Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પેલેસ્ટાઇનના બહાને પાકે ફરી કાશ્મીર રાગ આલાપ્યો

યુએનના વલણને લઇ પાકિસ્તાને પ્રહાર કર્યા : યુએને પેલેસ્ટાઇન ઉપર બનાવવામાં આવેલા પ્રસ્તાવોને લાગુ કરવાની દિશામાં આગળ વધવું જોઇએ : પાકિસ્તાન

નવી દિલ્હી,તા. ૨૭ :    પાકિસ્તાનના યુનાઇટેડ નેશન્સ સીકયુરીટી કાઉન્સીલમાં ફરી એકવાર  કાશ્મીર રાગ આલાપ્યો છે. શનિવારે યુએનમાં મીડલ ઇસ્ટ દેશોની સ્થિતિ વિશે ચર્ચા ચાલી રહી હતી તે દરમ્યાન પાકિસ્તાની ડિપ્લોમેટ મલીહા લોધીએ પેલેસ્ટાઇનના બહાને કાશ્મીરની વાત શરૂ કરી હતી. મલીહાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરની જેમ જ વિદેશી કબ્જામાં સામેલ તેમની જમીન પરત લેવા માટે પેલેસ્ટાઇનની મહત્વકાંક્ષાઓની કદર કરે છે. યુએનને તેમની જવાબદારીનું ભાન હોવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહમાં જ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગુટેરેસે કાશ્મીર મુદે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરાવવાનો ઇન્કાર કરીદધો હતો. જેથી મોહાલીએ આ નિવેદન કર્યું હતું. યુએનમાં મીડલ ઇસ્ટ દેશોની સ્થિતિ વિશે ચર્ચા દરમ્યાન પાકિસ્તાની ડિપ્લોમેટ મલીહા લોધીએ વધુમાં જણાવ્યું હતું કે, યુએન જેવી સન્માનિત સંસ્થાએ તેમની જવાબદારી સમજવી જોઇએ અને પેલેસ્ટાઇન પર બનાવવામાં આવેલા પ્રસ્તાવોને લાગુ કરાવવાની દિશામાં આગળ વધવું જોઇએ.

યુએનએ લાંબા સમયથી ચાલી રહેલા કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવામાં મધ્યસ્થતા કરવી જોઇએ અને દુનિયા આ સંસ્થા પરનો વિશ્વાસ ગુમાવી ન બેસે તેવું ઉદાહરણ પૂરું પાડવું જોઇએ. જો કે, યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગુટેરેસે કાશ્મીર વિવાદને લઇ બંને દેશો વચ્ચેની મધ્યસ્થા કરવાની ના પાડી દીધી હતી અને ભારત અને પાકિસ્તાનને વાતચીત દ્વારા સમગ્ર વિવાદનો ઉકેલ લાવવાની હિમાયત કરી હતી.  ઉલ્લેખનીય છે કે, એલઓસી પર છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન તરફથી સીઝફાયર વાયોલન્સ ચાર ગણું વધ્યું છે. તે સિવાય કાશ્મીરમાં વધતી જતી આંતકવાદી પ્રવૃત્તિ અને ગતિવિધિઓના કારણે ભારત-પાકિસ્તાનના સંબંધો સતત વણસી રહ્યા છે. પાકિસ્તાનના આજના વલણને લઇ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એકવાર તેની મેલી મુરાદ સામે આવી હતી. આજે પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનો ઉલ્લંઘન કરાયો હતો અને તેની અવળચંડાઇભર્યા સ્વભાવનો પરિચય આપ્યો હતો.

(8:32 pm IST)