Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કોરોના કાળમાં વારંવાર આવતી ઉધરસને જરા પણ ઇગ્નોર ન કરવી

નવી દિલ્હી,તા. ૨૭ : ખાંસી એક એવી સમસ્યા છે જેને અનેક લોકો ગણકારતા હોતા નથી, જે કારણોસર ખાંસી વધવા લાગે છે. કોરોના કાળમાં તમને આવતી ખાંસી અનેક ઇશારા તરફ તમને દોરે છે. જો તમને ખાંસી વધુ પ્રમાણમાં આવે છે તો તમારે તરત જ ડોકટરની સલાહ લેવી જોઇએ અને પછી એ પ્રમાણે દવા લેવી જોઇએ.

જો કે ખાંસી આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમાં એલર્જી, ઇન્ફેકશન, સ્મોકિંગ જેવા વગેરે કારણો હોઇ શકે છે. આ માટે જો તમને લાંબા સમય સુધી ખાંસી આવે છે તો તમારે આ પાછળના કારણો ખાસ જાણી લેવા જોઇએ.

લાંબા સમય સુધી ખાંસી આવવા પાછળનું મુખ્ય કારણ ધુમ્રપાન હોય છે. જે લોકો ધુમ્રપાન કરે છે એ લોકોને સામાન્ય રીતે ખાંસીની સમસ્યા રહેતી હોય છે. તમાકુમાં હાજર રહેલા કેમિકલ્સથી ફેફસામાં બળતરા થાય છે જેના કારણે તમને સતત ખાંસી આવે છે.

જો તમે કોરોના પોઝિટિવ છો તો તમને પણ ખાંસી થઇ શકે છે. કોરોના લક્ષણોમાં ખાંસી એ મહત્વનું લક્ષણ છે. સામાન્ય ફ્લુની તુલનામાં કોવિડ-૧૯ની ખાંસી લાંબા સમય સુધી રહે છે. જો તમને પણ ખાંસી લાંબા સમય સુધી મટતી નથી તો તરત જ ડોકટરની સલાહ લો.

શિયાળામાં ઇન્ફેકશન થવું એ સામાન્ય બાબત છે. ગળામાં દુખાવો થવો, ગળામાં સોજો આવવો તેમજ બીજા અનેક પ્રકારના ઇન્ફેકશન તમને ખાંસી તરફ લઇ જાય છે. ઇન્ફેકશનને કારણે પણ તમને ખાંસી વધુ પ્રમાણમાં આવતી હોય છે. પરંતુ જો તમને ૨ દિવસમાં ખાંસીમાં ફેર નથી પડતો તો તમારે તરત ડોકટરની સલાહ લેવી જોઇએ અને ડોકટરના કહ્યાં અનુસાર દવા લેવાનું શરૂ કરી દેવું જોઇએ.

ખાંસીની સાથે-સાથે જો તમને તાવ આવે છે તો તમારે આ વાતને જરા પણ ઇગ્નોર કરવી જોઇએ. આ લક્ષણો પણ કોરોનાના હોઇ શકે છે.

(10:32 am IST)