Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભોપાલના હબીબગંજ સ્ટેશનનું નામ જેના નામ પરથી બદલાયું તે રાણી કમલાપતિ છે કોણ?

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમવાર, ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના રોજ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. અગાઉ આ સ્ટેશન હબીબગંજ સ્ટેશન તરીકે જાણીતું હતું, જેને તાજેતરમાં નવી ઓળખ મળી છે. આ સ્ટેશન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડ હેઠળ બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ રાજ્યનું પ્રથમ વર્લ્ડ કલાસ રેલ્વે સ્ટેશન છે. પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ છે. તેમાં આધુનિક શૌચાલય, ગુણવત્તાયુકત ભોજન, હોટેલ, હોસ્પિટલ, સ્માર્ટ ર્પાકિંગ, સ્ટેશનના તમામ પ્લેટફોર્મ સાથે સેન્ટ્રલ કોન્કોર્સ કનેકિટવિટી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળની રાજ્યની ભાજપ સરકાર અનુસાર, આ નામકરણ ગોંડ સમુદાયની રાણીની યાદ અને બલિદાનને માન આપવા માટે અપાયું છે. જેનો ખુબ વિવાદ પણ થયો. પ્રશ્ન એ થાય કે આ રાણી કમલાપતિ કોણ હતા? શું છે તેનો ઇતિહાસ?

 રાણી કમલાપતિ ગોંડ સમુદાયમાંથી આવતા રાણી હતા. રાણી કમલાપતિએ ગિન્નૌરગઢના રાજા સાથે લગ્ન કર્યા. રાણી કમલાપતિ ગોંડ વંશની છેલ્લી રાણી હતી. રાણી કમલાપતિ વિશે કહેવાય છે કે તે ખૂબ જ સુંદર હતી. આજે પણ ભોપાલમાં રાણી કમલાપતિનો મહેલ અને ઉદ્યાન શહેરનું મુખ્ય લેન્ડમાર્ક છે. રાણી કમલાપતિ છેલ્લી હિંદુ મહારાણી હતી. જેના માનમાં શિવરાજ સરકારે હવે હબીબગંજ સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ કરી દીધું છે. તે સિહોરના સલ્કનપુરના રાજા કિરપાલ સિંહની પુત્રી હતી. તેણી તેની બુદ્ધિ અને બહાદુરી માટે જાણીતી હતી. કહેવાય છે કે તે ઘોડેસવારી કરવામાં માહેર હતી. આ ઉપરાંત, તે એ પણ જાણતી હતી કે કેવી રીતે નિશાન લગાવવું અને કુસ્તી કરવી. એક કુશળ સેનાપતિ તરીકે, તે આક્રમણકારોથી તેના સામ્રાજ્યને બચાવવા માટે તેના પિતા અને તેની સ્ત્રી સેના સાથે યુધ્ધ લડ્યા હતા. કહેવાય છે કે રાણી એટલી સુંદર હતી કે જ્યારે તે પાન ખાય ત્યારે તેના ગળામાં પાનને સરકતું જોઇ શકાતું હતું! હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ કરવાનું કારણ શું? કોણ હતી રાણી કમલાપતિ? રાણી કમલાપતિના પતિ કોણ હતા? શું હતી રાણી કમલાપતિ અને મોહમ્મદ ખાનની વાર્તા? રાણી કમલાપતિનું મૃત્યુ કેવી રીતે થયું? રાણી કમલાપતિના ઈતિહાસની અટારીમાં એક ડોકિયું કરવા જેવું છે.

 આ વાત ૧૭૦૦ ઈ.સ.ના સમયથી શરૂ થાય છે. તે સમયે ભોપાલથી લગભગ ૫૦ કિલોમીટર દૂર ગિન્નૌર ગઢ નામની જગ્યા હતી. આ રજવાડાના રાજાનું નામ નિઝામ શાહ હતું. આજનું ભોપાલ, તે સમયે એક નાનકડું ગામ હતું. આ ગામ નિઝામ શાહના શાસન હેઠળ આવતું હતું. નિઝામ શાહ ગોંડ રાજા હતો અને તેની સાત પત્નીઓ હતી. નિઝામ શાહની સાત પત્નીઓમાંની એકનું નામ કમલાપતિ હતું. કહેવાય છે કે રાણી કમલાપતિ નિઝામ શાહને સૌથી પ્રિય હતી. રાણી કમલાપતિ ખૂબ જ સુંદર હતી.

