Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

શિવજી એટલે કરૂણામુર્તિઃ પૂ.મોરારીબાપુ

મધ્‍યપ્રદેશમાં આયોજીત ‘માનસ રામરાજા' શ્રી રામ કથાનો ચોથો દિવસ

રાજકોટ તા.ર૬ : ‘શિવજી'એ કરૂણામુર્તિ છે તેમ પૂ.મોરારીબાપુએ મધ્‍યપ્રદેશના ઓરછા ખાતે આયોજીત ‘માનસ રામરાજા' શ્રી રામકથાના ચોથા દિવસે કહ્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ ભગવાન શંકર અને પાર્વતીજીના સંવાદની કથા રજુ કરતા જણાવ્‍યુ કે કોઇપણ વ્‍યકિતએ સંકટ સમયે પણ ગુરૂનું સ્‍થાન ન છોડવુ જોઇએ.

ગઇકાલે શ્રી રામકથાના ત્રીજા દિવસે કહ્યુ કે, પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા, પર વિંદા સમ અધ ન ગરિસા, ધરમ ન દુસર સત્‍ય સમાના, આરામ નિગમ પુરાન બખાના એટલે કે અહિંસા એ પણ પરમ ધર્મ છે, કોઇનીય પણ નિંદા કરવી એ અધર્મ છે અને સત્‍ય જેવો બીજો અન્‍ય કોઇ ધર્મ નથી.

એક યુવાનનો પ્રશ્ન હતો કે-બાપુ હું મૌન રહી શકુ છુ પણ હસી શકતો નથી. બાપુએ મૌન અને મુસ્‍કુરાહટ માટે સરસ સમજણ આપતા પાંચ શબ્‍દ સુત્રો આપ્‍યા હતા. મૌન, મુસ્‍કરાહટ, માનસ, માળા અને મંત્ર આ પાંચને કાયમી જીવનમાં વણી લઇને હાસ્‍ય-પ્રસન્‍નતા રાખો, ખિસ્‍સામાં માનસ રાખો, માળા રાખો અને કોઇ ઇષ્‍ટ મંત્રનું રટણ-સ્‍મરણ કરો. મૌન રાખવાથી તરત ફાયદો થાય છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, ધર્મ સાશ્વત છે, નાશવંત નથી પણ તુલસી કહે છે સેવા કરવી એ ખુબ કઠિન છે તમે પૈસા આપીને દાતા બની શકો છો પણ સેવક બનવુ ખુબ અઘરૂ છે. જુદી-જુદી સેવાઓ આપી શકાય છે. આપણા પ્રત્‍યેક ગામડાઓ પોત-પોતાની રીતે પોતાની આવકનો દસમો ભાગ આપે તો કોઇ ગાય માતા દુઃખી ન થાય. આજે પ્રત્‍યેક ગામોમાં ગૌશાળા, ધર્મશાળા, પાઠશાળા, વ્‍યાયામ શાળા, યજ્ઞ શાળા અને ભોજન શાળા હોવી જરૂરી છે. આપણે સૌએ ગાયોનું જતન કરવુ પડશે એ જરૂરી છે. ગાયો પ્રસન્‍ન હશે તો પ્રજા પ્રસન્‍ન રહેશે. સૌ કોઇ લોકો ગૌશાળા વગેરે માટે સેવામય બને.

કયારે કોઇ ધર્મનો, દેવતાઓનો, વેદનો, ગાયોનો, બ્રાહ્મણો-સાધુઓનો દ્વેષ ન કરવો. દેવતા એટલે કે જેમાં દિવ્‍યતા હોય એના જ્ઞાન દેવ, નામદેવ, રામદેવ, વામદેવ, કામદેવ, મહાદેવ વગેરેનો દ્વેષ ન કરવો. આપણુ મન જ કેતુ છે એ નિમ્‍ન છે. ઉર્ધ્‍વ નથી.જુઓ તમે આખી દુનિયામાંથી ખાંડ એકઠી કરીને આખી દુનિયાની ખાંડ, કર્ણ-કણ-ખાંડનો એકેય કણ ન બચે એમ બધી જ ખાંડ દરિયામાં ઠાલવી દો તો પણ સાગરની ખારાશ દુર નહી થાય પણ સુર્ય કિરણનો સ્‍પર્શ થાય તો ખારાશ ઓછી થાય એમ આપણુ મન દુરીત છે. આપણે મોહનથાળ ખાનારા ગાળો બોલીએ છીએ. પોપટ મરચુ ખાય છે તો પણ મધુર બોલે છે.

તળાવમાં કાદવ છે તો પણ એ કમળ આપે છે એમ આપણે પણ આપણા મનને ઉર્ધ્‍વ બનાવી એને મધુરતા અર્પવાની છે એ પણ મધુર થઇ શકે છે. તેમ અંતમાં પુ.મોરારીબાપુએ જણાવ્‍યુ હતુ.

(4:49 pm IST)