Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સિદ્ધુ સામે ચૂંટણી જંગમાં ઝુકાવશે શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા

પંજાબ કોંગ્રેસે નવજોત સિંહ સિદ્ધુને અમૃતસર પૂર્વથી મેદાનમાં ઉતાર્યા :ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા બાદ બિક્રમ સિંહ મજીઠિયા કોંગ્રેસને આપશે ટક્કર

નવી દિલ્હી : પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ને લઈને તમામ પક્ષોએ તેમના ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી લીધા છે. શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ તરફથી આ માહિતી આપવામાં આવી છે કે, નેતા બિક્રમ સિંહ મજીઠિયા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સામે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસે નવજોત સિંહ સિદ્ધુને અમૃતસર પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે. ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા બાદ બિક્રમ સિંહ મજીઠિયા કોંગ્રેસને ટક્કર આપી રહ્યા છે. હાલમાં જ બિક્રમ સિંહ મજીઠિયાએ પંજાબની ચન્ની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. મજીઠીયાએ કહ્યું હતું કે ઈતિહાસમાં પહેલીવાર 3 મહિનામાં 4 ડીજીપી બદલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ અન્ય મંત્રીઓ સાથે મળીને મને ફસાવવા અને તેમના પદ બચાવવાનું કાવતરું ઘડ્યું છે. પરંતુ હું હંમેશા સત્ય અને કાયદા સાથે ઉભો રહ્યો છું.

બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે, પંજાબના સીએમ ચન્નીના સંબંધીના ઘર પર EDના દરોડાથી સાબિત થઈ ગયું છે કે કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ઈડીએ ભૂપેન્દ્ર સિંહના  ઘરેથી 10 કરોડ રૂપિયા રોકડા અને સોનું રિકવર કર્યું છે. તેની સામે કાર્યવાહી કરવાને બદલે કોંગ્રેસ ચૂંટણી પંચને ફરિયાદ કરી રહી છે.

મજીઠિયા એસએડી પ્રમુખ સુખબીર સિંહ બાદલના સાળા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના ભાઈ છે. મજીઠિયાએ ભૂતકાળમાં તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. એસએડીએ મજીઠિયા વિરુદ્ધ એફઆઈઆરની નોંધણીને રાજકીય બદલો તરીકે ગણાવી હતી.

(9:25 pm IST)