Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મોંઘવારીને પણ લાગી ઠંડી

ખાદ્યતેલ, બટેટા, ડુંગળી, ટામેટા થયા સસ્તાઃ દાળ હજુય મોંઘી

નવી દિલ્હી, તા.૨૭: છેલ્લા ત્રણ અઠવાડીયામાં ખાદ્યતેલો અને શાકભાજીમાં લાગેલ મોંઘવારીની આગ હવે ઠંડી પડવા લાગી છે. ડુંગળી, બટેટા અને ટમેટા પોતાના મુળ ભાવ પર આવી ગયા છે. જો કે આ દરમ્યાન છૂટી ચા, મીઠું, ચોખા, ઘઉં અને કેટલીક દાળના ભાવમાં મામૂલી વધારો થયો છે.ગ્રાહક મંત્રાલયની વેબસાઇટ પર અપાયેલ તાજા આંકડાઓ અનુસાર, સૌથી વધારે ઘટાડો ટામેટાના ભાવમાં થયો છે. ત્રણ અઠવાડીયા પહેલા સુધી સરેરાશ ૪૦ રૂપિયે કિલો મળતા ટમેટા હવે ૩૪.૩૪ ટકા સસ્તા થઇને ૨૮.૮૯ રૂપિયે કિલો થઇ ગયા છે. તો બટેટા પણ ૬ ટકા ઘટીને ૨૧ રૂપિયા છે. ડુંગળી પણ આ સમયગાળામાં સસ્તી થઇ છે.

ગયા વર્ષે રસોડાનું બજેટ બગાડનાર સરસવ, સોયાબીન, પામોલીન, સુર્યમુખી સહિતના ઘણાં ખાદ્યતેલોના ભાવ આ અઠવાડીયાઓમાં ઘટયા છે. ૪ જાન્યુઆરી ૨૦૨૨ની સરખામણીમાં ૨૫ જાન્યુઆરીએ ખાદ્યતેલોના ભાવ ઓછા થયા છે. આ દરમ્યાન અડદ, ચણા દાળ, મગદાળમાં મામૂલી વધારો થયો છે.

તેમ છતાં ૨૫ જાન્યુઆરીએ જાહેર થયેલ જીવન જરૂરી ચીજોના મહત્તમ અને લઘુત્તમ છૂટક કિંમતોમાં મોટું અંતર છે. કોટ્ટાયમમાં ચણાદાળ ૬૨ રૂપિયે કિલો હતી તો ગુડગાંવમાં ૧૧૮ રૂપિયા. આવી જ રીતે બિકાનેરમાં એક કિલો અડદદાળના ૧૩૨ રૂપિયા હતા જયારે જગદાલપુરમાં ફકત ૭૦ રૂપિયા મગદાળ, બીજાપુરમાં ૧૨૩ રૂપિયે કિલોના ભાવે વેચાઇ તો ગોરખપુરમાં ૮૩ રૂપિયે.

ધનબાદમાં મગફળીના તેલનું પેકેટ ૨૪૨ રૂપિયાનું હતુ તો વારંગલમાં ૧૩૫ રૂપિયે. દેશમાં સૌથી મોંઘુ સરસીયાનું તેલ ૨૩૮ રૂપિયા કોટ્ટાયમમાં હતુ તો સૌથી સસ્તુ સરસીયા તેલ શિવમોગમાં ૧૧૦ રૂપિયા હતું. આવી જ રીતે બટાટાની વાત કરીએ તો સૌથી સસ્તા બટેટા સાગરમાં ૯ રૂપીયે કિલો અને સોથી સસ્તી ૧૭ રૂપિયે કિલો જયારે સોહરામાં ૬૦ રૂપિયે કિલો હતી. દુર્ગમાં ટમેટા ૧૦ રૂપિયે કિલો હતા તો સાહિબગંજમાં ૮૦ રૂપિયે કિલો.

(2:46 pm IST)