Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ઉથલપાથલની વચ્ચે અંતે સેંસેક્સ રિકવર થઇ બંધ

શેરબજારમાં છેલ્લી ઘડીએ લેવાલીથી રિકવરી : સેંસેક્સ ૭૦ પોઇન્ટ ઉછળી ૩૪૦૧૦ની સપાટીએ રહ્યો નિફ્ટીએ ૧૦૫૦૦ની સપાટી કુદાવતા અંતે ખુશીનું મોજુ

મુંબઈ, તા. ૨૬ : શેરબજારમાં આજે ભારે ઉતારચઢાવની સ્થિતી રહી હતી. શરૂઆતી કારોબારમાં મંદી રહ્યા બાદ અંતિમ કલાકોમાં લેવાલી જામી ગયા બાદ શેરબજારમાં તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૭૦ પોઇન્ટ ઉછળીને ૩૪૦૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૮ પોઇન્ટ ઉછળીને ૧૦૫૩૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં તમામ નુકસાન રિકવર થયા બાદ અંતે તેજી રહેતા કારોબારીઓ ખુશ દેખાયા હતા. નિફ્ટી અને સેંસેક્સ બન્નેએ તેમની જાદુઇ સપાટી ક્રમશ ૧૦૫૦૦ અને ૩૪૦૦૦ની સપાટીને કુદાવી હતી. વ્યક્તિગત શેરમાં તેજી રહી હતી. રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં તેજી જામી હતી. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે તેના સ્પેક્ટ્રમ, ટાવર અને રિયલ એસ્ટેટ પૈકી કેટલાકના વૈચાણ મારફતે આરકોમના દેવાને ૨૫૦૦૦ કરોડ સુધી ઘટાડી દેવામાં આવનાર છે. સરકારના સુધારા એજન્ડાને આગળ વધારી દેવામાં હવે મદદ મળનાર છે તેવી આશા બાદ તેજી વધી છે.ગઇકાલે સોમવારના દિવસે ક્રિસમસની રજા રહી હતી. ગયા સોમવારે સેંસેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ શાર્પ રિકવરી જોવા મળી હતી. એ વખતે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ભાજપથી આગળ નિકળી જતાં સેંસેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જો કે, દિવસના અંતે ભાજપની સીટો વધારે રહેતા રિવકરી થઇને સેંસેક્સ બંધ રહ્યો હતો. શુક્રવારના દિવસે ૨૮૪ પોઇન્ટ ઉછળીને ૩૩૯૪૦ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટીએ ૧૦૫૦૦ની સપાટી ઇન્ટ્રા ડે દરમિયાન કુદાવી દીધી હતી પરંતુ અંતે ૫૩ પોઇન્ટ સુધરીને ૧૦૪૯૩ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર નિફ્ટીમાં ૧.૬ ટકા અને સેંસેક્સમાં ૧.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. સતત ત્રીજા કારોબારી સપ્તાહમાં ઉછાળો નોંધાયો હતો. આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર પેનલના સભ્યો રાથીન રોયે આશા વ્યક્ત કરી હતી કે, આગામી બજેટ એકદમ લોકપ્રિય રહેશે નહીં તેમાં કૃષિ અને જુદા જુદા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે ઉલ્લેખનીય બજેટ રજૂ કરી શકે છે. સંસદનું શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે.શિયાળુસત્ર પાંચમી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થનાર છે. બીજી બાજુ માઇક્રો ઇકોનોમિક પરિબળોની અસર પણ જોવા મળનાર છે. શુક્રવારના દિવસે નવેમ્બર મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા જારી કરવામાં આવનાર છે. એશિયન બજારમાં આજે મિશ્ર સ્થિતી રહી હતી. નવેસરથી કોઇ સંકેત ન મળતા રોકાણકારો વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી

(7:47 pm IST)