Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

યુરોપિયન સંસદમાં લાવવામાં આવ્યો CAA વિરુદ્ધ પ્રસ્તાવ : ભારતે કહ્યુ- આ અમારો આંતરિક મામલો

યુરોપિયન યુનાઇટેડ લેફ્ટ/નોર્ડિક ગ્રીન લેફ્ટ (જીયુઇ/ એનજીએલ) જૂથે સીએએ પર એક પ્રસ્તાવ મૂક્યો

નવી દિલ્હી : દેશમાં નાગરિકત્વ કાયદા વિરુદ્ધ દેખાવો સતત ચાલુ છે. દરમિયાન, યુરોપિયન સંસદમાં સીએએ વિરુદ્ધ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જે અંગે ચર્ચા અને મતદાન કરવામાં આવશે. સંસદમાં લાવવામાં આવેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી ભારતમાં નાગરિકત્વ નક્કી કરવામાં જોખમી પરિવર્તન થઈ શકે છે. આની સાથે, મોટી સંખ્યામાં લોકો સ્ટેટલેસ એટલે કે નાગરિકતા વિનાનાં થઈ જશે. યુરોપિયન સંસદનાં કેટલાક સભ્યોનાં આ પ્રસ્તાવ પર ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે.

યુરોપિયન સંસદમાં આ અઠવાડિયાની શરૂઆતમાં, યુરોપિયન યુનાઇટેડ લેફ્ટ/નોર્ડિક ગ્રીન લેફ્ટ (જીયુઇ/ એનજીએલ) જૂથે સીએએ પર એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર બુધવારે ચર્ચા થશે અને એક દિવસ પછી મતદાન થશે. ઠરાવમાં ભારત સરકારને અપીલ કરવામાં આવી હતી કે સીએએ વિરુદ્ધ વિરોધ કરનારાઓ સાથે 'રચનાત્મક વાર્તાલાભ કરે' અને ભેદભાવપૂર્ણ કાયદાને રદ કરવાની તેમની માંગને ધ્યાનમાં લે.

આ ઠરાવમાં સંયુક્ત રાષ્ટ્રનાં ઘોષણાપત્ર, માનવાધિકાર સાર્વત્રિક ઘોષણા યુડીએચઆર) ની કલમ 15 ઉપરાંત, 2015 માં હસ્તાક્ષર કરવામાં આવેલ ભારત-ઇયુ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જોઇન્ટ એક્શન પ્લાન અને માનવાધિકારો પર ઇયુ-ભારત વિષયક સંવાદનો ઉલ્લેખ છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, સીએએ ભારતમાં નાગરિકત્વ નક્કી કરવામાં જોખમી ફેરફારો કરશે. આ નાગરિકત્વ વિનાનાં લોકોનાં સંબંધમાં મોટુ સંકંટ દુનિયાભરમાં પેદા થઇ શકે છે અને આ માનવીય પીડાનું સૌથી મોટુ કારણ પણ બની શકે છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, નવો નાગરિકત્વ કાયદો સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. અધિકારીએ કહ્યું કે અમને આશા છે કે જે લોકો આ દરખાસ્તને યુરોપિયન યુનિયનમાં લાવશે અને સમર્થન આપશે તે તમામ તથ્યો સમજવા માટે ભારતનો સંપર્ક કરશે. યુરોપિયન યુનિયન સંસદે એવી કાર્યવાહી કરવી જોઈએ નહીં કે જે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી ધારાસભ્યનાં અધિકારો પર સવાલ ઉભા કરે.

(2:25 pm IST)