Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વૃધ્ધ મહિલા માટે 'સાંતા' બન્યા રાહુલ ગાંધીઃ પૂરી કરી ઇચ્છા

નવી દિલ્હી તા. ૨૬ : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની વધતી ફેન ફોલોઈંગનો નમુનો સોમવારે ક્રિસ્મસના તહેવાર પર જોવા મળ્યો. ટ્વિટર પર દીપાલી સિકંદ નામની એક યુઝરે પોતાની ૧૦૭ વર્ષની વૃદ્ઘ નાનીના જન્મ દિવસે બર્થડે કેક કાપતી તસવીર શેર કરી. જેમાં દીપાલીએ એ પણ જણાવ્યું કે તેમના નાની રાહુલ ગાંધીને એક વખત મળવા માગે છે. રાહુલ જોકે, તેમને મળવા તો ન જઈ શકયા પણ ટ્વિટર પર દીપાલીના નાનીને જન્મ દિવસની શુભકામનાઓ આપી અને તેમને ફોન પણ કર્યો.

દીપાલીએ ટ્વીટ કર્યું, 'આજે મારા નાની ૧૦૭ વર્ષના થયા છે. તેમની એક ઈચ્છા છે. તેઓ રાહુલ ગાંધીને મળવા માગે છે. જયારે મે તેમને પૂછ્યું કે કેમ? તો તેમણે ધીરેથી કહ્યું રાહુલ હેન્ડસમ છે.'

આ ટ્વીટ પર રાહુલ ગાંધીએ રિ-ટ્વીટ કર્યું અને તેઓ દીપાલીના નાની માટે સિક્રેટ સાંતા બન્યા, રાહુલે લખ્યું કે, 'ડિયર દીપાલી, તમારી સુંદર નાનીને જન્મદિવસ અને ક્રિસમસની શુભેચ્છાઓ આપો અને મારી તરફથી તેમને ગળે મળજો.' રાહુલે કરેલા ટ્વીટને સાડા ત્રણ હજારથી વધુ લોકો રિ-ટ્વીટ કરી ચૂકયા છે અને ૧૨ હજારથી વધુ લોકોએ આ ટ્વીટને લાઈક પણ કરી છે.

જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પોતે દીપાલીના નાનીને ફોન કર્યો અને તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી અને તેમની વાત કરવાની ઈચ્છાને પૂર્ણ કરી.(૨૧.૭)

(11:37 am IST)