Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સોના-ચાંદી પર ૫% GST લેવાની તૈયારી

હાલનો ત્રણ ટકાનો દર વધારીને પાંચ ટકા કરવા માટેની તજવીજને પગલે ઉદ્યોગકારોમાં ઉચાટ : સરકાર દ્વારા હાલ સોના-ચાંદી પર ત્રણ ટકા જીએસટીની વસૂલાત થઇ રહી છે

 

નવી દિલ્હી,તા. ૨૫ : કાપડ પર જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં સોના-ચાંદી પર જીએસટીના દરમાં વધારો કરવામાં આવે તેવી શકયતા ઉભી થઇ છે તેના કારણે સોના-ચાંદીના વેપારી ઉચાટ જોવા મળી રહ્યો છે. કારણ કે હાલમાં સોના-ચાંદી પર ત્રણ ટકા જ જીએસટી વસુલાત કરવામાં આવતી હોય છે. તેના પર સીધો બે ટકા વધારો થતા સીધુ ભારણ ગ્રાહકો પર આવવાનું છે.

જીએસટી લાગુ કરતી વખતી નકકી કરવામાં આવેલ આવક હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને થઇ રહી નહી હોવાના કારણે જ કાપડ પર ૧૨ ટકા જીએસટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં અન્ય ચીજવસ્તુઓના દરમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શકયતા ઉભી થઇ છે. આજ કારણોસર સોના-ચાંદી પર હાલમાં વસૂલ કરવામાં આવતો ત્રણ ટકા જીએસટીના બદલે પાંચ ટકા વસૂલ કરવામાં આવે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે. તેના કારણે સૌથી વધુ મુશ્કેલી ગ્રાહકો પર આવીને ઉભી રહેવાની છે. કારણ કે બે ટકા જીએસટીનો દર વધારવામાં આવે તો બે ટકાનું ભારણ સીધુ ગ્રાહક પર જ આવવાનું છે. (૨૨.૫)

ભાવ વધશે પરંતુ ખરીદીમાં ઝાઝો ફરક જોવા નહી મળે

સોનાના ભાવ જ્યારે ૧૦ હજાર હતો અને હાલમાં ૫૦ હજારની આસપાસ હોવા છતાં ગ્રાહકોએે તેની ખરીદી કરવામાં ઘટાડો કર્યો નથી. આ માટેનું કારણ એવું છે કે સોના-ચાંદીના દાગીના ખરીદવા અને પહેરવા તે લકઝરી ગણવામાં આવતી હોય છે તેમજ એકાદ બે ટકા ટેકસનો વધારો કરવામાં આવે તો તેની ગણતરી ગ્રાહક કરતા નથી. અગાઉ ૧૨ ટકા ટેકસ હતો તેમાં ઘટાડો કરીને સાત ટકા કરવામાં આવ્યો ત્યારે પણ સોના-ચાંદીની જ્વેલરીના ભાવમાં કોઇ તફાવત જોવા મળ્યો નથી તેના લીધે જાણકારો એવુ કહી રહ્યા છે ગ્રાહકો પર બોજો આવશે પરંતુ ખરીદી કરવામાં ઝાઝો તફાવત જોવા મળશે નહીં

બિલિંગ વિના સોના-ચાંદી વેચવાના કિસ્સા વધશે

સોના-ચાંદીની લગડી કે સિક્કા લેવામાં આવે તો તેમાં સીધો બે ટકાનો ભાવ વધવાને કારણે ૫૦ હજારની સોનાની લગડી પર સીધો એક હજાર રૂપિયા વધી જવાની શકયતા રહેલી છે. તેના કારણે જીએસટી દરમાં વધારો કરવામાં આવ્યા બાદ સોના કે ચાંદીની લગડી ખરીદવાના કિસ્સામાં બિલ વિના જ ખરીદી કરવાના કિસ્સામાં વધારો થવાનું જાણકારો કહી રહ્યા છે

જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને નુકસાન નહીં થાય

સોના-ચાંદી પર ત્રણ ટકા જીએસટી છે. જ્યારે તેમાંથી બનતી જ્વેલરી પર પાંચ ટકા જ જીએસટી હોવાના કારણે જ્વેલરી ઉદ્યોગકારોનું નુકસાન થવાના બદલે રાહત થવાની છે. કારણ કે ત્રણ અને પાંચ ટકાના દરના કારણે કેટલીક ગુંચવણો પણ થતી હતી, જ્યારે એક સમાન દર કરી દેવામાં આવવાના કારણે ગૂંચવાડો દૂર થવાની શકયતા રહેલી છે

- જયંતી સાવલિયા (જ્વેલરીના મેન્યુફેકચર)

(12:00 am IST)