 નિઝામ શાહનો એક ભત્રીજો હતો, જેનું નામ આલમ શાહ હતું. આલમ શાહ તેના કાકા નિઝામ શાહની ખૂબ જ ઈર્ષ્યા કરતો હતો. તેના ત્રણ કારણ હતા - રાજ્ય, સંપત્તિ અને રાણી કમલાપતિ. એવું કહેવાય છે કે આલમ શાહ તેની કાકી કમલાપતિની સુંદરતાથી મોહિત થયો હતો અને તેણીને પોતાની બનાવવા માંગતો હતો. આલમ શાહે પણ તેની કાકી સામે પોતાનો પ્રેમ વ્યકત કર્યો, પરંતુ રાણી કમલાપતિએ તેને નકારી કાઢ્યો. આ પછી આલમ શાહે રાણી કમલાપતિને મેળવવાનું કાવતરું ઘડ્યું. એક દિવસ તેણે તેના કાકા નિઝામ શાહના ભોજનમાં ઝેર ભેળવી દીધું. તે ખોરાક ખાધા પછી નિઝામ શાહનું અવસાન થયું. આ પછી આલમ શાહે રાજ્ય પર કબજો જમાવ્યો. બીજી તરફ, નિઝામ શાહના મૃત્યુ પછી, રાણી કમલાપતિ તેના પુત્ર નવલ શાહ સાથે ગિન્નૌર ગઢથી આવી અને ભોપાલના રાણી કમલાપતિ મહેલમાં રહેવા લાગી. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન આલમ શાહે રાણી કમલાપતિ પર લગ્ન કરવા માટે દબાણ પણ કર્યું હતું, પરંતુ રાણી કમલાપતિએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.

 રાણી કમલાપતિ કોઈપણ ભોગે તેના પતિ નિઝામ શાહની હત્યાનો બદલો લેવા માંગતી હતી, પરંતુ સૈન્ય અને પૈસાની અછતને કારણે તે તેમ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં રાણી કમલાપતિએ નક્કી કર્યું કે તે આ મામલે મોહમ્મદ ખાનની મદદ લેશે. તે સમયે જગદીશપુરમાં મોહમ્મદ ખાન શાસન કરતો હતો. કહેવાય છે કે એક સમયે મોહમ્મદ ખાન ભોપાલના મોટા તળાવ પર માછલીનો શિકાર કરવા આવતો હતો. જ્યારે રાણી કમલાપતિને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે આદેશ આપ્યો કે હવે જ્યારે મોહમ્મદ ખાન માછલીનો શિકાર કરવા આવે, ત્યારે તેને તેની સમક્ષ રજૂ કરવામાં આવે.

 થોડા દિવસો પછી જ્યારે મોહમ્મદ ખાન માછલીનો શિકાર કરવા પાછો આવ્યો ત્યારે તેને રાણી કમલાપતિ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન રાણી કમલાપતિ મોહમ્મદ ખાનના વ્યકિતત્વ અને લાવણ્યથી ખૂબ પ્રભાવિત થયા હતા. આવી સ્થિતિમાં રાણી કમલાપતિએ મોહમ્મદ ખાનને તેના પતિની હત્યાનો બદલો લેવા કહ્યું. બદલામાં રાણી કમલાપતિએ મોહમ્મદ ખાનને એક લાખ સોનાના સિક્કા આપવાનું વચન આપ્યું હતું. આ પછી મોહમ્મદ ખાને બાડીના રાજા પર હુમલો કરીને તેને મારી નાખ્યો. રાણી આ કામથી ખૂબ ખુશ હતી, પરંતુ તેની પાસે મોહમ્મદ ખાનને આપવા માટે કંઈ નહોતું. આવી સ્થિતિમાં રાણી કમલાપતિએ ભોપાલનો એક ભાગ મોહમ્મદને આપ્યો.

 કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પછી રાણી કમલાપતિની સુંદરતાથી પ્રભાવિત મોહમ્મદ ખાને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ રાણી કમલાપતિએ ના પાડી દીધી હતી. પરંતુ મોહમ્મદ ખાન કોઈપણ રીતે રાણી કમલાપતિને મેળવવા ઈચ્છતો હતો. દરમિયાન, મોહમ્મદ ખાન અને રાણી કમલાપતિના પુત્ર નવલ શાહ વચ્ચે યુદ્ધ પણ થયું. આ યુદ્ધમાં ૧૪ વર્ષીય નવલ શાહનું મૃત્યુ થયું હતું. આ યુદ્ધ દરમિયાન, ખીણમાં એટલું લોહી વહી ગયું કે તે સંપૂર્ણપણે લાલ થઈ ગઈ. આજે એ જ જગ્યા લાલ ઘાટી તરીકે ઓળખાય છે. આ પછી મોહમ્મદ ખાને ભોપાલ પર ઈજારો જમાવ્યો, જ્યારે બીજી તરફ મોહમ્મદ ખાનથી બચવા માટે રાણી કમલાપતિએ પોતાના મહેલના નાના તળાવમાં જળ સમાધિ લઇ લીધી.

