Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જાધવના પત્નિની બંગળી, મંગળસુત્ર ઉતારી લેવાયા

ભારતીય સંસ્કૃતિ, ભાવનાઓનું ધ્યાન ન રખાયું : પાકિસ્તાનમાં કુલભૂષણની માતા અને પત્નિ સાથે અયોગ્ય વર્તન કરાયું : સુષ્મા સ્વરાજની સાથે પરિવારની વાતચીત

નવીદિલ્હી, તા. ૨૬ : કુલભૂષણ જાધવના પત્નિ અને માતાની પાકિસ્તાનમાં સોમવારના દિવસે કુલભૂષણ જાધવ સાથે મુલાકાત દરમિયાન ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાની વિગત સપાટી ઉપર આવી છે. બંનેની પાકિસ્તાનમાં જાધવ સાથે મુલાકાત બાદ વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને  મુલાકાત દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓનું ધ્યાન રાખ્યું ન હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું છે કે, મુલાકાત પહેલા કુલભૂષણ જાધવના પત્નિ અને માતાની બંગળીઓ અને મંગળસૂત્ર ઉતારી લેવામાં આવ્યા હતા. તેમના વસ્ત્રો બદલી દેવામાં આવ્યા હતા. તેમના પગરખા પરત આપવામાં આવ્યા નથી. મુલાકાત દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓનું ધ્યાન પાકિસ્તાને રાખ્યું ન હતું. આ પહેલા પાકિસ્તાની જેલમાં રહેતા કુલભૂષણ જાધવના પરિવારના સભ્યોએ દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં પહોંચીને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે વાત કરી હતી. ૨૫મી ડિસેમ્બરના દિવસે પાકિસ્તાનમાં કુલભૂષણને મળીને દિલ્હી પરત પહોંચેલા પરિવારના સભ્યોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે વાત કરી હતી. આ બેઠક સવારે ૯ વાગે થઇ હતી. વિદેશમંત્રીની સાથે આ બેઠક ખુબ લાંબા સમય સુધી ચાલી હતી. જાધવના પરિવાર દ્વારા પાકિસ્તાનમાં જાધવ સાથે થયેલી વાતચીતના સંદર્ભમાં વિદેશ મંત્રીને માહિતી આપવામાં આવી હતી. પરિવારના સભ્યોએ સુષ્મા સ્વરાજને કહ્યું હતું કે, તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું નથી. કુલભૂષણે તેમને શું કહ્યું અને તેમની સાથે પાકિસ્તાનમાં કેવું વર્તન થયું તે અંગે વાતચીત થઇ હતી. વિદેશ સચિવ જયશંકર અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પણ સુષ્મા સ્વરાજના આવાસે હાજરી આપી હતી. પાકિસ્તાન સરકારે પોતાને ત્યાં જેલમાં બંધ રહેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવની મુલાકાત જે રીતે તેમના માતા અને પત્નિ સાથે કરાવી છે તેને લઇને જોરદાર નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. પાકિસ્તાન દ્વારા અપનાવવામાં આવેલી રીત સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન હવે જાધવના જારી કરેલા વિડિયોને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. અલબત્ત આ વિડિયોની રેકોર્ડિંગ આ મુલાકાત પહેલા કરવામાં આવી છે. આ વિડિયોમાં કુલભુષણ જાધવ પરિવારના સભ્યો સાથે વાતચીત કરવા બદલ પાકિસ્તાન સરકારનો આભાર માનતો નજરે પડે છે. ગઇકાલે પાકિસ્તાન સરકારે જે રીતે કુલભુષણ અને તેમના પરિવારના સભ્યોની મુલાકાત કરાવી તેને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાની જેલમાં રહેલા જાધવની મુલાકાત દરમિયાન એક કાંચની દિવાળ વચ્ચે રાખવામાં આવી હતી. જાધવના માતા અને પત્નિ તેમને માત્ર જોઇ શકતા હતા. વાત કરવા માટે ઇન્ટરકોમની મદદ લેવામાં આવી હતી.

(7:48 pm IST)