Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મુંબઇના દંપતીનું સંયમના ૬ માસમાં જ સંસારમાં પુનરાગમન : સ્થા. જૈન સમાજમાં અનેકવિધ ચર્ચા

અંધેરી ઝાલાવડનગરમાં દંપતિએ પૂ.ભાવેશ મુનિના હસ્તે દીક્ષા લીધી હતી : મહાસતીજી તો ચાલુ પર્યુષણમાં જ સંસારમાં પાછાં ફરેલ : જ્યારે તેમના સાંસારિક પતિ બે દિવસ પહેલા સાધુવેશનો ત્યાગ કરેલ

રાજકોટ,તા. ૨૫: જૈન ધર્મમાં દીક્ષાનું બહુ મહત્ત્વ હોય છે. સંસારનો ત્યાગ કરીને સાધુનું જીવન જીવવું એટલે દીક્ષા લેવી એમ થાય છે. પણ આજકાલ તો દીક્ષા પણ હવે ફેશન થતી જતી હોવાનું દેખાઈ રહ્યું છે. છ મહિના પહેલાં દહિસર-મીરા રોડનાં એક દંપતીએ દીક્ષા લીધી હતી. દીક્ષા લીધાના ચાર મહિના બાદ મહિલા પાછી સંસારમાં ફરી ગઈ હતી અને બે દિવસ પહેલાં તેમના પતિ પણ સમાજમાં પાછા ફર્યા હતા.

ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે કે જેણે દીક્ષા લીધી હોય તેના થોડા સમયમાં જ તેમણે સાધુધર્મને છોડીને પાછા સંસારમાં જવાનું પસંદ કર્યું હતું.

છેલ્લાં ઘણાં વર્ષથી જૈન ધર્મને ચુસ્ત રીતે અનુસરનારાં અને દહિસર-મીરા રોડમાં રહેતાં પ્રીતિબહેન શાહ (૬૦) અને જિતેન્દ્રભાઈ શાહે (૬૨) આશરે છએક મહિના પહેલાં અંધેરીના ઝાલાવડનગર ખાતે ભાવેશ મુનિના હસ્તે દીક્ષા લીધી હતી. દીક્ષા ધારણ કર્યા બાદ બંનેનાં નામ પ્રતિક્ષાબાઈ મ.સા. અને જિનેન્દ્ર મુનિ રાખવામાં આવ્યાં હતાં.

દીક્ષા લીધાના થોડા મહિનામાં જ દીક્ષા જે અર્થે લીધી હતી તે ભાવ જોવા ન મળતાં પ્રતિક્ષાબાઈ મ.સા. પાછાં સંસારમાં આવ્યાં હતાં. એક જૈન અગ્રણીના કહેવા મુજબ પ્રતિક્ષા મ.સા.એ ચાલુ પર્યુષણમાં જ સાધુવેશનો ત્યાગ કર્યો હતો. એવી જ રીતે તેમના સાંસારિક પતિ જિતેન્દ્રભાઈ શાહ (જિનેન્દ્ર મુનિ) બે દિવસ પહેલાં સાધુવેશ છોડીને સંસારમાં પાછા આવી ગયા હતા.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જિતેન્દ્રભાઈ ભાવેશ મુનિ સાથે બોરીવલીથી વિહાર કરીને મલાડ આવી રહ્યા હતા અને એ જ સમયે તેમણે સંસારમાં પાછા જવાનું મન બનાવી લીધું હતું. દહિસર-મીરા રોડમાં રહેતાં દંપતીએ જે ભાવથી દીક્ષા લીધી હતી એવા ભાવ તેમને દીક્ષા લીધા બાદ જોવા ન મળતાં તેઓ સંસારમાં પાછાં ફરી ગયાં હતાં.જૈન ધર્મમાં આચાર-વિચાર અને પ્રચાર સારો હોવો જોઈએ અને દીક્ષા લીધા બાદ દરેક ગુરૂ ભગવંતોએ દીક્ષાધારીઓને તેવું શિક્ષણ આપવું જોઈએ, પણ અહીં તો ચિત્ર કંઈક બીજું જ ઊપસી રહ્યું છે. આ અંગે ભાવેશ મુનિનો સંપર્ક સાધી શકાયો નહોતો.

આ અંગે સાધુવેશનો ત્યાગ કરીને સંસારમાં ફરેલા જિતેન્દ્રભાઈ શાહે જણાવેલ કે, મારે આ અંગે કોઈ પણ ચર્ચા કરવી નથી. કોઈનો પણ દોષ નથી કાઢવો મારે. દીક્ષા લેવાનું મન શા માટે થયું અને થોડા જ સમયમાં સાધુવેશનો ત્યાગ કરીને સંસારમાં આવવાનું કારણ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, મારી ઈચ્છા થઈ એટલે હું સંસારમાં પાછો આવ્યો, જયારે દીક્ષા લેવાનું મન થવાનું કારણ અંગે તેમણે મૌન સેવી લીધેલ.

અંધેરી ઝાલાવાડ નગરમાં પૂ. ભાવેશ મુનિએ જિતેન્દ્રભાઈ શાહને દીક્ષા આપી હતી એ એમના સગામાં થાય છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. અનેક વર્ષોથી જૈન ધર્મને ચુસ્ત રીતે અનુસરતાં દીક્ષા લીધાના થોડા સમયમાં જ સંસારમાં પાછાં આવેલા જિતેન્દ્રભાઈ શાહે ભલે સંસારમાં આવવા પાછળનાં કારણો ન જણાવ્યાં પણ જૈન સમાજના અગ્રણી પાસેથી મળેલી માહિતી મુજબ ભાવેશ મુનિએ અગાઉ પણ દીક્ષા આપી હતી એવા અમુક જણ સાધુવેશનો ત્યાગ કરીને સંસારમાં આવ્યા હતા.

બીજી બાજુ ગોંડલ સંપ્રદાયના સાધુ ભાવેશ મુનિએ જે દંપતીને દીક્ષા આપી હતી એ દંપતી થોડા જ મહિનામાં પાછાં ફરી જતાં હાલમાં સ્થાનકવાસી સંપ્રદાયમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

(2:49 pm IST)