Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં બે દશક દરમ્યાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું

દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઈઝર નવી દિલ્હીમાં: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સમક્ષ ગુજરાતની પ્રભાવક, પ્રોત્સાહક અને ધબકતી વાઇબ્રન્ટ વિકાસયાત્રાની બે દાયકાની સફળતા વર્ણવી:વાઇબ્રન્ટ સમિટ 2022 દ્વારા ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિઓ ક્ષમતા અને આત્મનિર્ભર ભારતની વિકાસ ગાથામાં લીડ લેવાની સજ્જતા ઉજાગર કરાશે: વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા –ગુજરાતમાં રોકાણો કરવા મુખ્યમંત્રીનું આમંત્રણ :આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ સાથે યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ -2022

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં બે દશક દરમ્યાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું છે કે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે અને બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશે આર્થિક, સામાજિક વિકાસના ક્ષેત્રે પ્રગતિની નવી દિશા કંડારી છે, ત્યારે તેમના પદચિન્હો પર ચાલતાં ગુજરાતે પણ વિકાસની આ તેજ રફતાર પકડી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 2022માં યોજાનારી 10મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજીને રાજ્યના ચોતરફા વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી.
  ભુપેન્દ્રભાઈ પટેલે આ વાયબ્રન્ટ સમિટનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં હવે તો આ સમિટ ગ્લોબલ નોલેજ શેરિંગ નેટવર્કિંગનું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગઈ છે
  ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, આગામી 10 જાન્યુઆરી 2022ના રોજ આ ગ્લોબલ સમિટનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રારંભ કરાવશે.
આ શુભારંભ અવસરે દેશનાં વિવિધ રાજ્યોના વડા,વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ,  ગ્લોબલ સી.ઈ.ઓ; વિવિધ લક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને ભારત સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે.
મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વર્ષની થીમ “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” રાખવામાં આવી છે તેની પણ વિશદ છણાવટ કરી હતી.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીએ 2020માં આત્મનિર્ભર ભારત માટેનું આહવાન કરેલું છે. ભારતની સ્ટ્રેન્થ, સ્કિલ અને કેપેસિટીને વિશ્વના ભલા માટે ઉજાગર કરવા આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના આહ્વાનને સુસંગત આ વર્ષની વાઈબ્રન્ટ સમિટની આ થીમ છે.
મુખ્યમંત્રીએ સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓની  પ્રસ્તુતિ આ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સમક્ષ કર્ટેઇન રેઇઝર કાર્યક્રમમાં કરી હતી.
   ભુપેન્દ્રભાઈ ટેલ જણાવ્યું કે, દેશ અને દુનિયાના વેપાર ઉદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ  પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.
ગુજરાતે દેશમાં સૌથી વધુ એફ.ડી.આઈ એટલે કે 21.9 યુ.એસ. બિલિયન ડોલર જેટલું રોકાણ  2021ના વર્ષમાં મેળવ્યું છે. એટલું જ નહીં લીડ્સ ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે 2018, 2019 અને 2021માં ટોપ પર રહી સફળતાની હેટ્રિક નોંધાવી છે એમ તેમણે ગૌરવ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે ભારતના ભાવિ વિકાસ-ગ્રોથની શહેરમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે. ગુજરાત ધોલેરા સર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગીફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ સાથે આવા મેગા પ્રોજેક્ટ ક્ષેત્રમાં પણ યોગદાન આપશે એમ ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું.
કચ્છમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ સોલાર અને વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં વધારાના 30 ગીગાવોટનું પ્રદાન 2023 સુધીમાં ગુજરાત આપતું થશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે ગુજરાત તીવ્રગતિથી વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધાત્મક સહભાગિતા સાધવા સક્ષમ છે એમ ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં પરંપરાગત અને આધુનિક એમ બેય વિકાસ માટેની ઊંડી ઇચ્છાશક્તિ જાગી છે.એટલું જ નહીં સુંદ્ર્ઢ અર્થવ્યવસ્થા, ભવિષ્યલક્ષી આંતરમાળખું અને ઉદ્યોગો તથા ઉદ્યમિતાની સંભાવનાઓનું ગૌરવ પણ ગુજરાત લઈ શકે છે.
