Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ટ્રેકટર પરેડે ભરોસો કચડયો : ઉપદ્રવીઓનો લાલ કિલ્લા પર હંગામો : ગણતંત્રની ગરીમા પર પ્રહાર

દિલ્હીમાં ખેડૂતો મર્યાદા ભૂલ્યા : કલાકો સુધી હિંસક તોફાનો - તોડફોડ - પોલીસ ઉપર હુમલા : લાઠી - સળીયા - દંડા - તલવાર નહિ લાવવાની શરતનો ભંગ કર્યો : ઉપદ્રવીઓએ વડાપ્રધાન જ્યાં દર વર્ષે તિરંગો ફરકાવે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો : સમગ્ર દેશમાં આક્રોશ : સમય પહેલા દિલ્હી તરફ કૂચ કરી નક્કી કરેલા રૂટનો ભંગ કર્યો : વિવિધ બનાવોમાં ૧૫૦ પોલીસને ઇજા : ટ્રેકટર ઉંધુ વળતા એક ઉપદ્રવીનું મોત : ૧૫ એફઆઇઆર નોંધાઇ : દિલ્હીના ૬૦ મેટ્રો સ્ટેશન બંધ કરવા પડયા : ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવી પડી

નવી દિલ્હી તા. ૨૭ : કૃષિ કાનુનના વિરોધના નામે ગણતંત્ર દિવસ પર યોજાયેલી ટ્રેકટર પરેડે બધાના ભરોસાને કચડી નાખતા સમગ્ર દેશે શરમ અનુભવી છે. પરેડમાં સામેલ ઉપદ્રવીઓ રૂટ બદલી દિલ્હીના મધ્ય સુધી ઘુસી ગયા હતા અને જોરદાર તોડફોડ કરી હતી. લાલ કિલ્લા પર હુમલો કરી ઉપદ્રવીઓએ પોતાનો કેસરીયો ઝંડો ફરકાવ્યો હતો. આ દરમિયાન રોકવાનો પ્રયાસ કરી રહેલા પોલીસ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરવાની સાથે તલવારો અને સળીયાથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ ઇન્ડિયા ગેટ અને લાલ કિલ્લા તરફ આગળ વધતી વખતે રોકવા પર થયેલા સંઘર્ષમાં ટ્રેકટર ચાલકોએ જવાનો અને મિડીયા કર્મચારીઓ ઉપર ટ્રેકટર ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. અલગ અલગ જગ્યાએ થયેલા ઉપદ્રવમાં ૧૫૦ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ૨૬ની હાલત ગંભીર છે. અત્યાર સુધીમાં ૧૫ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ઉપદ્રવીઓના આ કરતૂતો ખેડૂતોના નામે બે મહિનાથી ચાલી રહેલા આંદોલન અને તેની પાછળ સવાલ ઉભા કરી દીધા છે. ખેડૂતોએ ગઇકાલે તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું. લાલ કિલ્લાની ઘટનાથી ગણતંત્રની ગરીમા પર પ્રહાર થયો છે. સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે.

ખેડૂતોએ ગણતંત્રની પરેડ બાદ ત્રણ જગ્યાએથી ટ્રેકટર માર્ચ કાઢવાની હતી તેની બદલે બીજા રસ્તા પર તેઓ ચડી ગયા હતા અને આગળ વધવા લાગ્યા હતા. પોલીસે તેઓને રોકયા તો હાથમાં લોઢાના સળીયા લઇને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. બેરીકેડને કચડી નાખ્યા હતા. એટલું જ નહિ પથ્થરમારો કર્યો હતો. સેંકડો ખેડૂતો લાઠીઓ લઇને પોલીસ કર્મચારીઓ પાછળ દોડતા અને બસો સાથે પોતાના ટ્રેકટર અથડાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક ટ્રેકટર પલ્ટી ખાતા એક ઉપદ્રવીનું મોત થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

આઇટીઓ પર કલાકો સુધી ઉપદ્રવ મચાવ્યા બાદ ખેડૂતો ટ્રેકટર અને ઘોડા પર બેસી લગભગ સવા બે વાગ્યે લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ગુંબજ અને પ્રાચીર પર ચડવા લાગ્યા હતા. જે જગ્યાએ વડાપ્રધાન ૧૫ ઓગસ્ટે ત્રિરંગો ફરકાવે છે ત્યાં ઉપદ્રવીઓએ પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. મોડી સાંજ સુધી તમામ ખેડૂતો ત્યાં એકઠા થયા હતા.

ગણતંત્ર દિવસ પર સમગ્ર દેશે જ નહિ પરંતુ વિશ્વએ દિલ્હીના માર્ગો પર જે ઉપદ્રવ નિહાળ્યો તેઓ અગાઉ કદી નિહાળ્યો ન હતો. આ બેલગામ તોફાની તત્વોએ સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં મુકી દીધો હતો. હજારો ખેડૂતોએ ઠેરઠેર તોફાનો અને ઉપદ્રવ મચાવ્યો હતો. પોલીસ, પોલીસના વાહન ઉપર ઠેર ઠેર હુમલા થયા હતા. પોલીસે અનેક સ્થળે અશ્રુવાયુ પણ છોડયો હતો. દિલ્હીના ૬૦ જેટલા મેટ્રો સ્ટેશનોને બંધ કરવા પડયા એટલું જ અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા હતા.

ઉપદ્રવી તત્વો હાથમાં લાઠી, દંડા, સળીયા, ઇંટ અને પથ્થરો સાથે જોવા મળ્યા હતા. તેઓની પાસે તલવારો પણ હતી. ઠેરઠેર સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતંુ. ઉપદ્રવીઓએ ૨૫ જેટલી કાર અને બસોમાં નુકસાન કર્યું હતું. ઠેર ઠેર દિલ્હીમાં ટ્રાફિકજામ જોવા મળ્યા હતા.

ઉપદ્રવીઓએ આઇટીઓ અને લાલ કિલ્લા પર લગભગ પાંચ કલાક સુધી કબ્જો જમાવ્યો હતો. સાંજે એ સ્થળ ખાલી કરી દીધા હતા. દિલ્હી પોલીસે ભારે સંયમથી કામ લીધું હતું.

(10:58 am IST)
  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST

  • વિશ્વમાં 10 કરોડ લોકોને કોરોના વળગી ચૂક્યો છે: વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૦ કરોડને આજે વળોટી ગઈ છે. access_time 8:05 pm IST