Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

લાંબા અંતરની બસોમાં ટોયલેટ ફરજીયાત બનશે

મોટર વ્હીકલ બીલ પર રચવામાં આવેલી પ્રવર સમિતિએ કરેલા સુચનો લાગુ થાય તો બદલી જાશે માર્ગ વાહન વ્યવહારની સ્થિતિઃ અલગ-અલગ વાહનો માટે રસ્તાઓ ઉપર અલગ-અલગ લેન નક્કી કરવા પણ સુચન

નવી દિલ્હી તા.ર૬ : આવતા દિવસોમાં લાંબા અંતરની બસોમાં ટોયલેટની વ્યવસ્થા રાખવી ફરજીયાત બની શકે છે. સંસદીય સમિતિએ સરકારને આ બાબતે ગંભીરતાથી વિચારવા જણાવ્યુ છે. સમિતિએ વિવિધ પ્રકારના વાહનો માટે અલગ લેનની જરૂરીયાત પણ દર્શાવી છે.

મોટર સંશોધન ખરડાની સમીક્ષા માટે રાજયસભાના સાંસદ વિનય સહસ્ત્રબુધ્ધેના વડપણવાળી ર૪ સભ્યોની પ્રવર સમિતિએ થોડા સમય પહેલા પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કર્યા છે. સમિતિએ કેટલાક એવા સુચન કર્યા છે કે જો તેનો અમલ થાય તો દેશમાં માર્ગ વાહન વ્યવહારની સ્થિતિમાં સુખદ સુધારો થઇ શકે છે.

ઉદાહરણ તરીકે સમિતિએ સ્વચ્છ ભારતનો ઉલ્લેખ કર્યા વગર સરકારને લાંબા અંતરની તમામ બસોમાં ફરજીયાતપણે ટોયલેટની વ્યવસ્થા કરવા જણાવ્યુ છે. સમિતિનું કહેવુ છે કે, નિર્માણ અંગેની ટેકનીક હોવા છતાં ભારતમાં બહુ ઓછી બસોમાં ટોયલેટની વ્યવસ્થા છે તેથી સરકારે આ દિશામાં તરત પગલા લેવા જોઇએ.

આ જ પ્રકારે સમિતિએ વિવિધ પ્રકારના વાહનો માટે લેન સુનિશ્ચિત કરવા અને આ બાબતે નિયમો બનાવવા પણ કહ્યુ છે. સમિતિએ એવુ પણ સુચન કર્યુ છે કે, નિયમ બનાવતી વખતે ખતરનાક તથા હાનિકારક રસાયણો તથા સામાનોના વહન અંગે પણ યોગ્ય જોગવાઇઓ કરવી જોઇએ. સમિતિએ જરૂરથી લાંબા અને પહોળા તથા ઉંચા વાહનોના ડ્રાઇવરો માટે ખાસ તાલીમ કાર્યક્રમ ચલાવવા પણ કહ્યુ છે. સમિતિએ કેટલાક અન્ય મામલામાં પણ સ્પષ્ટ નિયમ બનાવવા કહ્યુ છે.

(9:26 am IST)