Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ઉનાળુ વેકેશન માત્ર ૧ અઠવાડિયાનું રહેશે !

૩૫ દિવસ જેટલું લાંબુ નહિ હોય : બહાર ફરવા જવાના પ્લાન ઉંધા વળી જશે

નવી દિલ્હી તા. ૨૭ : કોરોનાના વાયરસના કેસમાં હવે ઘટાડો આવી રહ્યો છે અને બીજી તરફ કોરોનાને હરાવવા માટે રસીકરણ પણ ચાલી રહ્યું છે, આવામાં દેશમાંથી નજીકના સમયમાં કોરોનાથી છૂટકારો મળવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. કોરોનાના કારણે ૨૦૨૦-૨૧ દરમિયાન બાકી બાબતોની જેમ શૈક્ષણિક મુદ્દે પણ અસર થઈ છે. એટલે કે હવે નવા વર્ષની શરૂઆત વેકેશન વગર જ કરવામાં આવી શકે છે. એટલે કે ઉનાળું વેકેશન લગભગ આ વર્ષે નહીવત જેવું હોઈ શકે છે. આ દરમિયાન સ્કૂલ ઓનલાઈન કે ઓફલાઈન શરૂ કરવી તે અંગે વિચાર કરવામાં આવશે.

રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, આ વખતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ઉનાળાનું વેકેશન ૩૫ દિવસ લાબું નહીં હોય. તેમણે જણાવ્યું કે, 'અમે નક્કી કર્યું છે કે વર્ષના અંતમાં આવનારું ઉનાળું વેકેશન ૩૫ દિવસ લાંબુ નહીં હોય. ઉનાળું વેકેશન લગભગ એક અઠવાડિયાનું રાખવામાં આવી શકે છે.'

ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, આ અંગેનો અંતિમ નિર્ણય ચર્ચા વિચારણાઓ બાદ લેવામાં આવશે, વેકેશન ઘટાડવા પાછળનું કારણ વર્ષ ૨૦૨૧-૨૨ની શરૂઆત સરળ રીતે થઈ શકે તેવું છે.

કોરોના વાયરસની મહામારીના કારણે ૧૦ મહિના જેટલા લાંબા સમય સુધી બાળકોએ સ્કૂલથી દૂર રહેવું પડ્યું છે. ધોરણ-૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન દર વર્ષે માર્ચમાં કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે મહામારીના કારણે તે મેમાં યોજવામાં આવી શકે છે.

શિક્ષણમંત્રીએ કહ્યું, બોર્ડની પરીક્ષા પછી ધોરણ-૧થી ૯ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે પ્રમાણેની વેકેશન અને પરીક્ષા અંગેની વિચારણા કરવામાં આવી રહી છે તેનું સ્કૂલ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.

ગુજરાતના સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલ મંડળના વાઈસ પ્રેસિડન્ટ જતિન બારડે આ વિશે વાત કરીને જણાવ્યું છે કે, 'અમે રાજય સરકારને રજૂઆત કરી છે ઉનાળુ વેકેશન ઘટાડીને નાનું કરવામાં આવે.' જયારે ધોરણ ૯માં ભણતા વિદ્યાર્થીના વાલી મિલન પટેલ કહે છે કે, તેમણે વેકેશન દરમિયાન બહારગામ ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે, જોકે, મહામારી પછી અમે શૈક્ષણિક આયોજન જે થાય તેને મહત્વ આપીશું.

(1:01 pm IST)