Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

દ.આફ્રિકાની પંડિત લુસીએ વિષ્ણુ ભગવાન પર પુસ્તક લખ્યું

ભગવાન વિષ્ણુના ૧૦૦૦ નામનો અંગ્રેજીમાં અનુવાદ કરાયો : પંડિત લુસી સિગબાને પોતાના જીવનની એક ઘટનાથી પ્રેરિત થઈને વિષ્ણુ ૧૦૦૦ નેમ્સ નામનું પુસ્તક લખ્યું

કેપટાઉન , તા.૨૫ : દક્ષિણ આફ્રિકાની પંડિત લુસી સિગબાને હિન્દુઓના આરાધ્ય ભગવાન વિષ્ણુ પર એક પુસ્તક લખ્યું છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ખાસ વાત છે કે પુસ્તક માત્ર હિન્દુઓમાં નહીં પરંતુ અન્ય ધાર્મિક સમુદાયના લોકોમાં પણ લોકપ્રિયબન્યું છે. પુસ્તકમાં ભગવાન વિષ્ણુના ૧૦૦૦ નામનો અંગ્રેજીમાં અનુવાદ કરાયો છે. જેથી કરીને દક્ષિણ આફ્રિકાના લોકો અને ખાસ કરીને એવા હિન્દુ યુવાઓ માટે સુલભ બનાવી શકાય જે હિન્દી કે સંસ્કૃત વાંચી શકતા નથી.

પંડિત લુસી સિગબાને પોતાના જીવનની એક ઘટનાથી પ્રેરિત થઈને 'વિષ્ણુ ૧૦૦૦ નેમ્સ' નામનું પુસ્તક લખ્યું છે. તેમણે 'વિષ્ણુ સહસ્ત્રનામ'નો સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો અને પછી બીજા સાથે પોતાના વિચારો શેર કરવાનો નિર્ણય લીધો. સિગબાને ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે ૨૦૦૫માં મારી સ્થિતિ ખુબ ખરાબ હતી. તે સમયે હું એક વર્ષથી વધુ સમય સુધી નોકરી વગર હતી અને મારી કાર બેંકે પાછી લઈ લીધી હતી. મારા પુત્ર નિતાઈ અને ગૌરા નાના હતા અને સમય ખુબ કપરો હતો.

તેમણે કહ્યું કે જેમ બુદ્ધિશાળી લોકોએ કહ્યું છે કે- કપરા સમયમાં ઉપરવાળા પર વિશ્વાસ રાખવો જોઈએ, મે કર્યું અને પરિણામ ખુબ સારા આવ્યા. સત્યનારાયણ વ્રત કથાથી જીવનના પડકારોને ઓછા કરી શકાય છે. ભારતમાં તાલિમ લેનારા સિગબાન બૃહદ જોહાનિસબર્ગ ક્ષેત્રમાં હિન્દુ સમુદાય, વિશેષ કરીને નિમ્ન સામાજિક-આર્થિક સમૂહના લોકોની ખુબ મદદ કરે છે. તેઓ વિભિન્ન પૂજાઓથી લઈને હિન્દુ રિતી રિવાજથી લગ્નો અને અંત્યેષ્ઠી પણ કરાવે છે.

હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તિ અને પરંપરાગત આફ્રિકી ધર્મ સમુદાયના સભ્યોએ સપ્તાહના અંતમાં જોહાનિસબર્ગના દક્ષિણમાં ખાસ કરીને  ભારતીય વસ્તી લેસિયા સ્થિત દુર્ગા મંદિરની અંદર પંડિત લુસી સિગબાનના પુસ્તક વિમોચનમાં ભાગ લીધો. દરમિયાન જોહાનિસબર્ગ શહેરમાં ઈન્ટરફેથ ડેસ્કના પ્રમુખ મેશેક ટેમ્બેએ પોતાના કામના માધ્યમથી સામાજિક અને ધાર્મિક એક્તા લાવવામાં સિગબાનના પ્રગતિશિલ દ્રષ્ટિકોણની પ્રશંસા કરી.

(12:00 am IST)