Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

યુએસમાં પતિ-પત્નીને કામ કરતા રોકતો નિર્ણય રદ કરાશે

એચ-૧બી વિઝા પર કામ કરનારા ભારતીયોને રાહત : ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારથી તેમણે આ કેટેગરીના વિઝા ધારકના જીવનસાથીને કામ કરતા રોકવા રોક લગાવી હતી

મુંબઈ, તા. ૨૭ : એચ-૧બી વિઝાધારકના પતિ કે પત્નીને અમેરિકામાં કામ કરતા રોકવાના ટ્રમ્પના નિર્ણયને નવા ચૂંટાયેલા પ્રમુખ બાઈડન રદ્દ કરવાની તૈયારીમાં છે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો અમેરિકામાં એચ-૧બી પર કામ કરતા લાખો ભારતીયોને થશે. કારણકે, ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારથી તેમણે આ કેટેગરીના વિઝાધારકના જીવનસાથીને અમેરિકામાં કામ કરતા રોકવા એક પછી એક રોક લગાવી હતી.

ફેબ્રુઆરી ૨૦૧૯માં ટ્રમ્પે આ અંગેના નિયંત્રણો મૂક્યા ત્યારે હાલના ઉપપ્રમુખ અને તત્કાલિન સેનેટર કમલા હેરિસે તેનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ નિર્ણયને કારણે જે એચ-૧બી વિઝાધારકોના જીવનસાથી અને ખાસ તો મહિલાઓને પોતાના ડોક્ટર, નર્સ, સાયન્ટિસ્ટ કે પછી એકેડેમિક્સના વ્યવસાય પડતા મૂકવાની ફરજ પડશે. તે વખતે પણ કમલા હેરિસે ટ્રમ્પના આ નિર્ણય સામે લડત આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આખરે તેમના સત્તામાં આવ્યા બાદ બે વર્ષે એચ-૧બી વિઝા પર અમેરિકામાં કામ કરતા લોકો તેમજ તેમના જીવનસાથીને મોટી રાહત મળવા જઈ રહી છે.

એચ-૧બી વિઝા પર અમેરિકા આવતા વ્યક્તિ પર નિર્ભર તેના પરિવારજનોને એચ-૪ વિઝા આપવામાં આવતા હોય છે. ટ્રમ્પે આ વિઝા પર અમેરિકા આવતા લોકો કામ ના કરી શકે તેવો નિયમ બનાવ્યો હતો. જેને રદ્દ કરવા બાઈડનની સરકારે પ્રક્રિયા શરુ કરી છે, અને હાલ તે ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસના રિવ્યૂ હેઠળ છે. બીજા શબ્દોમાં કહીએ તો જૂના નિયમને રદ્દ કરતો નવો આદેશ લાગુ થવાની તૈયારીમાં છે.

બાઈડને સત્તા ગ્રહણ કરી તેના તુરંત બાદ તેમની સરકારે ટ્રમ્પ દ્વારા લેવાયેલા નિર્ણયો પર ૬૦ દિવસનો સ્ટે મૂકી દીધો હતો, જેમાં વિઝા નિયંત્રણોનો પણ સમાવેશ થાય છે. જ્યાં સુધી એચ-૧બી તેમજ એચ-૪ વિઝાની વાત છે, ત્યાં સુધી અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી પણ ટ્રમ્પ દ્વારા બનાવાયેલા પ્રસ્તાવિત કાયદાને પડતો મૂક્યો છે.

એચ-૧બી વિઝાધારક ગ્રીન કાર્ડ મેળવવાની રાહમાં હોય કે પછી જો તેને છ વર્ષના ગાળા બાદ કોઈ એક્સ્ટેન્શન મળ્યું હોય તો જ એચ-૪ વિઝા પર અમેરિકા આવેલા તેના જીવનસાથી એમ્પ્લોયમેન્ટ ઓર્થોરાઈઝેશન ડોક્યુમેન્ટ માટે અરજી કરી શકે છે. ૨૦૧૫માં આ નિયમ ઓબામા સરકારે લાગુ કર્યો હતો. જેનો હેતુ સિંગલ ઈનકમ પર નિર્ભર પરિવારોને રાહત આપવાનો હતો. જોકે, ટ્રમ્પ તેના પર પણ નિયંત્રણ મૂકવા ઈચ્છતા હતા, જેના કારણે તેનો જોરદાર વિરોધ થયો હતો.

(9:17 pm IST)
  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST