Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ભારતની સ્મોલ અને મિડિયમ ઇન્ડસ્ટ્રીઝને ચાઇનાના ઇમ્પોર્ટ સામે રક્ષણ કેમ આપવું ?

આપણે ચાઇનીઝ પ્રોડકટને કોમ્પિટ કેમ નથી કરી શકતા ? : આ આખી સિસ્ટમમાં જે ટેકસ ચોરી કરવામાં આવે છે, તેનાથી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝવાળાને ઘણું જ મોટું નુકસાન થાય છે : સરકારને પણ કરોડો રૂપિયાની કસ્ટમ, એકસાઇઝ, વેટ, ઇન્કમટેકસમાં ઓછી આવક થાય છે : લેભાગુ આયાતકારો ૧૦૦ રૂપિયાની પ્રોડકટની કિંમત ફકત ૩૫ રૂપિયાની બતાવે અને તેના પર કસ્ટમ ડયૂટી તથા I.G.S.T. ભરીને માલ કિલયર કરાવે છે : આ રીતે અંદાજે ૬૫ રૂપિયા ઉપરની કસ્ટમ ડ્યૂટી અને I.G.S.T. ઓછી રકમ તેઓ ભરે છે : ઓલરેડી નીચી પડતરવાળો ચાઇનાનો માલ ગેરરિતીથી ભારતમાં આવતો હોવાના કારણે આપણા ભારતની ઇન્ડસ્ટ્રીઝ તેની સામે ટટ્ટાર થઇ શકતી નથી તો તે માટેના કયા છિંડા પૂરવાની જરૂર છે, જેનાથી સ્મોલ એેન્ડ મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને રક્ષણ મળી શકે ?

૨૦૧૯નો આરંભ ભારતમાં આર્થિક મંદીના માહોલ વચ્ચે થયો છે. આમપણ, મંદીનો સામનો દરેક રાષ્ટ્રએ છાશવારે કરવો પડતો હોય છે. આવા સંજોગોનો સચોટ ઉકેલ રોજગારી જ હોય છે... ભારતની વાત કરીએ તો અત્યારે સરકારે વધારેમાં વધારે લોકોને રોજગારી મળે તેવી નીતિ અને યોજનાઓ બનાવવી જોઇએ. એક તરફ દેશમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ડેવલપમેન્ટ જેવી વિવિધ યોજનાઓ ઘડીને નાના અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઇ રહ્યા છે. બીજી તરફ દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાઇનાથી ફિનિશ્ડ ગૂડઝ (રેડી ટૂ સેલ માલ) ઇમ્પોર્ટ થવાને કારણે સ્થાનિક સ્મોલ અને મિડિયમ સ્કેલ (એસ.એમ.ઇ.) ઇન્ડસ્ટ્રીઝ સામે ખતરો ઊભો થયો છે. ચાઇનામાંથી કન્ઝયૂમર પ્રોડકટ આયાત ગુજરાતના કંડલા, મુન્દ્રા, પીપાવાવ, દહેજ જેવા બંદરો પર ઠલવાય છે. આ બંદરો પરથી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ જેવા રાજ્યોમાં આ માલ જાય છે. આવું આજે દેશભરમાં થાય છે.

ચાઇનાથી જે ફિનિશ્ડ પ્રોડકટ ઇમ્પોર્ટ થાય છે તે આયાતકાર ૯૫ ટકા લોકો એજન્ટ ટ્રેડર્સ, હોલસેલર કે ડિલર્સ ટાઇપના લેભાગુ લોકો હોય છે.

આવા લેભાગુ લોકો ગુજરાતના તેમજ ભારતભરના બંદરો ઉપર મોટા અન્ડર ઇન્વોઇસથી ચાઇનાની ફિનિશ્ડ પ્રોડકટ ઇમ્પોર્ટ કરે છે. આ વચેટીયાઓનો આખો બિઝનેસ પ્લાન સમજવા જેવો છે. તેઓ ૧૦૦ રૂપિયાની પ્રોડકટની કિંમત ફકત ૩૫ રૂપિયાની બતાવે અને તેના પર કસ્ટમ ડયૂટી તથા I.G.S.T. ભરીને માલ કિલિયર કરાવે છે. આ રીતે લેભાગુ ઇમ્પોર્ટર્સ અંદાજે ૬૫ રૂપિયા ઉપરની કસ્ટમ ડયૂટી અને I.G.S.T. ઓછી રકમ ભરે છે. જ્યારે ડોમેસ્ટીક ઇન્ડસ્ટ્રીઝવાળા જે કંઇપણ રો-મટીરીયલ્સ, કોમ્પોનેટ, પાર્ટસ વગેરેની ખરીદી કે આયાત કરે તો તેમાં પૂરેપૂરી રકમ ઉપર કસ્ટમ ડયુટી તથા I.G.S.T. ભરે છે. તેઓ ફિનિશ્ડ પ્રોડકટ વેચાણ કરશે તો તેના ઉપર પણ I.G.S.T. ડયૂટી ભરપાઇ કરશે તેથી તેની પડતર કોસ્ટ વધુ આવે છે. પરિણામ સ્વરૂપે તેની પ્રોડકશન કોસ્ટ ઊંચી આવે છે. જ્યારે અન્ડર વેલ્યુ જાહેર કરીને ઇમ્પોર્ટ કરેલી ફિનિશ્ડ પ્રોડકટ પોર્ટ ઉપરથી બહાર આવ્યા પછી લેભાગુઓ બે નંબરમાં અથવા અંડર બિલીંગમાં વેચી મારે છે.

આ રીતે લેભાગુઓ દ્વારા ચાઇનાથી જે ફિનિશ્ડ પ્રોડકટ આયાત કરવામાં આવે છે તેની કોસ્ટ અંદાજે ૨૫થી ૪૦ ટકા જેટલી ઓછી આવે છે. બીજું ચાઇનામાં દરેક પ્રોડકટની પ્રોડકશન કોસ્ટ પણ ઓછી હોય છે. તેના કારણે ચાઇનીઝ પ્રોડકટ ભારતમાં વેચાય છે તે ભારતીય ઉત્પાદન કરતા ઓછી કોસ્ટમાં લોકોને મળે છે. પરિણામે સ્થાનિક સ્મોલ ઉદ્યોગવાળા આ હરિફાઇમાં ટકી શકતા નથી. ધીરે ધીરે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ડાઉન થતી જાય છે, રોજગાર ઓછો થતાં જાય છે. આના કારણે દેશનો જે વિકાસ થવો જોઇએ તે ખરેખર થતો નથી. ખરેખર વિકાસ રૃંધાઇ રહ્યો છે. કારણ કે આ ગેરરીતિ થકી તેનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે !

આવા કપરા અને વિપરીત સંજોગોમાં, જો આપણે ખરેખર 'મેક ઇન ઇન્ડિયા' સાર્થક કરવા માંગતા હોઇએ અને ડોમેસ્ટિક મિડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને પ્રોટેકશન આપવા માંગતા હોઇએ તો આ મુદ્દાઓ પ્રત્યે સકારાત્મકપણે વિચારવાનો સમય પાકી ગયો છે. જેમાં ગુજરાત પોર્ટ ઉપર જે કંઇપણ ઇમ્પોર્ટ કન્ઝયુમર પ્રોડકટ (રેડી ટૂ સેલ્સ / ફિનિશ્ડ પ્રોડકટ) ઉપર યોગ્ય ઇન્વોઇસ કરવામાં આવ્યા છે કે નહીં, તેના ઉપર નિયમો, કાયદો બનાવવો જોઇએ !

આવા લેભાગુ આયાતકારો ઇમ્પોર્ટ કરતી વખતે મોટું અન્ડર ઇન્વોઇસ કરીને કસ્ટમ તથા જીએસટીમાં મોટી ટેકસ ચોરી કરે છે. ઇમ્પોર્ટ થનારી પ્રોડકટની ખોટી દર્શાવેલી વેલ્યૂની રકમનું બેંક દ્વારા પેમેન્ટ કરે છે અને બાકીની રકમ હવાલાથી ચાઇના ટ્રાન્સફર કરે છે. ઇમ્પોર્ટ કરેલો માલ પોર્ટની બહાર નીકળી ગયા પછી બે નંબરમાં વેચાણ કરીને અન્ય ટેકસની પણ ચોરી કરે છે. આવા લેભાગુ આયાતકારો ફર્જી કંપની, ફર્જી માલિકો અને બેનામી ઇમ્પોર્ટ કરે છે. વખતોવખત કંપની બંધ કરીને નવી કંપની ચાલુ કરે છે. આવી કંપનીઓના માલિકો, ડ્રાયવર, કામદાર, પટ્ટાવાળા ફર્જી હોય છે. બેંક એકાઉન્ટ, રજીસ્ટ્રેશન, ઇમ્પોર્ટ નંબર, કંપનીના માલિકો તથા ઓફિસના એડ્રેસ વગેરે ફર્જી એટલે કે ખોટા હોય છે. જેથી સરકાર કે કોઇપણ વિભાગ કંઇ કાર્યવાહી કરી શકતા નથી. આ પ્રકારનું કામ મોટાભાગે એજન્ટો કરતા હોય છે. પોર્ટ ઉપર માલ ઇમ્પોર્ટ કર્યા પછી આ માલ ઉપર વેટ કે અન્ય ટેકસ ભરપાઇ કરવામાં આવે છે કે નહીં, તેની ચકાસણી માટે આપણે ત્યાં કોઇ સિસ્ટમ જ નથી! ઇમ્પોર્ટ કરનાર એજન્ટોએ પોર્ટના અધિકારીઓ સાથે આપસી સમજણ અને ગોઠવણની એક સીસ્ટમ ડેવલપ કરેલી હોય છે, જેથી આવો માલ ઇન્ડર ઇનવોઇસમાં પણ કિલયર થઇ જાય છે. આ રીતે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી ફિનિશ્ડ પ્રોડકટની કિંમત કાયમ નીચી આવે છે અને ડોમેસ્ટીક એટલે કે ભારતીય ઇન્ડસ્ટ્રીઝવાળા તેની સાથેની હરિફાઇમાં કયારેય ઉભા રહી શકતા નથી.

ચાઇનામાં યુવ (YIWU) શહેર ટ્રેડ સીટી તરીકે જાણીતું છે. આ યુવ શહેરમાં દુનિયાભરમાંથી આયાતકારો ખરીદી કરવા આવે છે. ભારતમાંથી દરરોજ ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા લોકો યુવ શહેરમાં જાય છે. આ શહેરમાં એક સ્થળ ઉપર ૪૫૦૦૦થી પણ વધારે 'આઉટલેટ ડિસ્પ્લે કમ સેલ્સ' છે. જ્યાં 'સેમી હોલસેલ' મુજબથી માલ વેચવામાં આવે છે. ચાઇનાના દરેક નાના અને મિડિયમ ઇન્ડસ્ટ્રીઝવાળાની પ્રોડકટનું આ 'આઉટલેટ' પર ડિસ્પ્લે કમ સેલ્સ થાય છે. જેથી એક જ લોકેશન ઉપર દરેક કન્ઝયુમરને ફિનિશ્ડ પ્રોડકટ મળી રહે છે. આ જ શહેરમાં ૨૫ થી ૪૦ જેટલા ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે.

ચાઇનાના આ યુવ શહેરમાં ૨૦૦થી વધુ ઇન્ડિયન એજન્ટ્સની ઓફિસો આવેલી છે. આ ઓફિસો ભારતથી આવેલા આયાતકારોને લોકલ પરચેઝ, ડિલિવરી, કન્ટેનર, લોડીંગ, પેમેન્ટ તથા રહેવા જમવાની સઘળી વ્યવસ્થા પુરી પાડે છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, મહેસાણા જેવા મોટા શહેરોમાં આવા એજન્ટો કામ કરે છે. આ એજન્ટો તેમના વિસ્તારના ડિલર્સ, હોલસેલર કે ટ્રેડર્સને ચાઇના ખરીદી કરવા માટેની સર્વિસ પૂરી પાડે છે. એજન્ટો ટિકિટ, વિઝા, રહેવા જમવાની વ્યવસ્થા, પરચેઝ, પેમેન્ટ વગેરે પૂરા પાડે છે. આ એજન્ટો તેમના વિસ્તારના ૧૦ થી ૧૫ લોકોના સમૂહને ચાઇના પોતાની સાથે લઇને જાય છે. એજન્ટો કોઇપણ પેપર વર્ક વગર ચાઇનાથી પરચેઝ કરેલા માલની ડિલિવરી ભારતમાં ઘરબેઠા મળે તેવી સર્વિસ પણ આપે છે. આવા એજન્ટો ઇન્ડિયામાં આવેલા અન્ય એજન્ટો સાથે સંપર્ક ધરાવતા હોય છે. તેમનું કામ જ્યારે કન્ટેનર ભારતમાં આવે ત્યારે બેનામી કંપની દ્વારા કસ્ટમ કિલયરન્સ પછી તેને ભારતના જેતે સ્થળે ડિલિવરી કરાવી આપવાનું હોય છે.

આમ આ આખી સિસ્ટમમાં જે ટેકસ ચોરી કરવામાં આવે છે તેનાથી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝવાળાને ઘણું જ મોટું નુકસાન થાય છે અને સરકારને કરોડો રૂપિયાની કસ્ટમ, એકસાઇઝ, વેટ, ઇન્કમટેકસમાં ઓછી આવક થાય છે. આ સિસ્ટમ થકી જે ટેકસ ચોરી કરવામાં આવે છે તેને અટકાવવામાં આવે કે ટેકસ ચોરી ઓછી થાય તેવા પગલા લેવામાં આવે તો બધાને લાભ થાય. આ માટે સરળ અને સાદો રસ્તો એ છે કે પોર્ટ ઉપર જ જ્યારે પણ મટિરીયલ્સ આવે તેના ઉપર ફેર માર્કેટ વેલ્યૂ ઉપર કસ્ટમ ડયૂટી, I.G.S.T. તથા અન્ય ટેકસ કલેકટ કરવામાં આવે.

આમ થાય તો જ ગુજરાતમાં સ્મોલ એન્ડ મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને રક્ષણ મળશે.

દેશના વિકાસમાં અને રોજગારી આપવામાં આ સ્મોલ એન્ડ મિડિયમ ઇન્ડસ્ટ્રીઝનો મોટો હિસ્સો છે. તેથી વહેલાસર આ અંગે સરકારે પગલા ભરે તેમાં જ સાચી સમજદારી અને સાવચેતી છે!

 આલેખન

જયસુખભાઇ પટેલ

મેનેજીંગ ડિરેકટર ઓરેવા

મો. ૯૮૨૫૦ ૩૦૩૪૬

(11:42 am IST)