Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કોરોના રહેશે જ : સાથે જ જીવવું પડશે

રસી અને દવાઓથી તેની સામે લડવામાં મળશે મદદ

નવી દિલ્હી, તા.૨૭: કોરોના બાબતે એક રાહતના સમાચાર આવી રહ્યા છે. હાર્વર્ડ મેડીકલ સ્કૂલમાં હાર્વર્ડ ઇમ્યુનોલોજી ગ્રેજયુએટ પ્રોગ્રામના ડાયરેકટર અને મેડીસીન એન્ડ હેલ્થ સાયન્સીઝ એન્ડ ટેકનોલોજીના પ્રોફેસર શિવ પિલ્લાઇએ કહ્યું છે કે ધીમે ધીમે કોરોના એન્ડેમીક થઇ થશે. આપણે તેનો નાશ નહીં કરી શકીએ પણ રસી અને દવાઓ દ્વારા આપણે તેનો વધુ સારી રીતે મુકાબલો કરી શકીએ છીએ.

એક ઇન્ટરવ્યુના હવાલાથી સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, ડોકટર પિલ્લાઇએ કહ્યું કે મને લાગે છે કે આગળ જતા તે એન્ડેમીક સ્થિતીમાં પહોંચી જશે, જેમાં આપણે અમુક હદ સુધી વાયરસ સાથે રહેવાનું શરૂ કરી દેશું. આશા છે કે આ વાયરસની તીવ્રતા ત્યાં સુધીમાં ઘટી જશે. એટલે તે મોટા ભાગના લોકો માટે ખતરનાક સાબિત નહીં થાય. આપણે આગામી થોડા વર્ષોમાં તેને કાબુમાં કરી લઇશું. રસીકરણ વધારે બહેતર થતું જશે અને દવાઓ પણ પરિસ્થિતીને બદલી નાખશે.

ડોકટર પિલ્લાઇએ કહ્યું કે પેકસલોવીડ અને સિપ્લા જેવી દવાઓ કદાચ આ મહામારી સામેની લડાઇમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આપણે એક સારા મુકામ પર હોઇશું પણ આપણે આનો નાશ નહીં કરી શકીએ, તે હમેંશા આપણી આજુબાજુ રહેવાનો છે.

તેમણે કહ્યું કે ભારતમાં ઓમીક્રોન લહેરની અસર લાંબા સમય સુધી રહે શકે છે. બીજી લહેર દરમ્યાન કહેર વરસાવનાર ડેલ્ટાથી આ વાયરસ બહુ અલગ છે. ડોકટર પિલ્લાઇએ કહ્યું કે તે ડેલ્ટા, આલ્ફા, બીટા અને ગામાની તુલનામાં થોડો હળવો છે અને ફેફસામાં એટલી ખરાબ અસર થી કરતો. તેના લીધે ઓમીક્રોનથી મોત અને બીમારીની ગંભીરતા ઓછી રહે છે.

(1:05 pm IST)