Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જમ્મુ કાશ્મીર : જૈશનો ટોપ કમાન્ડર આખરે મોતને ઘાટ

ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ જારી : ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં મોતનો મસાલો જપ્ત કરાયો : ૨૦૦થી વધુ ત્રાસવાદીઓ ઠાર થઇ ચુક્યા છે

ગાંધીનગર, તા. ૨૬ : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ આજે સવારે ત્રાસવાદીઓ સામે એક મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનને અંજામ આપીને ત્રાસવાદીઓમાં ખળભળાટ મચાવી દેવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ જૈશના ટોપ કમાન્ડરને ઠાર મારી દીધો હતો. દક્ષિણ કાશ્મીરના અવંતિપોરામાં ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી બાતમી મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરાતા જૈશે મોહમ્મદના ટોપ કમાન્ડરને ઠાર મારી દેવામાં આવ્યો હતો. સેનાની મિલિટ્રી ઇન્ટેલીજન્સને સવારે પુલવામા જિલ્લાના સંબુરા ગામમાં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની વિગતો મળી હતી. આ સૂચના બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારમાં એસઓજી અને સીઆરપીએફની સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તીવ્ર ઠંડી હોવા છતાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં સેનાની રાષ્ટ્રીય રાયફલ રેજીમેન્ટના જવાનોએ એક મકાનને ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યું હતું. ચારેય બાજુથી ઘેરાઈ ગયા બાદ ત્રાસવાદીઓએ બચવા માટે ગોળીબાર કર્યો હતો. આ ઓપરેશન એક કલાક સુધી ચાલ્યું હતું. ઠાર થયેલા ત્રાસવાદી જૈશેમોહમ્મદના હોવાનું જાણવામળ્યું છે. માર્યા ગયેલા કમાન્ડરનું નામ નૂર મોહમ્મદ છે જે છેલ્લા ઘણા દિવસથી પુલવામામાં જૈશે મોહમ્મદ માટે કામ કરી રહ્યો હતો. પુલવામામાં બે આતંકવાદીઓ હોવાની વિગત સપાટી ઉપર આવી હતી.  ઓપરેશન ઓલઆઉટમાં હજુ સુધી વર્ષ ૨૦૧૭માં ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારાયા છે.

(7:48 pm IST)