Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

તનની શુધ્ધિ સ્નાનથી અને ધનની શુધ્ધિ દાનથી થાય છેઃ સ્વામી દેવકૃષ્ણ દાસજી

રાજકોટ ગુરૂકુલમાં ભાવાંજલી મહોત્સવ સંપન્નઃ ગુરૂકુલની ત્રણ નવી શાખાઓની ઈંટોનું પૂજન : બે હજાર સ્વયંસેવકોની સેવા- ૧૦૦ કલાકના રાસમાં સુરતના ૪૦૦ યુવાનો જોડાયાઃ ઉત્સવમાં ૧૦ હજાર કિલો ઘઉંનો લોટ, ૫ હજાર કિલો તુવેરદાળ, ૭ હજાર કિલો ચોખા, ૫ હજાર કિલો ચણાદાળ, ૧ હજાર કિલો તેલ, ૩૫૦ ડબ્બા ચોખ્ખુ ઘી, ૧ હજાર કિલો શાકભાજીનો ઉપયોગ

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીના દીક્ષા શતાબ્દી પર્વે નિમિતે ચાલી રહેલા ભાવાંજલિ મહોત્સવની રંગેચંગે પૂર્ણાહુતિ કરવામાં આવેલ. પૂર્ણાહુતિ સમયે ઉત્સવ અને ગુરુકુલ પરિવારના મહંત ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું કે ધંધામાં ભેળસેળ, સત્તામાં લાંચનુે આવવા ન દેવી. પગારની નોટો જેમ ચીવટથી ગણીને લઈએ છીએ એમ નોકરીની મિનિટોનો પણ ચીવટથી ઉપયોગ કરવો. તેઓએ જણાવેલ કે માધુર્ય ભરેલી હોય અને વૃદ્ધવસ્થા સાર્થકતા ભરેલી હોવી જોઈએ તો જીવનમાં મુશ્કેલી આવે નહી અને જીવન જીવવામાં આનંદ રહે. નારાયણને રાખીશું તો લક્ષ્મીજી જરૂર આવશે, કારણ કે લક્ષ્મીજી પતિવ્રતા છે. તે નારાયણની સાથે જ હોય. જેને યુવાની જાળવવી હોય તેને ચાર વસ્તુ હોટલ, બોટલ, ટેબલ અને કેબલથી દૂર રહેવું જોઈએ. છરી એ શાક સુધારવાના કામમાં આવે છે અને કોઈના ખૂન કરવામાં પણ કામ આવે છે. આપણે દરેક વસ્તુનું વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવો. આપણે સિદ્ધાંતની બાબતમાં બાંધછોડ કરવી નહિ. સંગ હંમેશાં સારોનો કરવો. બીજાને આંજવા કરતા પોતાના જીવનને માંજવાનું જરૂરી છે.

ઉત્સવ દરમિયાન દાતાઓ અને યુવાનોને સંબોધતા કહ્યું હતું કે તનની શુધ્ધિ સ્નાનથીને ધનની શુધ્ધિ દાનથી થાય છે. યુવાનીને સાહસ અને ભકિતથી શણગારવા. આજ છે એ કાલ આવવાની નથી. કણ અને ક્ષણનો સાચો ઉપયોગ કરતાં શીખવું. સદાચારમય જીવન જ સુગંધવાળું હોય છે. તેવું જીવન જ પત્ની, પરિવાર, ગુરૂ અને ભગવાનને ગમે છે.

આ પ્રસંગે રાજકોટ ગુરુકુલની નૂતન ત્રણ શાખાઓની ઈંટોનું પૂજન ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ અને દાતાઓએ કરેલ. હાલ રાજકોટ ઉપરાંત જુનાગઢ, સુરત, વડોદરા, નર્મદા, પોઈચા નીલકંઠધામ તેમજ દેશ- વિદેશમાં વિદ્યા સાથે સદ્દવિદ્યા મેળવી રહ્યા છે. રાજકોટ પાસેના રતનપર ખાતેની નૂતન શાખામાં સરકારશ્રીની સહાયથી વંછિત ગરીબ પરિવારના સંસ્કારવાંચ્છુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા- જમવાને અભ્યાસની સુવિધા આપવાની મહંત સ્વામીએ જાહેરાત કરેલ.

વિશેષમાં સંતોએ ગુરૂદેવ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું વિશિષ્ટ પૂજન કરેલ. ગુરૂદેવના જીવનકાળ દરમ્યાન સંસ્કૃતના ૨૦૦૦ શ્લોકો અને ૮૦૦ કીર્તન- ભજનો કંઠસ્થ હતા. તે કીર્તનો અને શ્લોકોને કાગળમાં હાથે લખી તેનો ફુલનારૂપની ડિઝાઈનવાળો હાર બનાવી ૨૦૦ સંતોએ સમુહમાં ગુરૂદેવના કંઠમાં આરોપી પૂજન કરેલ.

ઉત્સવના મુખ્ય યજમાન ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ધીરૂભાઈ બાબરીયા- ડલાસ અમેરિકા, શ્રી લાલજીભાઈ પટેલ, ધર્મનંદન ડાયમંડ- સુરત તથા શ્રી રાકેશભાઈ દુધાત પરિવાર- ત્રાકુડા સુરતનું વિશેષ સન્માન તથા સમગ્ર ભાવાંજલિ મહોત્સવો જેની આગવી સૂઝ બૂઝથી કરાયેલા તેવા સુરત ગુરૂકુલના મહંત પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીને ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પાંચ કિલો બદામનો હાર પહેરાવી આર્શીવાદ આપેલ.

ઉત્સવમાં કેટલાક લોકોએ લાભ લીધો? કેટલા લોકોએ સેવા આપી ? તથા કેટલી સામગ્રી વપરાઈ? તેના જવાબમાં શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે બે લાખ લોકોએ પાંચ દિવસમાં લાભ લીધો. જુદા જુદા વિભાગમાં ૨૦૦૦ સ્વયં સેવકો જોડાયેલા. ઉત્સવની તૈયારી ૪૦ દિવસ પહેલાથી શરૂ કરાયેલ. ૧૦૦ કલાકના રાસમાં સુરતના ૪૦૦ યુવાનો જોડાયેલા. વિદેશથી ૩૦૦ ઉપરાંત ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવેલ. ઉત્સવમાં ૧૦,૦૦૦ કિલો ઘઉંનો લોટ, ૫,૦૦૦ કિલો તુવેર દાળ, ૭,૦૦૦ કિલો ચોખા, ૫,૦૦૦ કિલો ચણાદાળ, ૧,૦૦૦ કિલો તેલ, ૩૫૦  ડબા ચોખ્ખું ઘી, ૧,૦૦૦ કિલો શાકભાજીનો વપરાશ થયેલ.

આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠિયા, ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરા, મોરબીના ધારાસભ્ય શ્રી બ્રીજેશભાઈ મેરજા, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો.વલ્લભાઈ કથીરીયા વગેરે એ શાસ્ત્રીજી મહારાજને ભાવાંજલિ અર્પણ કરેલ, સભા સંચાલન પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી તથા શાસ્ત્રી વિરકતદાસજી સ્વામીએ માહિતી સભર કર્યું હતું.

(3:37 pm IST)