Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ખેડૂત આંદોલનને મોટો ફટકો : બે સંગઠનોનો ખસી જવાનો નિર્ણય

ટિકૈત સહિત ઘણા નેતાઓ સામે પોલીસે ૪૦ એફઆઈઆર દાખલ કરી : રેલી દરમિયાન ઘૂસી ગયેલા કેટલાક અસામાજિક તત્વોએ હિંસા આચરી હોવાનો ખેડૂતો સંગઠને દાવો કર્યો : શાંતિપૂર્ણ આંદોલનમાં ફાટાં પડ્યાં

નવી દિલ્હી, તા. ૨૭ : ૨૬મી જાન્યુઆરીએ આંદોલનકારી ખેડૂતોએ દિલ્હીમાં કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ હવે પોલીસ હરકતમાં આવી છે. દિલ્હી પોલીસે આ મામલે ઉપરાછાપરી કુલ ૪૦ એફઆઈઆર ફાઈલ કરી છે, જેમાં ટોચના કિસાન નેતાઓના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દર્શન પાલ, રાજિન્દર સિંઘ, બલબીર સિંઘ રાજેવાલ, બુતાસિંઘ બુર્જગીલ અને જોગીન્દર સિંઘ ઉગરાહાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બીકેયુના પ્રવક્તા રાકેશ ટિકૈતનું નામ પણ એફઆઈઆરમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે થયેલી હિંસામાં ૩૦૦ જેટલા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. દરમિયાનમાં ૨૬મી જાન્યુઆરીએ આંદોલનકારી ખેડૂતોએ જે રીતે દિલ્હીમાં હિંસા કરી તેની ચારેતરફથી ટીકા થઈ રહી છે. કિસાન સંઘર્ષ કોર્ડિનેટર કમિટીના વડા સરદાર વીએન સિંહ અને ચિલ્લા બોર્ડર પર ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્ય ભાનુ પ્રતામ સિંહે ધરણાં સમાપ્ત કરવાની જાહેરાત કરી.

           વીએન સિંહે યુપી ગેટ પર પ્રેસ કોન્ફ્રન્સ કરી આ વાતની જાણકારી આપી. ખેડૂત નેતા વીએન સિંહ કહ્યું કે, તેઓ પ્રજાસત્તાક દિને જે કંઈ થયું તેનાથી તેઓ દુઃખી છે. તેમણે કહ્યું કે, ગઈકાલના (૨૬મીએ થયેલી હિંસાના) ગુનેગારોને કડક સજા મળવી જોઈએ. ખેડૂત મજદૂર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહે વધુમાં જણાવ્યું કે, સરકારની પણ ભૂલ છે કે જ્યારે કોઈ ૧૧ વાગ્યાને બદલે ૮ વાગ્યે નીકળી રહ્યું છે તો સરકાર શું કરતી હતી? જ્યારે કે, સરકારને જાણ હતી કે, લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનારાઓને કેટલાક સંગઠનોએ કરોડો રૂપિયા આપવાની વાત કરી હતી.

તેમણે કહ્યું કે, 'ભારતનો ઝંડો, ગરમિા, મર્યાદા બધાના છે એ મર્યાદાનો જો ભંગ થયો છે, ભંગ કરનારા ખોટા છે અને જેમણે ભંગ થવા દીધો તે પણ ખોટા છે... આઈટીઓમાં એક સાથી શહીદ પણ થઈ ગયો. જે લઈને ગયા અથવા જેણે ઉશ્કેર્યા તેમની સામે પૂરી કાર્યવાહી થવી જોઈએ.' ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ઠાકુર પ્રતાપ સિંહે કહ્યું કે, ગઈકાલની ઘટનાથી એટલો દુઃખી છું કે, હાલમાં હું ચિલ્લા બોર્ડરથી જાહેરાત કરું છું કે, છેલ્લા ૫૮ દિવસોથી ભારતીય કિસાન યુનિયન (ભાનુ)ના જે ધરણાં ચાલી રહ્યા હતા, તેને બંધ કરું છું.

બીજી તરફ, ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોર્ચાએ બુધવારે દાવો કર્યો હતો કે રેલી દરમિયાન ઘૂસી ગયેલા કેટલાક અસામાજીક તત્વોએ હિંસા આચરી હતી. એક કાવતરાંના ભાગરુપે શાંતિપૂર્વક રીતે ચાલી રહેલા આંદોલનમાં દીપ સિંઘુ જેવા લોકોએ પલીતો ચાંપ્યો હોવાનો ખેડૂતોનો દાવો છે. ૪૧ જેટલા ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા આ મોરચાએ ઈમરજન્સી મિટિંગ પણ બોલાવી છે, અને જણાવ્યું છે કે તેઓ સરકાર કે બીજા કોઈ તત્વોને આ આંદોલન તોડવા નહીં દે. પોલીસે મીડિયાને ગઈકાલે થયેલા તોફાનો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અચાનક જ મોટી સંખ્યામાં તોફાનીઓ લાલ કિલ્લામાં ઘૂસી ગયા હતા. નશાની હાલતમાં આ લોકોએ સામે જે પણ આવ્યું તેના પર હુમલો કર્યો હતો અને તેમની પાસે તલવારો, લાઠી તેમજ અન્ય હથિયારો હતા. સ્થિતિ એટલી ખરાબ હતી કે પોલીસ માટે તોફાની ટોળાંને કાબૂમાં કરવું અશક્ય બની ગયું હતું.

        ગઈકાલના તોફાનો દરમિયાન પોલીસ પાસેથી ટીયર ગેસ છોડવાની ગન પણ છીનવી લેવાઈ હતી, જે બાદમાં લાલ કિલ્લામાં એક વ્યક્તિ પાસે જોવા મળી હતી. દિલ્હીના આઈટીઓ પાસે થયેલા તોફાન અંગે દાખલ કરાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે આંદોલનકારી ખેડૂતોએ ટ્રેક્ટરો પર સવાર થઈને સેન્ટ્રલ દિલ્હી તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સતત કાયદો અને વ્યવસ્થા જાળવવાની અપીલ કરાઈ હતી. આ ફરિયાદમાં ટ્રેક્ટર પલ્ટી ખાવાથી એક ખેડૂતના મોતનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં એમ પણ જણાવાયું છે કે પોલીસ અધિકારીઓ અને અન્ય કેટલાક લોકોએ તે ખેડૂતને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક ખેડૂતોએ ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ પાસે પોતાના બચાવ માટે સ્પોટ પરથી હટી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ૨૬મી જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ આંદોલનમાં સામેલ કિસાન સંઘર્ષ કોર્ડિનેટર કમિટિએ આંદોલનથી પોતાને અલગ કરી દીધી છે. કમિટિના વડા સરદાર વીએમ સિંઘે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે જે આંદોલનની દિશા કંઈક અલગ જ હોય તેની સાથે અમે ના રહી શકીએ. આંદોલન કરી રહેલા ખેડૂતોને અમારી શુભેચ્છાઓ, પરંતુ હવે અમે આ આંદોલનથી અલગ થઈ રહ્યા છીએ.

(7:43 pm IST)