Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

નૌકાદળની અરબી સમુદ્રમાં 20 દિવસની સયુંકત દરિયાઈ કવાયત :40થી વધુ જહાજ અને સબમરીનોએ લીધો ભાગ

નૌકાદળના P8I સીપ્લેન, ડોર્નિયર, IL-38SD માનવરહિત એરિયલ સિસ્ટમ્સ અને MiG29K એટેક એરક્રાફ્ટને સંયુક્ત દરિયાઈ કવાયતમાં તૈનાત કરાયા હતા

નવી દિલ્હી :ભારતીય નૌકાદળે તેની પશ્ચિમી કમાન્ડની ઓપરેશનલ તૈયારીઓને મજબૂત કરવા અને નેવી, એરફોર્સ અને આર્મી વચ્ચે તાલમેલ વધારવા માટે અરબી સમુદ્રમાં 20 દિવસીય ‘પશ્ચિમ લેહર’ સંયુક્ત દરિયાઈ કવાયત હાથ ધરી હતી. બુધવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. નેવીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે XPL-22 નામની કવાયત મંગળવારે પૂરી થઈ. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નૌકાદળના 40 થી વધુ જહાજો અને સબમરીનોએ કવાયતમાં ભાગ લીધો હતો.

નિવેદનમાં જણાવાયું છે કે, આ ઉપરાંત, વાયુસેનાએ સુખોઈ 30 એમકેઆઈ અને જગુઆર મેરીટાઇમ એટેક એરક્રાફ્ટ, એક ઇન-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ અને એર વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWAC) ને તૈનાત કર્યા. જ્યારે નૌકાદળના P8I સી પ્લેન, ડોર્નિયર, IL-38SD માનવરહિત એરિયલ સિસ્ટમ અને MiG29K એટેક એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા હતા.

તેમાં કહેવામાં આવ્યું છે કે લાંબા અંતર બાદ કોસ્ટ ગાર્ડની કોસ્ટલ પેટ્રોલ બોટ, રેપિડ પેટ્રોલ બોટ પણ તૈનાત કરવામાં આવી હતી. ભારતીય સેનાની વિવિધ હથિયાર પ્રણાલીઓ પણ તૈનાત કરવામાં આવી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે, અભ્યાસે પશ્ચિમી નેવલ કમાન્ડની જવાબદારી હેઠળના સમગ્ર વિસ્તારમાં, આમાં ભાગ લેનારા બધા દળોને સમકાલીન દરિયાઈ પડકારોનો જવાબ આપવા માટે વાસ્તવિક પરિસ્થિતિઓમાં એક સાથે કામ કરવાનો અવસર પૂરો પાડ્યો હતો.

જ્યારે, 73માં પ્રજાસત્તાક દિવસ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં, ભારતીય નૌકાદળની ઝાંખીએ 1946 ના નૌસેનિક વિદ્રોહને દર્શાવવામાં આવ્યો હતો, જેણે દેશની સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેની કૂચ ટુકડીનું નેતૃત્વ એક મહિલા અધિકારીએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 18 ફેબ્રુઆરી 1946ના રોજ રોયલ ઈન્ડિયન નેવીના ‘તલવાર’ જહાજ પર સવાર મરીન દ્વારા બળવો શરૂ કરવામાં આવ્યો હતો અને બાદમાં 78 જહાજો તેનો ભાગ બન્યા હતા.

પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન નૌકાદળની ‘કોમ્બેટ રેડી, ક્રેડિબલ અને કોહેસિવ’ (યુદ્ધ માટે તૈયાર, વિશ્વસનીય અને એકતા) નીતિને ઝાંખીમાં દર્શાવવામાં આવી હતી. નૌકાદળની ટુકડીમાં 96 માણસો, ત્રણ પ્લાટૂન કમાન્ડર અને એક ટુકડી કમાન્ડરનો સમાવેશ થતો હતો. તેનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર આંચલ શર્માએ કર્યું હતું, જે ઈન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન (INS) 314 માં નિયુક્ત નિરીક્ષક અધિકારી હતા

(12:52 am IST)