ગુજરાતની ઉદ્યોગ સાહસિકતાના ઉત્સાહને વેગ આપવા આઈ-હબ, આઇ - ક્રિએટ અને ઈ.ડી.આઈ. જેવી અગ્રણી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન પૂરું પાડે છે તેની ભૂમિકા ભુપેન્દ્રભાઈ પટેલે આપી હતી.
દેશના ભાવિ સ્ટાર યુનિકોર્ન ગુજરાતમાંથી તૈયાર થાય તેવી રાજ્ય સરકારની મનસા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ  કહ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ગુજરાતે ખ્યાતી મેળવી છે.
સુંદ્ર્ઢ ઉદ્યોગિક આંતરમાળખું, પ્રોએક્ટીવ પોલીસિઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વિગેરેને કારણે જ દેશ અને દુનિયામાં મૂડી રોકાણો માટેનું સૌથી વધુ પસંદગીપાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે એનો ભુપેન્દ્રભાઈ પટેલે ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ દેશની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદીકા અમૃત મહોત્સવે’ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ 10મી આવૃત્તિમાં ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિઓ, ક્ષમતા અને આત્મનિર્ભર ભારતની વિકાસ ગાથામાં લીડ લેવાની ગુજરાતની સજ્જતા શો કેસ કરાશે.
તેમણે આ સમિટમાં સહભાગી થવા ઉદ્યોગ સંચાલકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, આ સમિટનું વિચારબીજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રોપ્યું હતું. આજે જે વાઈબ્રન્ટ સમિટની સફળતા આપણે જોઈ રહ્યા છીએ તેની પાછળ પ્રધાનમંત્રીની ૨૦ વર્ષની તપસ્યા રહેલી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગ વ્યાપાર કરવા માટે જરૂરી તમામ આંતર માળખાકીય સુવિધાઓ મળી જ રહેશે પરંતુ ગુજરાતની સૌથી મોટી તાકાત ત્યાંની પરોણાગત છે.
કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે , વાઇબ્રન્ટ ગુજરાતની આ યાત્રામાં રાજ્યએ બે મોટા સીમાચિહ્નો અંકિત કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના ૨૦ હજાર પ્રવાસીઓ મુલાકાત લે છે. કેવડીયા ગુજરાત પ્રવાસન ધામ બન્યું છે. સરદાર સરોવર ડેમને કારણે ગુજરાતી સિંચાઇ ક્ષમતા અનેક ગણી વધી છે.
  રૂપાલાએ કહ્યું કે, મુખ્યમંત્રી તરીકે જેમણે વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી તેઓ આજે દેશના વડાપ્રધાન છે. રાજ્યમાં વિકાસ-સમૃદ્ધિનો આધાર સ્થિર શાસન છે.
આ પ્રસંગે દેશ-વિદેશના જાણીતા- સ્વનામધન્ય ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં બિઝનેસ કરવા અંગેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
મારૂતિ સુઝુકીના એમ.ડી. અને સી.ઇ.ઓ. કિંચી આયુકાવાએ જણાવ્યું કે, ગુજરાત દેશનું અગ્રીમ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી અને મેન્યુફેક્ચરીંગ ફ્રેન્ડલી રાજ્ય છે. ભારતને નેટ કાર્બન ઝિરો કન્ટ્રી બનાવવામાં ગુજરાત લીડ લઇ શકે એમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જે.સી.બી.ના એમ.ડી. અને સી.ઇ.ઓ. દિપક શેટ્ટીએ જણાવ્યું કે, કોવિડ પેન્ડેમિકની કપરી પરિસ્થિતિ હોવા છતા ગુજરાત સરકારના સહકારને કારણે જે.સી.બી. પોતાનું છઠ્ઠુ ઉત્પાદન એકમ વડોદરા-ગુજરાતમાં સમયસર સ્થાપવામાં સફળ રહ્યું છે.
મુખ્ય સચિવ પંકજકુમારે સૌને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨માં જોડાવાનું આમંત્રણ પાઠવતા કહ્યું કે, ગુજરાતમાં ધોલેરા સર અને ગીફ્ટ સિટી જેવા વિશાળકાય પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું ચાલકબળ છે. એટલુ જ નહીં ગુજરાત પાસે મજબુત એમ.એસ.એમ.ઇ.નું ઉદ્યોગ માળખું છે.
ગુજરાત ઝિરો મેન ડેયઝ લોસ સહિતના દરેક પેરામીટરમાં અગ્રણી રાજ્ય બન્યું છે, ત્યારે દેશ -વિદેશના અગ્રણી રોકાણકારોને તેમણે વાબ્રન્ટ સમિટમાં જોડાઇ ગુજરાતની વાઇબ્રન્સીનો અનુભવ કરવાં કહ્યું હતું.
નવી દિલ્હીની લીલા હોટલના હૉલમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગ સંચાલકો સમક્ષ ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ પ્રેઝન્ટેશન કર્યું હતું.
તેમણે રાજ્યની ઔદ્યોગિક-આર્થિક વ્યવસ્થાની વિશેષતા અને વિકાસ સંભાવનાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં મુડી રોકાણની તકોનું વિસ્તૃત વિવરણ કર્યું હતું.
આ કર્ટન રેઈઝર રોડ-શોમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, શ્રીમતી દર્શના બહેન જરદોશ, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ પંચાલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન સહિત ભારત સરકાર અને  રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

(12:00 am IST)