Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

હવે ઉધ્ધવ ઠાકર અને પવારને મળશે મમતા બેનર્જી

આવતા મહીને જશે રાજસ્થાન : કોંગ્રેસને વધુ એક દર્દ આપશે મમતા

નવી દિલ્હી તા. ૨૬ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના વિસ્તરણમાં વ્યસ્ત છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે મમતા પોતાની પાર્ટીને ભાજપ વિરૂદ્ઘ કોંગ્રેસના વિકલ્પ તરીકે પ્રોજેકટ કરી રહી છે. આ પ્રયાસો વચ્ચે, તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે અને નેશનલ કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને મળવા મુંબઈ જશે. ટીએમસીના પ્રવકતા કુણાલ ઘોષે પોતાની મુંબઈ મુલાકાતની પુષ્ટિ કરતા કહ્યું કે મમતા બેનર્જી ભાજપ સામે મજબૂત વિપક્ષી ચહેરો છે.

તૃણમૂલ કોંગ્રેસને ગોવા, યુપી, મેઘાલય, ત્રિપુરા અને આસામમાં વિસ્તાર્યા બાદ મમતા બેનર્જી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજસ્થાનની મુલાકાતે પણ જાય તેવી શકયતા છે. તૃણમૂલ આગામી ગોવા વિધાનસભા ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. પાર્ટી ત્રિપુરામાં ચાલી રહેલી નગરપાલિકાની ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે.

તાજેતરમાં, TMC ગોવાના કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લુઇઝિન્હો ફાલેરો સહિત ઘણા 'ભ્રમિત' કોંગ્રેસના નેતાઓને આકર્ષવામાં સફળ રહી છે. ટીએમસીને મેઘાલયમાં ૧૮માંથી ૧૨ કોંગ્રેસના ધારાસભ્યો પણ મળ્યા છે. આનાથી રાજય વિધાનસભામાં ટીએમસી મુખ્ય વિપક્ષ બની ગઈ છે. મુંબઈની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રાજયમાં રોકાણ માટે કેટલાક ઉદ્યોગપતિઓને પણ મળે તેવી શકયતા છે.

(3:29 pm IST)