Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કોંગ્રેસ નેતાની દિલ્હી હાઇકોર્ટમાં અરજી

ઓમીક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છે : પાંચ રાજયોની ચુંટણી મોકુફ રાખો

નવી દિલ્હી, તા.૨૭: કોંગ્રેસ નેતા જગદિશ શર્માએ દિલ્હી હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરીને કોરોનાની ત્રીજી લહેરનો હવાલો આપતા પાંચ રાજયોમાં વિધાનસભા ચુંટણીઓ મોકુફ રાખવાની માંગણી કરી છે. રાહુલ-પ્રિયંકા સેના બનાવનાર શર્માએ અરજીમાં કોર્ટને ચુંટણીઓ સ્થગિત કરવાના આદેશ આપવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું છે કે દેશમાં ઓમીક્રોન વેરીયેંટ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

તેમણે કેન્દ્ર અને રાજય સરકારોને મહામારીની ત્રીજી લહેર દરમ્યાન જરૂરી સપ્લાય અને સેવાઓના વિતરણની યોજના પ્રસ્તુત કરવાનું કહેવાનો આદેશ આપવાની પણ માંગણી કરી છે.

તેમણે કોર્ટને કહ્યું કે સરકારોને ઓકસીજન ઉપલબ્ધતા અને વિતરણ માટેની યોજના રજૂ કરવા અને ચુંટણી પંચને પાંચેય રાજયોમાં કેટલાક સપ્તાહ અથવા મહિનાઓ માટે ચુંટણી મોકુફ રાખવાનો આદેશ આપવામાં આવે. તેમણે કહ્યું કે કોર્ટ કેન્દ્ર સરકારને એ આદેશ પણ આપવો જોઇએ કે તે જયાં ચુંટણી થઇ રહી છે તે રાજયોમાંથી આવનારા લોકો માટે જ ૧૪ દિવસ અથવા તેનાથી ઓછાનો કવોરન્ટાઇન ફરજીયાત કરે. તેમણે બીજી લહેર દરમ્યાન થયેલ તબાહીનો હવાલો આપ્યો, જયારે દેશમાં બેડ અને ઓકસીજનની અછતના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. કોંગ્રેસ નેતાએ વાયરસના પ્રસારને રોકવા અને કોરોના પેશન્ટોની સારવાર માટેની વ્યવસ્થા અપુરતી હોવા તરફ પણ ઇશારો કર્યો છે.

(12:30 pm IST)