકારી આપી હતી. ત્યારે ચીને યુવકની ઓળખની સત્યતા જાણવા માટે ભારતીય અધિકારીઓ પાસેથી તેનું વિવરણ માગ્યું હતું. તે સમયે રિજિજૂએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'ઓળખની પૃષ્ટિમાં ચીની પક્ષની સહાયતા માટે ભારતીય સેના દ્વારા ચીની પક્ષ સાથે વ્યક્તિગત વિવરણ અને ફોટો શેર કરવામાં આવ્યા છે.'

 

(7:41 pm IST)