 જો કે અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કેટલાક લોકો રાણી કમલાપતિ અને મોહમ્મદ ખાનની એક અલગ વાર્તામાં પણ માને છે. જે અનુસાર, રાણી કમલાપતિ મોહમ્મદ ખાનને પોતાનો ભાઈ માનતા હતા અને મુશ્કેલીના સમયે ભાઈ હોવાના કારણે મોહમ્મદ ખાનની મદદ માંગી હતી. મોહમ્મદ ખાને પણ રાણી કમલાપતિને બહેન માનીને મદદ કરી હતી અને યુદ્ધમાં તેના ભત્રીજાને મારી નાખ્યો હતો. તેનાથી ખુશ થઈને રાણી કમલાપતિએ ભોપાલનો એક ભાગ મોહમ્મદ ખાનને ભેટમાં આપ્યો. આ પછી, જ્યાં સુધી રાણી કમલાપતિ જીવિત હતી ત્યાં સુધી તે મોહમ્મદ ખાનની સુરક્ષામાં હતી. રાણી કમલાપતિના કુદરતી મૃત્યુ પછી, મોહમ્મદ ખાને તે વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઈ લીધો.

 ઈતિહાસકાર શંભુ દયાલ ગુરુએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી રાણી કમલાપતિ જીવિત હતી, દોસ્ત મોહમ્મદ ખાને તેના પર ક્યારેય હુમલો કર્યો ન હતો. તેણે તેના મૃત્યુ પછી જ ભોપાલ પર કબજો કર્યો.' તેણે કહ્યું કે તેના મિત્ર મોહમ્મદ ખાન સાથે સારા સંબંધો હતા.

 મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ એક બ્લોગમાં લખ્યું હતું કે, 'દોસ્ત મોહમ્મદ ભોપાલના સમગ્ર રજવાડા પર કબજો કરવા માંગતો હતો. તેણે રાણી કમલાપતિને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. દોસ્ત મોહમ્મદ ખાનનો આ નાપાક ઈરાદો જોઈને રાણી કમલાપતિના ૧૪ વર્ષના પુત્ર  નવલ શાહ તેના ૧૦૦ લડવૈયાઓ સાથે લાલ ખીણમાં લડવા ગયો. એક ભીષણ યુદ્ધ થયું, જેમાં નવલ શાહનું દુઃખદ મૃત્યુ થયું. આ જગ્યાએ એટલું લોહી વહી ગયું કે જમીન લાલ થઈ ગઈ. તેથી જ તેને રેડ વેલી કહેવામાં આવે છે. આ યુદ્ધમાં રાણી કમલાપતિના બે લડવૈયાઓ બચી ગયા હતા, જેઓ પોતાનો જીવ બચાવતા મનુઆભાન ટેકરી પર પહોંચ્યા અને કાળા ધુમાડાથી સંકેત આપ્યો કે 'અમે યુદ્ધ હારી ગયા છીએ'. વિષમ પરિસ્થિતિ જોઈને રાણી કમલાપતિએ મોટા તળાવ ડેમનો સાંકડો રસ્તો ખોલી નાખ્યો, જેના કારણે મોટા તળાવનું પાણી નાના તળાવમાં જવા લાગ્યું. આમાં રાણી કમલાપતિએ પોતે મહેલની તમામ સંપત્તિ અને આભૂષણો લઈ લીધા અને સ્વયં જળ સમાધિ લીધી. સીએમ શિવરાજ સિંહે દાવો કર્યો હતો કે કમલાપતિ 'ભોપાલની છેલ્લી હિંદુ રાણી' હતી, જેમણે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે મહાન કામ કર્યું હતું અને ઉદ્યાનો અને મંદિરોની સ્થાપના કરી હતી.

 જ્યારે ભોપાલમાં હેરિટેજ વોકનું આયોજન કરનાર ઈતિહાસકાર સિકંદર મલિક કહે છે કે રાણી કમલાપતિએ દોસ્ત મોહમ્મદ ખાનના કારણે પોતાનું જીવન સમાપ્ત કર્યું હોવાના કોઈ પુરાવા નથી. જે નાનકડા તળાવ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તે તળાવમાં જીવનનો અંત આણ્યો તે સમયે તે ત્યાં હાજર નહોતા. તે જ રીતે, અન્ય ઇતિહાસકાર રિઝવાન અંસારી પણ સિકંદર મલિક સાથે સહમત છે. તે કહે છે, તે સમયે કોઈ નાનું તળાવ નહોતું. રાણી કમલાપતિ દોસ્ત મોહમ્મદ ખાનને પોતાનો ભાઈ માનતા હતા. દોસ્ત મોહમ્મદ ખાને પણ રાણી કમલાપતિને તેની બહેન તરીકે મદદ કરી હતી અને તેને તેના ભત્રીજાથી બચાવી હતી.

