Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ભાવના કાંત બની 26 જાન્યુઆરીની પરેડમાં સામેલ થનારી પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ

કોમ્બેટ મિશન માટે ક્વાલિફાઈ થનારી પ્રથમ મહિલા ફાઇટર ભાવના કાંત રાફેલ અને સુખોઈ સહિત બીજા ફાઇટર વિમાન પણ ઉડાવવા માંગે છે

નવી દિલ્હી : કોમ્બેટ મિશન માટે ક્વાલિફાઈ કરનારી પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ, ફ્લાઇટ લેફ્ટિનન્ટ ભાવના કાંતે ફરી ઇતિહાસ રચ્યો છે. ભાવના કાંત પ્રજાસત્તાક દિવસે ફ્લાઇપાસ્ટમાં ભાગ લેનાર પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ સાથે-સાથે વાયુસેનાની ટુકડીનો ભાગ બનનારી પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની ગઇછે 

વાયુસેનાની ઝાંકી ‘ભારતીય વાયુસેના: શાન સે છુઓ આકાશ’માં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર અને સુ-30 એમકે-1 એરક્રાફ્ટને સામેલ કરવામાં આવ્યું હતુ.

તાજેતરમાં કાંતે જણાવ્યું હતુ કે હું બાળપણથી ટીવી પર પ્રજાસત્તાક દિવસની પરેડ જોતી આવી છું અને મારા માટે આ ગર્વની વાત છે કે આ વખતે હું તેનો ભાગ બનીશ. હું રાફેલ અને સુખોઈ સહિત બીજા ફાઇટર વિમાન પણ ઉડાવવા માંગુ છું

 

અવની ચતુર્વેદી અને મોહના સિંહ સાથે ભાવના કાંત 2016માં વાયુસેનામાં પ્રથમ મહિલા પાઇલટ તરીકે સામેલ થઇ હતી. નવેમ્બર 2017માં ભાવનાએ ફાઇટર સ્ક્વાડ્રન જોઇન કર્યું અને માર્ચ 2018માં પ્રથમ સોલો ફ્લાઇટ MiG 21 BISON ઉડાવી.

મે 2019માં કાંત કોમ્બેટ મિશન ક્વાલીફાઈ કરનારી પ્રથમ મહિલા પાઇલટ બની ગઇ છે. 29 વર્ષની ભાવના હાલ રાજસ્થાન એરબેસમાં પોસ્ટેડ છે અને MiG 21 BISON ઉડાવે છે.

ફ્લાઇટ લેફ્ટિનન્ટ ભાવના કાંતના પિતા, તેજ નારાયણ કાન્ત કહે છે કે ભાવના ભણવામાં સારી હતી. તે શાળાના દિવસોથી ઉડવાની વાત કરતી હતી. તેણે બેંગ્લુરુમાં એન્જિનિયરિંગ કર્યું, પરંતુ સાથે જ વાયુસેનામાં સામેલ થવાનો પ્રયાસ કરતી રહી. અમને તેના પર ગર્વ છે, એક પિતા બીજું શું માંગી શકે છે

 

ફ્લાઇટ લેફટેનન્ટ ભાવના કાંતે જણાવ્યું કે,મારા માતા-પિતાએ મને ક્યારેય એ અનુભવવા ના દીધું કે મારે અલગ વિચાર રાખવાની જરૂર છે, કારણ કે હું છોકરી છું, બાળપણમાં મને ખબર ના હતી કે મહિલાઓને ફાઇટર પાઇલટ બનવાની મંજૂરી નથી. હું ખુશ છુ કે હવે મહિલાઓ ફાઇટર બની શકે છે.

ઉલ્લેખનીય છે કે 9 માર્ચ 2020ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને નારી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા

(12:00 am IST)