Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ભારતને ગ્લોબલ પ્લેયર બનાવવા માટે

૨૦૧૮માં અનેક દેશોની મુલાકાત લેશે મોદી

નવી દિલ્હી તા.ર૬ : આંતરરાષ્ટ્રીય સક્રિયતા મામલામાં પીએમ મોદી માટે નવુ વર્ષ પણ ર૦૧૭ની જેમ વ્યસ્તતાઓથી ભરપુર રહેશે. ભારતને ગ્લોબલ પ્લેયર બનાવવા હેઠળ ર૦૧૮માં પણ મોદી પોતાનુ અભિયાન ચાલુ રાખશે. આવતા મહિને ઇઝરાયલના પીએમ બેન્ઝામીન નેતનયાહુ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન સાથે મોદી ૧૬મીએ એક સંયુકત ફોરમને પણ સંબોધન કરશે. તે પછી જોર્ડનના રાજા આવી રહ્યા છે.

જાન્યુઆરીમાં મોદીની વ્યસ્તાઓ વધી જશે. બેન્ઝામીનની મુલાકાતથી ભારત અને ઇઝરાયલ વચ્ચે સંબંધો નવા સ્તર પર પહોંચશે. મોદી બે દાયકામાં પહેલીવાર વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં ભાગ લેનાર દાવોસ જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે તો ર૬મીના સમારોહમાં ૧૦ આશિયાન નેતાઓની મોજુદગીમાં દક્ષિણ-પુર્વ એશિયામાં સંતુલન બનાવતી તાકાતના સ્વરૂપમાં ભારતના રોલને માન્યતા મળશે. આવુ પહેલીવાર બનશે કે દસ જેટલા વિદેશી નેતાઓ ગણતંત્રના સમારોહમાં હાજર રહેશે.

ફેબ્રુઆરી પણ મોદી માટે વ્યસ્ત રહેશે. આ દરમિયાન મોદી યુએઇ અને પેલેસ્ટાઇન જાય તેવી શકયતા છે. આ સિવાય તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને કેનેડાના વડાપ્રધાનને પણ મળશે. ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન મોદી નેપાળ પણ જાય તેવી શકયતા છે. એપ્રિલમાં કોમન વેલ્થ સમીટમાં ભાગ લેવા લંડન પણ તેઓ જશે.

તે પછી બ્રિકસ સમીટ માટે દ.આફ્રિકા જઇ શકે છે આ સિવાય જી-ર૦ માટે આર્જેન્ટીના અને ઇન્ડિયા આશિયાન સમીટ માટે સીંગાપુર પણ જશે. મોદી જુનમાં એસસીઓ સમીટ માટે ચીન પણ જઇ શકે છે. જો તેઓ ચીન જશે તો સતત ચોથુ વર્ષ હશે કે જયારે તેઓ ચીન ગયા હોય.

(11:39 am IST)