Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

અન્ના હજારેની તબિયત લથડીઃ છાતીમાં દુખાવો થતા પૂણેની ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

તાજેતરમાં અન્ના હજારેએ એન્જીયોગ્રાફી કરાવી છે, જેથી ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છેઃહોસ્પિટલમાં દાખલ થયા બાદ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ પણ હજારેની તબિયત વિશે પુછપરછ કરી છે

પૂણે,તા. ૨૬:  ગુરુવારે રાત્રે સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત અચાનક બગડી હતી. છાતીમાં દુઃખાવો થતાં તેમને પુણેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

રૂબી હોલ કિલનિકના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. અવધૂત બોડામવાડે જણાવ્યું હતું કે, અન્ના હજારેને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેઓને હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, અન્ના હજારેની એન્જીયોગ્રાફી કરવામાં આવી છે, જેથી ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. સામાજીક કાર્યકરની તબિયત લથડતા મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ પણ અન્ના હજારેની તબિયત વિશે પૂછપરછ કરી હતી. સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ કહ્યું કે, હમણાં જ જાણવા મળ્યું છે કે અન્ના હજારેને પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ જલ્દી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.

પુણેના રહેવાસી અન્ના હજારે દેશમાં અનેક મોટા આંદોલનોનું નેતૃત્વ કરવા માટે જાણીતા છે. તેમણે માહિતી અધિકાર માટે કામ કર્યું હતુ તેમજ જનલોકપાલની માગણી માટે ૨૦૧૧માં તેમના ઉપવાસથી તેમને સૌથી વધુ ઓળખ મળી હતી. દિલ્હીનું આ આંદોલન વિશ્વભરમાં અન્ના આંદોલનના નામથી જાણીતું હતું. જેના કારણે તેને ભારત બહાર પણ ઓળખ મળી હતી. અન્ના હજારેને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

(9:53 am IST)