Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

તીસ્તા સેતલવાડ જ ઝાકિયા જાફરીને CM મોદી વિરુદ્ઘ ભડકાવી રહી હતીઃ SITનો રિપોર્ટ

SITના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે જાફરીને તીસ્તા સેતલવાડ ગંભીર આરોપ મૂકવા ભડકાવતી હતી : ઝાકિયા જાફરીએ ૨૦૦૨ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્રભાઇ મોદીને SIT દ્વારા આપવામાં આવેલી કલીન ચીટને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે

નવી દિલ્હી, તા.૨૬: ગુજરાતમાં ૨૦૦૨ પછીના ગોધરા રમખાણોની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની SITએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે એકિટવિસ્ટ તિસ્તા સેતલવાડે ઝાકિયા જાફરીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી સામે મનફાવે તેવા આરોપો કરવા ઉશ્કેર્યા હતા. ગુજરાત રમખાણોને લગતા નવ મોટા કેસોની તપાસ કરનારી વિશેષ તપાસ ટીમે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડના આરોપોની તપાસ કરી છે કે રમખાણો એક મોટું કાવતરું હતું. આ કાવતરામાં તત્કાલિન સીએમ નરેન્દ્રભાઇ મોદી પણ સામેલ હતા. . એસઆઈટીએ કહ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે આરોપોમાં કોઈ સત્ય નથી, તે પાયાવિહોણા છે. SITએ પોતાના રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે રાજય સરકારે રમખાણોને કાબૂમાં લેવા માટે સમયસર સેના બોલાવવાનો નિર્ણય લીધો હતો.

આગળ વધતા પહેલા એ સમજવું જરૂરી છે કે SIT દ્વારા આ મામલે કલોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હોવા છતાં SITના તપાસ રિપોર્ટ પર હવે સુપ્રીમ કોર્ટમાં શા માટે દલીલ કરવામાં આવી રહી છે. હકીકતમાં, ૨૦૦૮માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેકટર આર. ના. રાદ્યવનના નેતૃત્વમાં પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. ૨૦૦૯માં, કોર્ટે એહસાન જાફરીની હત્યામાં તત્કાલિન સીએમ નરેન્દ્રભાઇ મોદી અને અન્ય લોકોની કથિત સંડોવણી સાથે સંબંધિત ઝાકિયા જાફરીના આરોપોની તપાસ કરવાની જવાબદારી પણ SITના સોંપી હતી. તપાસ બાદ SITએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ૬૩ લોકોને કલીનચીટ આપી હતી. આ જ કલીન ચિટને ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

SIT તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની બેન્ચને જણાવ્યું કે ૨૦૦૬માં ઝાકિયા જાફરીએ દાખલ કરેલી મૂળ ફરિયાદ ૩૦-૪૦ પાનાની હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રમખાણો મોટા ષડયંત્રના ભાગરૂપે થયા હતા જેમાં શાસક પક્ષના નેતાઓ, નોકરશાહી અને પોલીસ પણ સામેલ હતા. એટલે કે, રાજય પોતે જ તેના લોકોની વિરુદ્ઘ થઈ ગયું હતું. રોહતગીએ કહ્યું કે સમયની સાથે આરોપોની યાદીમાં વધારો થતો રહ્યો. અનેક ગંભીર આક્ષેપો ઉમેરાયા હતા. ફરિયાદમાં સેંકડો પાનામાં જોડાતા ગયા અને ૨૦૧૮માં નવી તપાસની માંગણી કરવામાં આવી હતી.

મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, 'ફરીયાદી (ઝાકિયા જાફરી) તિસ્તા સેતલવાડ અને તેના એનજીઓના પ્રભાવમાં હતી. તેની ઉશ્કેરણીમાં આવીને તેણે આવા ગંભીર આક્ષેપો કર્યા હતા. SITએ દરેક આરોપની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. અગાઉ નિર્દોષ જાહેર કરાયેલા કેટલાક લોકો સામે ટ્રાયલની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ રમખાણો પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાના આરોપોમાં કોઈ સત્ય નથી. આ આરોપ ત્રણ કલંકિત પોલીસ અધિકારીઓ- આર. એન.એસ. શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટના નિવેદનો પર આધારિત હતા. રોહતગીએ કહ્યું કે એમિકસ કયુરી અને વરિષ્ઠ એડવોકેટ રાજુ રામચંદ્રને SIT તપાસની વિગતોની સંપૂર્ણ તપાસ કર્યા પછી સુપ્રીમ કોર્ટને કહ્યું કે શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની જુબાનીઓ વિશ્વસનીય નથી અને તેને રેકોર્ડ પર લઈ શકાય તેમ નથી.

