Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પ્રાઈવેટ સેક્ટર દ્વારા રોકાણ વધારવા માટે કેન્દ્ર સરકાર બજેટમાં ટેક્સ પર રાહત આપવા પર વિચાર

નવી દિલ્હી: પ્રાઈવેટ સેક્ટર દ્વારા રોકાણ વધારવા માટે કેન્દ્ર સરકાર બજેટમાં ટેક્સ પર રાહત આપવા પર વિચાર કરી રહી છે. હવે લોકસભાની ચૂંટણીને એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યાર સરકાર માટે રોજગારની તકો ઉભી કરવી જરુરી બની ગઈ છે. મોદી સરકારે 2014માં સત્તામાં આવ્યા પછી આ જ આશાએ રોડ, રેલમાર્ગ અને સિંચાઈ યોજનાઓ પર ઘણો ખર્ચ કર્યો હતો, જેનાથી આર્થિક ગતિવિધીને વેગ મળે પરંતુ રોજગારની તકો ઉભી કરવામાં સરકારી રોકાણ કારગર સાબિત ન થઈ શક્યું.

રોજગારીની મહત્તમ તકો ઉભી કરવા માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રાઈવેટ રોકાણને વધારવાની જરુરિયાતને સમજતાં નાણાં મંત્રાલય અને PMO અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ પણ અમુક સુચનો આપ્યા છે, જેમાંથી એક પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ માટે ટેક્સ લાભ આપવાની જોગવાઈ છે.

2013માં પણ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી બે વર્ષ માટે પ્લાન્ટ અને મશીનરીમાં 100 કરોડ રુપિયાથી વધારે રોકાણ કરવા માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ટેક્સ લાભ ઓફર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ખરીદવામાં આવેલા નવા એસેટ્સના ખર્ચ પર 15 ટકા ટેક્સ ડિડક્શન આપવાનુ હતુ. પરંતુ યોજનાનો દુરુપયોગ ન થાય તે માટે સ્કીમની મર્યાદા વધારીને માર્ચ, 2017 કરી દેવામાં આવી હતી.

(11:12 am IST)