Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સીએએ વિરૂદ્ધ હિંસા ભડકાવવા કપિલ સિબ્બલ સહિતનાઓને ઢગલાબંધ રૂપિયા અપાયાનો ધડાકો

કપિલ સિબ્બલને ૭૭ લાખ મળ્યાઃ હિંસા પાછળ પીએફઆઈ જવાબદારઃ ૭૩ ખાતામાંથી ધડાધડ ૧૨૦ કરોડ રૂપિયા જમા કરાવી ટ્રાન્સફર કરી દેવાયા : કપિલ સિબ્બલ ઉપરાંત ઈન્દીરા જયસિંહ, દુષ્યંત દવે સહિતનાઓના પણ નામઃ પીએફઆઈએ યુપીમાં પણ હિંસા ભડકાવી હતી

નવી દિલ્હી, તા. ૨૭ :. દેશભરમાં નાગરિકતા સંશોધન કાનૂન એટલે કે સીએએ વિરૂદ્ધ હિંસક વિરોધ ચાલુ છે. આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. જે અનુસાર આ આંદોલન દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતા કપિલ સિબ્બલના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. એક ન્યુઝ ચેનલ પર ચાલી રહેલા સમાચાર અનુસાર સીએએ આંદોલન દરમિયાન યુપીમાં હિંસા ફેલાવવા માટે આરોપી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડીયાના ૭૩ બેન્ક ખાતામાંથી ૧૨૦ કરોડ રૂપિયાની લેવડદેવડ થયાનો ખુલાસો થયો છે. આ લેવડદેવડમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ સિબ્બલ ઉપરાંત કેટલાક અન્ય નામો પણ છે.

ન્યુઝ ચેનલ અનુસાર પીએફઆઈના બેન્ક ખાતામાંથી દેશના અનેક ટોચના વકીલોને પૈસા આપવામાં આવ્યા હતા. જેમાં કપિલ સિબ્બલને આ બેન્ક ખાતા થકી ૭૭ લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઈન્દીરા જયસિંહને ૪ લાખ અપાયા હતા તો તોફાનો દરમિયાન પીએફઆઈએ કાશ્મીરને ૧.૬૫ કરોડ આપ્યા હતા.

તપાસ દરમિયાન જણાયુ છે કે પીએફઆઈના ૭૩ બેન્ક ખાતામાં બે ત્રણ દિવસ અંદર ૧૨૦ કરોડ જમા કરાયા અને તરત જ ઉપાડી પણ લેવાયા. આ પૈસા યુપીના બહરાઈચ, બીજનોર, હાપુડ, સામલી, દાસનાથી એકઠા કરાયા હતા.

આ ખુલાસા અનુસાર પીએફઆઈના બેન્ક ખાતામાંથી કપિલ સિબ્બલને ૭૭ લાખ, ઈન્દીરાય જયસિંહના ૪ લાખ, દુષ્યંત દવેને ૧૧ લાખ અને અબ્દુલ સમરને ૩ લાખ અપાયા હતા.

એવુ કહેવાય છે કે જામીયા હિંસામાં અને યુપીમાં ભડકેલા તોફાનોમાં પીએફઆઈનો હાથ હતો.

(3:07 pm IST)