Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સ્વાદમાં પણ સ્વાદિષ્ટ... ગુણમાં પણ અવ્વલ દાડમ

અદભુત ફળ જેના દાણા પણ ફાયદાકારક...જ્યુસ પણ અમૃત સમાન તથા છાલ પણ ગુણધર્મોનલ ભંડાર

સંસ્કૃતમાં દાડમને લોહિતપુષ્પ કે રકતપુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ધરતી પરના સૌથી હેલ્ધી ફળમાં જેની ગણતરી થાય છે એ દાડમ શરીરની અંદરની સિસ્ટમ માટે તો ઉત્તમ છે જ પણ સાથે ત્વચા અને વાળની માવજત કરવામાં પણ અગ્રેસર છે. દાડમ ત્રણે દોષોને તટસ્થ કરવામાં સક્ષમ છે. દાડમ એન્ટિઓકિસડન્ટ છે તેમ જ એનાં એન્ટિવાઇરલ અને એન્ટિબેકટેરિયલ ગુણોને લીધે દાડમ આ સીઝનમાં અનેક રોગો સામે રક્ષણ આપી શકે છે. જાણી લો રોજનું એક દાડમ કઈ રીતે શરીરને નીરોગી અને તંદુરસ્ત રાખી શકે છે.

આયર્નનો ઉત્તમ સ્રેતદરેક લાલ રંગના ફળ અને શાકભાજીમાં આયર્ન એટલે કે લોહતત્ત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. અને દાડમ પણ આયર્નનો ઉત્તમ સ્રેત છે. 'જો રોજ એક દાડમનો રસ એક મહિના સુધી નિયમિત લેવામાં આવે તો હીમોગ્લોબિનમાં બે પોઇન્ટ સુધી વધારો જોવા મળે છે. દાડમ એવું ફ્રૂટ છે જેની કોઈ જ સાઇડ ઇફેકટ્સ નથી. એકાદ-બે ટકા જ એવા લોકો જાવા મળશે જેમને દાડમ ખાવાથી ખંજવાળ કે એવા સામાન્ય એલર્જિક રીએકશન જોવા મળે છે. ડાયાબિટીઝ ધરાવતી વ્યકિત પણ દાડમ છૂટથી ખાઈ શકે છે.

 • હૃદયને તંદુરસ્ત રાખે

એન્ટિ-ઓકિસડન્ટ્સથી ભરપૂર દાડમ લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે. આ વિશે જણાવતાં  દાડમમાં રહેલાં એન્ટિ-ઓકિસડન્ટ્સ કોલેસ્ટરોલ ઘટાડે છે. દાડમનાં બી ખાસ કરીને બ્લડ પ્લેટલેટ્સમાં ગાંઠ નથી થવા દેતાં. જો હાર્ટની આર્ટરીઝમાં આ લોહી ગંઠાય તો નળી બ્લોક થાય છે. અને દાડમ આ જ ચીજ માટે પ્રિવેન્શન તરીકે કામ કરે છે. તેમ જ આર્ટરીઝને મજબૂત બનાવે છે. એટલે જો હૃદય સ્વસ્થ રાખવું હોય અને લોહી શુદ્ઘ રાખવું હોય તો દરરોજ સવારે ખાલી પેટે એક દાડમનો રસ પીવો.

 • ફાઇબરથી ભરપૂર

દાડમનાં બીમાં ફાઇબરની માત્રા સારીએવી હોય છે, જેના લીધે દાડમ પાચનક્રિયા સુધારે છે. જન્ક ફૂડ ખાવાના ચક્કરમાં લીલી શાકભાજીમાંથી મળતું ફાઇબર શરીરને નથી મળતું, પણ એની કમી દાડમ પૂરી કરી શકે છે. દાડમમાંથી રોજ શરીરને જરૂરી હોય એનું ૪૫ ટકા ફાઇબર મેળવી શકાય છે. દાડમથી આંતરડાની શુદ્ઘિ થાય છે. આ એક એવું ફળ છે જે પેટ માટે બન્ને દિશામાં કામ કરે છે. દાડમનો રસ જો ઝાડા થયો હોય તો આંતરડાં શુદ્ઘ કરી ઝાડામાં રાહત આપે છે અને જો કબજિયાત હોય તો દાડમનાં બીમાં રહેલું ફાઇબર કન્ટેન્ટ પેટ સાફ કરવામાં મદદ કરે છે.

