Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મોબાઈલ સંતાડી કસાબની મદદ કરી હતી

મહારાષ્ટ્ર પોલીસના નિવૃત્ત એસીપીના સ્ફોટક આક્ષેપ : પરમબીરસિંહે તપાસ અધિકારીઓને ક્યારેય ફોન આપ્યો નહોતો : નિવૃત્ત એસીપી શમશેરખાન પઠાણનો આરોપ

મુંબઈ, તા.૨૫ : મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર મહારાષ્ટ્ર પોલીસના નિવૃત્ત એસીપી શમશેરખાન પઠાણે સ્ફોટક આરોપો લગાવ્યા છે. પઠાણનુ કહેવુ છે કે, ૨૦૦૮માં મુંબઈ આતંકી હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબની મદદ પરમબીરે કરી હતી.

કસાબ પાસે મળેલો ફોન પરમબીરે પોતાની પાસે રાખી લીધો હતો અને તે તપાસ અધિકારીઓને ક્યારેય આપ્યો નહોતો. ફોન થકી કસાબને હુમલા દરમિયાન પાકિસ્તાનમાંથી સૂચનાઓ મળી રહી હતી.

મીડિયા રિપોર્ટમાં શમશેરખાન પઠાણને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, પરમબીરે બીજા કેટલાક આંતકીઓને પણ મદદ કરી હતી.પઠાણે મુંબઈ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં કહ્યુ છે કે, હું ૨૦૦૭ થી ૨૦૧૧ દરમિયાન મુંબઈમાં સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત હતો.જ્યારે કસાબ પકડાયો ત્યારે મને મારા સાથી અધિકારી એન આર માળીએ કહ્યુ હતુ કે, કસાબ પાસેથી એક મોબાઈલ ફોન પણ મળ્યો છે અને જે અધિકારીઓ સ્થળ પર છે તેમાં એટીએસના તે સમયના ચીફ પરમબીર સિંહ પણ છે. ફોન કોન્સ્ટેબલ પાસેથી લઈને પરમબીરે રાખી લીધો હતો.

પઠાણના દાવા પ્રમાણે ફોન મહત્વનો પૂરાવો હતો.કારણકે તેના પર કસાબ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓ પાસે સૂચનાઓ મેળવી રહ્યો હતો.મને પાછળથી ખબર પડી હતી કે, તપાસમાં ફોનનો કોઈ રોલ નહોતો.કોર્ટમાં પણ પોલીસે કહ્યુ હતુ કે, કોઈ ફોન મળી આવ્યો નથી.

પઠાણનુ કહેવુ છે કે, ફોન થકી પાકિસ્તાન નહીં ભારતમાં પણ આતંકીઓના કેટલાક હેન્ડલર પકડાય અને તેમાંથી ભારતના પણ કેટલાક પ્રભાવશાળી લોકોના નંબર મળી આવે તેવી શંકા હતી.જો ફોન તે સમયે ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવ્યો હોત તો કદાચ વધારે જાણકારી મળી હોત.મારી સાથી અધિકારી માળી સાથે મારે થોડા દિવસ પહેલા વાત થઈ હતી અને માળીએ મને કહ્યુ હતુ કે, ફોન અંગે બાદમાં મેં પરમબીર સિંહ સાથે વાત કરી હતી ત્યારે પરમબીર સિંહે મારા પર ભડકી ગયા હતા અને ઓફિસમાંથી મને બહાર કાઢી મુકયો હતો.

પઠાણનો આક્ષેપ છે કે, ઘટનાની જાણકારી ઉપરી અધિકારીઓને અપાયા પછી પણ પરમબીર સિંહ સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી.

(12:00 am IST)