Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અલવિદા એહમદ પટેલ

એહમદ પટેલ પિરામણમાં સુપુર્દ-એ-ખાકઃ અંતિમયાત્રામાં રાહુલ ગાંધીએ કાંધ આપીઃ કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર

કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરી પરિવારજનો અને સમર્થકોએ એહમદ પટેલને અશ્રુભીનિ વિદાય આપી

પિરામણ, તા.૨૬: રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના ટ્રબલશૂટર એવા એહમદ પટેલનું બુધવારે કોરોના પછીની સારવાર દરમિયાન દિલ્હી સ્થિતિ મેદાન્તા હોસ્પિટલમાં નિધન થયા બાદ તેમના નશ્વર દેહને રાત્રે વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે ૧૦ કલાકે એહમદ પટેલના વતન પિરામણમાં તેમની અંતિમયાત્રા શરૂ થઈ હતી. એહમદ પટેલની દફનવિધિ અંદાજે ૧૨.૦૩ કલાકે સંપન્ન કરવામાં આવી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત કોંગી આગેવાનો તેમજ તેમના પરિવારજનોએ અંતિમવિધિમાં કબર પર માટી ચઢાવી હતી. એહમદ પટેલની અંતિમવિધિમાં કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. પરિવાર તેમજ સમર્થકોએ અજાતશત્રુ એવા એહમદ પટેલને અશ્રુભીનિ આંખે વિદાય આપી હતી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુરુવારે પિરામણ પહોંચ્યા અને તેમણે કોંગ્રેસના વફાદાર સાથી એવા એહમદ પટેલના જનાજાને કાંધ આપી હતી. ગુજરાતના પૂર્વ સીએમ  શંકરસિંહ વાદ્યેલા, અર્જુન મોઢવાડિયા, શકિતસિંહ ગોહિલ અને જયંત બોસ્કી પિરામણ ગામમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર, કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિતના ટોચના નેતાઓ પિરામણ ખાતે એહમદ પટેલની અંતિમયાત્રામાં જોડાયા હતા. એહમદ પટેલની અંતિમ ઈચ્છા મુજબ તેમની દફનવિધિ માતા-પિતાની કબરની બાજુમાં જ કરાઈ હતી.

રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પિરામણ જવા રવાના થયા હતા. હવે અંતિમવિધિ બાદ તેઓ બાય રોડ સુરત પહોંચશે અને ત્યારબાદ એરપોર્ટથી દિલ્હી પરત ફરવાના છે. એહમદ પટેલની દફનવિધિમાં છત્તિસગઢના કોંગ્રેસના મુખ્યમંત્રી ભુપેશ બદ્યેલ, મધ્ય પ્રદેશના કોંગ્રેના વરિષ્ઠ નેતા કમલનાથ તેમજ રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલા પણ હાજર રહ્યા હતા. 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ અહેમદ પટેલનું નિધન દિલ્હીમાં થયું હતું.

૧ ઓકટોબરના કોરોના સંક્રમણ બાદ તેઓ હોસ્પિટલાઈઝડ હતા અને કોરોના પછીની સારવારમાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર થતા તેમનું અવસાન થયું હતું. તેમની ઇચ્છા હતી કે, તેમની દફનવિધિ પિરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે.

(3:32 pm IST)