Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ઝારખંડના ગિરીડીહમાં નકસલીઅોઍ રેલવે ટ્રેક ઉડાવી દીધો : બ્લાસ્ટને કારણે અનેક ટ્રેન સ્થગિત

રાંચી તા. ૨૭ : ઝારખંડના ગિરિડીહમાં નકસલીઓએ રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરીને ઉડાવી દીધો છે. નકસલવાદીઓએ ધનબાદ રેલવે વિભાગ પાસે ચિચકી અને કરમાબાદ રેલવે સ્ટેશનો પર વિસ્ફોટ કર્યા છે. બ્લાસ્ટની માહિતી મળ્યા બાદ ઘણી ટ્રેનોનું સંચાલન રોકી દેવામાં આવ્યું હતું. વિસ્ફોટને કારણે હાવડા-ગયા-દિલ્હી રેલ રૂટ પર ટ્રેન વ્યવહાર પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

બ્લાસ્ટ બાદ રેલવે દ્વારા સાવચેતીના પગલારૂપે આ રૂટ પરથી પસાર થતી ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ઘણી ટ્રેનોની અવરજવરને નિયંત્રિત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે મોડી રાત્રે આ લાઇનમાં બ્લાસ્ટ થયો હતો. જો કે, પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં રેલવે ટ્રેનને કોઈ ખાસ નુકસાન થયું નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રૂટ પરથી ઘણી ટ્રેનોને રોકવામાં આવી છે.

(10:55 am IST)