Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સાવધાન, ફેસબુક મેસેન્જરમાં ફેલાઇ રહ્યો છે માલવેર

ફેસબુક મેસેન્જર યુઝ કરતા હોય તો સાવધાન : ફકત ડેસ્કટોપ અથવા વેબબ્રાઉઝના વર્ઝનને કરે છે પ્રભાવીત

નવી દિલ્હી તા.૨૬ : પહેલીવાર સાઉથ કોરિયામાં જોવા મળેલ એક માલવેર ફેસબુક મેસેન્જર દ્વારા ખૂજ જ ઝડપથી દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. 'ડિગ્માઇન' નામના આ માલવેર બાબતે ટોકયોની સાઇબર સિકયોરિટી એજન્સી ટ્રેડ માઇક્રોએ ચેતવણી જાહેર કરી છે. જે મુજબ સાઉથ કોરિયા બાદ આ માલવેર વિયેતનામ, અજરબૈજાન, યુક્રેન, ફિલીપીન્સ, થાઈલેન્ડ અને વેનેઝુએલામાં પગ પેસારો કરી ચૂકયો છે.

નિષ્ણાંતો મુજબ આ માલવેર ખૂબ ઝડપથી અન્ય વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. જોકે હાલ આ માલવેર ફેસબુક મેસેન્જરના ડેસ્કટોપ અથવા વેબબ્રાઉઝર વર્ઝનને જ પ્રભાવિત કરી રહ્યો છે. ટ્રેંડ માઇક્રોએ પોતાના બ્લોગમાં લખ્યું કે આ માલવેરની ફાઇલને અન્ય બીજા કોઈ પ્લેટફોર્મ પર ખોલવામાં આવે તો તે બેઅસર રહે છે.

ડિગ્માઇનને ઓટોઇટ કોડમાં તૈયાર કરવામાં આવેલ એકિઝકયુટેબલ સ્ક્રિપ્ટ ફાઇલ છે. જે વીડિયો જેવી દેખાય છે તેમજ જો તમે ફેસબુક એકાઉન્ડ ઓટો લોગઇન પર મુકેલું હશે તો તમારા એકાઉન્ટમાંથી ડિગ્માઇન તમારા ફ્રેન્ડને આ ફાઇલ મેસેજ સ્વરુપે મોકલી દે છે. આ એક ફંકશનાલિટી કોડ છે જેને કમાન્ડ એનડ કંટ્રોલ સર્વરથી પુશ કરવામાં આવે છે જેનો મતલબ છે કે તેને અપડેટ પણ કરી શકાય છે.

આ માલવેર શકય તેટલી વધુવાર યુઝરના કોમ્પ્યુટરમાં રહેવાનો તમામ પ્રાયસ કરે છે અને વધુ નુકસાન પહોંચાડવાની કોશિષ કરે છે. આ માલવેરની મદદથી કોઈ તમારા કોમ્પ્યુટરના ઇન્સ્ટોલિંગ અને રજિસ્ટ્રેશન જેવા કમાન્ડ પર પણ કાબુ રાખી શકે છે.

(5:09 pm IST)