Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ મળતા ચકચાર

કેન્દ્રએ તમામ રાજયોમાં આપ્યું એલર્ટ

જિનેવા, તા.૨૬: સાઉથ આફ્રિકા કોરોનાનું નવું વેરિઅન્ટ મળતાં ખળભળાટ મચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ગુરુવારે દક્ષિણ આફ્રિકા અને બોત્સાવાનામાં ઝડપથી ફેલાતા નવા કોરોનાવાયરસના નવા વેરિએન્ટ પ્રકાર વિશે પણ ચર્ચા કરી હતી. સાયન્સ મીડિયા સેન્ટર દ્વારા પ્રકાશિત એક નિવેદનમાં, લંડનમાં UCL જિનેટિકસ ઇન્સ્ટિટ્યૂટના ડિરેકટર ફ્રાન્કોઇસ બોલોકસે જણાવ્યું હતું કે, b.1.1529 નામના નવા પ્રકારમાં અસામાન્ય રીતે મોટી સંખ્યામાં પરિવર્તનો જોવા મળ્યા છે. એ પ્રકારનું અનુમાન કરવામાં આવ્યું છે કે, સારવાર ન કરાયેલ એચઆઇવી/એઇડ્સ દર્દીમાંથી આ વાયરસ આવ્યો છે. બલોકસે કહ્યું કે, ક્રોનિક ઇન્ફેકશન દરમિયાન તેનો વિકાસ થવાની સંભાવના છે. આ તબક્કે આ વાયરસ કેટલો ફેલાઈ શકે છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. થોડા સમય માટે તેની નજીકથી નિરીક્ષણ અને વિશ્લેષણ કરવું જોઈએ. મહત્વનું છે કે, નવા પ્રકારો સામે આવ્યા પછી, આરોગ્ય મંત્રાલયે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા સૂચના આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, વિદેશથી આવતા લોકોનું પરીક્ષણ સદ્યન રીતે કરવામાં આવે. જો આમાંથી કોઈ પ્રવાસી પોઝિટિવ આવે છે, તો તેના નમૂનાને INSACOG જીનોમ સિકવન્સિંગ લેબોરેટરી રાજયમાં મોકલવામાં આવશે.

વાયરસના પ્રકારો અંગે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં આવા ૨૨ કેસ મળી આવ્યા છે. એનઆઈસીડીના એકિઝકયુટિવ ડિરેકટર એડ્રિયન પૂરને કહ્યું કે, તે ચિંતાનો વિષય છે કે દક્ષિણ આફ્રિકામાં એક નવો વેરિએન્ટ શોધાયો છે, કારણ કે હાલમાં ડેટા મર્યાદિત છે, અમારા નિષ્ણાતો નવા વાયરસ પ્રકારને સમજવા માટે તમામ સ્થાપિત સર્વેલન્સ સિસ્ટમ્સ સાથે કામ કરી રહ્યા છે. તેની અન્ય સંભવિત અસરો શું હોઈ શકે તેનો પણ તેઓ અભ્યાસ કરી રહ્યા છે. અન્ય દ્યણા મુદ્દાઓ પર પણ સંશોધન ચાલી રહ્યું છે. રોગ નિયંત્રણ અને નિવારણ માટેના આફ્રિકા કેન્દ્રોએ અગાઉ કહ્યું હતું કે, તે વાયરસના પ્રકારને લઈને આવતા અઠવાડિયે દક્ષિણ આફ્રિકાના અધિકારીઓને મળશે.

અહીં દક્ષિણ આફ્રિકાએ પણ નવા વાયરસ પ્રકાર અંગે ચિંતા વ્યકત કરી છે. વાઈરોલોજિસ્ટ તુલિયો ડી ઓલિવિરાએ જણાવ્યું હતું કે B.1.1529 નામના નવા સંસ્કરણમાં ખૂબ મોટી સંખ્યામાં સંક્રમણ જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે, તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસીઓમાં બોત્સ્વાના અને હોંગકોંગમાં પણ જોવા મળ્યું છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. આ મહિનાની શરૂઆતમાં લગભગ ૧૦૦ નવા કેસ જોવા મળ્યા હતા, જે બુધવારે દૈનિક ચેપની સંખ્યા ૧,૨૦૦ થી વધુ થઈ ગયા હતા.

સ્વાસ્થ્ય મંત્રી જો ફહલાએ કહ્યું કે, વાયરસના નવા પ્રકારો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાએ ગયા વર્ષે વાયરસનું બીટા વર્ઝન શોધી કાઢ્યું હતું. હવે દક્ષિણ આફ્રિકાએ બહુવિધ પરિવર્તન સાથે એક નવો કોવિડ-૧૯નો નવો વેરિએન્ટ શોધી કાઢ્યો છે. રોગચાળાની સૌથી વધુ અસર દક્ષિણ આફ્રિકામાં છે.

(10:09 am IST)