બુધવારના એક દિવસ પહેલા એસઆઈટીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે રમખાણોને કાબૂમાં લેવા માટે સમયસર સેના બોલાવવાનો નિર્ણય કર્યો છે. એસઆઈટીએ કહ્યું કે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ, જે દિવસે રમખાણો ફાટી નીકળ્યા, સરકારે સેનાને બોલાવવાનો નિર્ણય કર્યો અને તે જ દિવસે સેનાની તૈનાતી શરૂ કરી. એસઆઈટીએ કોર્ટને કહ્યું કે રમખાણોના દિવસે રાજય સરકારના મંત્રી પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર હતા કારણ કે તેનાથી પોલીસનું મનોબળ વધ્યું હોત.

ઝાકિયા જાફરી કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની છે, જે રમખાણોમાં માર્યા ગયા હતા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં તોફાનીઓના ટોળાએ હંગામો મચાવ્યો હતો. પથ્થરમારો થયો હતો. ઘરોમાં આગ લગાડવામાં આવી હતી. જેમાં અહેસાન જાફરી સહિત ૬૯ લોકોના મોત થયા હતા

તો ઝાકિયા જાફરીએ પણ SIT ચીફની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. મોદી સહિત ૬૪ લોકોને આપવામાં આવેલી કલીનચીટને પડકારતા જાફરીએ દાવો કર્યો છે કે SITહ્ય્ કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓને અવગણીને કલોઝર રિપોર્ટ સબમિટ કર્યો હતો. તેણે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સામે જ તપાસની માંગ કરી છે. જાફરીના વકીલ કપિલ સિબ્બલ દ્વારા ગુરુવારે SIT ચીફ એ.કે. ના. રાદ્યવનની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે તપાસ બાદ તેમને સાયપ્રસમાં ભારતના હાઈ કમિશનર બનાવવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કલીન ચિટના બદલામાં રાઘવનને આ પદ પુરસ્કાર તરીકે આપવામાં આવ્યું હતું.

૨૦૦૮ માં સુપ્રીમ કોર્ટે રમખાણ સંબંધિત નવ કેસોની પોતાની દેખરેખ હેઠળની તપાસ કરવા માટે આરકે રાદ્યવનની આગેવાની હેઠળ પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. ૨૦૦૯માં કોર્ટે SITના ઝાકિયા જાફરીના આરોપોની તપાસ કરવા પણ કહ્યું હતું. SITએ ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી અને ઝાકિયા જાફરીની પણ પૂછપરછ કરી હતી. SITએ ફેબ્રુઆરી ૨૦૧૧માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર, કેસના નવા એમિકસ કયુરી, રાજુ રામચંદ્રને SIT તપાસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તે સંબંધિત પોલીસ અધિકારીઓ સહિત કેસ સાથે સંબંધિત મહત્વના પાત્રોને મળ્યા હતા. જુલાઈ ૨૦૧૧માં રામચંદ્રને પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં સુપરત કર્યો હતો. ૮ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ, SITએ મોદીને કલીનચીટ આપતાં, ટ્રાયલ કોર્ટમાં કલોઝર રિપોર્ટ રજૂ કર્યો, જેને કોર્ટે સ્વીકાર્યો. જેની સામે જાફરી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. ઓકટોબર ૨૦૧૭ માં હાઈકોર્ટે તેમની અપીલનો અસ્વીકાર કર્યો હતો. હાઈકોર્ટના આ ચુકાદાના વિરોધમાં ઝાકિયા જાફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. હાલ આ કેસ જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની આગેવાનીવાળી સુપ્રી કોર્ટની ૩ જસ્ટિસની બેન્ચ સામે છે.

(3:26 pm IST)