 હવે તાજેતરમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હબીબગંજ સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્યમાં ઈતિહાસને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્ય સચિવ રજનીશ અગ્રવાલે ભોપાલના હબીબગંજ સ્ટેશનનું નામ બદલવા પર કહ્યું કે રાણી કમલાપતિ ઈતિહાસનું ગૌરવ છે. તે માત્ર એક બોર્ડને હટાવવા અને બીજાને લગાવવા પુરતું નથી. ઇતિહાસના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે તે સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ છે. પરંતુ એક સ્ટેશનનું નામ બદલવાને કારણે રાણી કમલાપતિ અને તેના પરિવાર વિશે ઘણી વાતો સામે આવી છે, લોકો માને છે કે જેનો રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે.  (૪૦.૧૦)

 . ભાજપ સરકાર અનુસાર, આ નામકરણ ગોંડ સમુદાયની રાણીની યાદ અને બલિદાનને માન આપવા માટે અપાયું છે. . શિવરાજ સરકારે હવે હબીબગંજ સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ કરી દીધું છે. .  નિઝામ શાહ ગોંડ રાજા હતો અને તેની સાત પત્નીઓ હતી. એકનું નામ કમલાપતિ હતું. રાણી કમલાપતિ નિઝામને સૌથી પ્રિય અને અત્યંત સુંદર હતી. .કમલાપતિ ભોપાલની છેલ્લી હિંદુ રાણી હતી, જેમણે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે મહાન કામ કર્યું હતું અને ઉદ્યાનો અને મંદિરોની સ્થાપના કરી હતી.

...તેથી હબીબગંજ સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રાખવામાં આવ્યું

  ૧૮મી સદીની રાણી, નિઝામની વિધવા, ગોંડ સામ્રાજ્યની છેલ્લી શાસક હતી. ગોંડ તરીકે ઓળખાતા આદિવાસી લોકોનો સમૂહ ભારતમાં સૌથી મોટો આદિવાસી સમુદાય હતો. તેને હવે અનુસૂચિત જનજાતિ તરીકે નિયુકત કરવામાં આવ્યું છે. દેશના ૮ રાજ્યો ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, એમપી, એમએચ અને યુપીમાં લગભગ ૨ મિલિયન ગોંડ લોકો રહે છે. આ બધાની વચ્ચે, મધ્ય-દેશમાં ગોંડ આદિજાતિની સૌથી વધુ વસ્તી છે તેથી નવું રાણી કમલાપતિ સ્ટેશન તેમના વારસા અને આ જાતિના યોગદાનને માન આપવાના એક ભાગ રૂપે પ્રસ્થાપિત કરાયું છે. (૪૦.૧૧)

  રાણી કમલાપતિ જેના નામ પરથી હબીબગંજ સ્ટેશનને નામ આપવામાં આવ્યું તે મુસ્લિમ રાજાની ૭મી પત્ની હતી; આ ફેક ન્યૂઝ છે!

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભોપાલમાં ૪૫૦ કરોડના ખર્ચે બનેલ રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન (અગાઉના હબીબગંજ)નું ઉદ્ઘાટન કર્યું. રાણી કમલાપતિ વિશેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાણી કમલાપતિના પતિ નિઝામ શાહ મુસ્લિમ રાજા હતા. તે જ સમયે, રાણી કમલાપતિ તેમની ૭મી બેગમ હતી. ઇતિહાસવિદો એ જણાવ્યું હતું કે, નિઝામ શાહ ગિન્નૌરગઢ રાજ્યના ૧૬મી સદીના રાજા સૂરજ સિંહ શાહ (સલામ)ના પુત્ર હતા. નિઝામ શાહ એક નીડર અને હિંમતવાન ગોંડ રાજા હતા. રાણી કમલાપતિ અને નિઝામશાહના પુત્રનું નામ નવલ શાહ હતું. નિઝામ શાહ મુસ્લિમ રાજા હતા તેવો દાવો તદ્દન ખોટો છે. નિઝામ શાહે તેમના શાસન દરમિયાન ગોંડ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તે જ સમયે, રાણી કમલાપતિ તેમની એકમાત્ર પત્ની હતી.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫૫૮૪૬૯

(11:36 am IST)