Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

દિલ્હીમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : વરિષ્ઠ નેતા મુકેશ ગોયલ આમ આદમી પાર્ટીમાં જોડાશે

દિલ્હી કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓમના એક મુકેશ ગોયલ હાલમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પાર્ટીના નેતા

નવી દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકેશ ગોયલ આવતીકાલે એટલે કે 27 નવેમ્બરે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાશે. સૂત્રો પાસેથી માહિતી મળી છે. દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે તેને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. મુકેશ ગોયલ દિલ્હી કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે અને તેઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પાર્ટીના નેતા છે.

ઘણા સમયથી તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાના અહેવાલો હતા અને હવે તેઓ કાલે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે. જો કે મુકેશ ગોયલે કોંગ્રેસ પાર્ટી છોડવાનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ ગોયલની સાથે અન્ય કેટલાક પદાધિકારીઓ પણ કોંગ્રેસનો હાથ છોડી શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ની શરૂઆતમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ દરમિયાન દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. હાલમાં દિલ્હીના ત્રણેય કોર્પોરેશન પર ભાજપનો કબજો છે. દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીને ગત વખતે નગરપાલિકાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, આગામી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. જો કે કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે

(11:36 pm IST)