Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સમાજમાં જ્ઞાતિ, જાતિ અને વર્ગના નામે થતાં ભેદભાવના વિરોધમાં

મનુસ્મૃતિ દહન કરીને દલિત કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી તા. ૨૬ : સમાજમાં જ્ઞાતિ, જાતિ, અને વર્ગના નામે થતા ભેદભાવના વિરોધમાં સોમવારના રોજ દલિત કાર્યકર્તાઓએ મનુસ્મૃતિનું દહન કર્યુ હતું. આ કાર્યકર્તાઓ ડોકટર બાબાસાહેબ આંબેડકરે કરેલા મનુસ્મૃતિ દહનના ૯૦માં વર્ષના કાર્યક્રમ અંતર્ગત ભેગા થયા હતા.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને રાજકોટના ધોરાજીમાં દલિત કાર્યકર્તાઓએ મનુસ્મૃતિની કાઙ્ખપી સળગાવી હતી અને તેની અંતિમક્રિયા કરી સમાજમાં રહેલા જાતિવાદનો વિરોધ કર્યો હતો. ધ્રાંગધ્રામાં આ પ્રોગ્રામનું આયોજન કરનાર વેપારી ચંદ્રેશ વાણિયા જણાવે છે કે, તે પાછલા પાંચ વર્ષથી આ દિવસે આ પ્રોગ્રામનું આયોજન કરે છે. બાબાસાહેબ આંબેડકરે ૨૫મી ડિસેમ્બર ૧૯૨૭ના રોજ મનુસ્મૃતિનું દહન કર્યું હતું. ત્યારપછી તેમણે પોતાના સમર્થકો પાસે અસ્પૃશ્યતા સહિતના અન્ય રૂઢિચુસ્ત રિવાજો વિરુદ્ઘ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

ચંદ્રેશ વાણિયા આગળ જણાવે છે કે, અમે સદીઓથી ભેદભાવનો સામનો કરી રહ્યા છીએ. બાબા સાહેબ પહેલા એવા વ્યકિત હતા જેમણે લોકો સમક્ષ આની વિરુદ્ઘ અવાજ ઉઠાવ્યો હતો અને ૧૯૨૭માં તેમના હજારો સમર્થકો સાથે મળીને તેમણે મનુસ્મૃતિ સળગાવી હતી. ધોરાજીના એકિટવિસ્ટ ભરત જણાવે છે કે, દલિત મહિલાએ અંતિમ ક્રિયા કરીને મનુસ્મૃતિનું દહન કર્યુ હતું અને આના દ્વારા મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, મનુસ્મૃતિનું લખાણ મહિલાઓના અધિકારો વિરુદ્ઘ છે. તેની અમુક વાતો સતી પ્રથા જેવી કુપ્રથાઓનું પણ સમર્થન કરે છે.(૨૧.૪)

(9:27 am IST)