 • એન્ટિ-વાઇરલ

ચોમાસામાં સૌથી મોટો ભય એટલે વાઇરલ ફીવર. એક દાડમ શરીરની રોગપ્રતિકારક શકિત વધારી વાઇરલ ઇન્ફેકશનથી દૂર રાખી શકે છે. 'દાડમ અનેક એન્ટિવાઇરલ તત્ત્વોથી ભરપૂર છે. વિટામિન સી, ફાઇબર, વિટામિન ઈ, પોટેશિયમ, ફોલવાઇટ તેમ જ બી-કોમ્પલેકસ આ ફળમાંથી મળી રહે છે. દાડમ ઇમ્યુનિટી વધારી અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. અને એટલે જ હાલના વાતાવરણમાં અને આ સીઝનમાં આ ફળ મસ્ટ છે.'

 • કેન્સર પ્રિવેન્શન

રોજનું એક દાડમ કેન્સર જેવા જીવલેણ રોગ સામે પણ રક્ષણ આપી શકે છે. દાડમ પર થયેલા કેટલાક સ્ટડીઝનું માનવામાં આવે તો દાડમમાંથી મળતાં પોષક તત્ત્વો બ્રેસ્ટ-કેન્સર માટે જવાબદાર સેલ્સનું ફોર્મેશન રોકવામાં મદદ કરે છે. એ જ પ્રમાણે પુરુષોમાં થતા પ્રોસ્ટેટ કેન્સર સામે પણ દાડમનાં એન્ટિ-ઓકિસડન્ટ્સ રક્ષણ આપે છે. રિસર્ચ તો એ પણ કહે છે કે પ્રોસ્ટેટ કેન્સર ધરાવતા પુરૂષોને રોજ એક દાડમ આપ્યા બાદ તેમના પીએસએ (પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન) લેવલને વધવામાં સામાન્ય કરતાં બમણો સમય લાગ્યો હતો. અર્થાત્ કે તેમનું પ્રોસ્ટેટ કેન્સરને લીધે મૃત્યુનું જોખમ ઘટી ગયું હતું.

 • યાદશકિત વર્ધક

એક સ્ટડીમાં જેમને યાદશકિતની તકલીફ હતી તેવા લોકોને દરરોજ પ્રયોગ તરીકે ૨૩૭ મિલી દાડમનો રસ આપવામાં આવ્યો હતો. કેટલાક સમય બાદ આ જ લોકોની વિઝયુઅલ અને વર્બલ મેમરીમાં વધારો થયેલો જોવા મળ્યો હતો.

 • લોહીમાં ઓકિસજન માસ્ક તરીકે કામ કરે છે

દાડમમાં રહેલાં એન્ટિ-ઓકિસડન્ટ્સ લોહીના ઓકિસજન લેવલમાં વધારો કરે છે. લોહીમાં ઓકિસજનનું પ્રમાણ પૂરતું હોવાને લીધે શરીર બીમારીઓ સામે લડવામાં સક્ષમ બને છે.

 • એન્ટિએજિંગ

દાડમ સ્કિન અને વાળ માટે એન્ટિએજિંગ સાબિત થાય છે. દાડમમાં રહેલા યુરોલિથિન કમ્પાઉન્ડ્સ એજ પ્રોસેસને ધીમી પાડે છે. એ સિવાય દાડમનું સેવન કરવાથી સૂર્યનાં હાનિકારક કિરણો સામે રક્ષણ મળે છે જે વાળ અને સ્કિનના પ્રીમેચ્યોર એજિંગ માટે જવાબદાર હોય છે. દાડમનો રસ ચહેરા પર ફેસપેક તરીકે પણ લગાવી શકાય.

 • છાલ પણ છે ગુણોથી ભરપૂર

દાડમ એક સર્વગુણ સંપન્ન ફળ છે એવું કહી શકાય, કારણ કે ફળનો રસ અને બી જ નહીં પણ દાડમની છાલ પણ આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ ગુણકારી છે. 'દાડમની છાલ એક અકસીર કુદરતી ડિવોર્મર છે. દાડમની છાલને સૂકવી એનો પાઉડર કરી રોજ આ પાઉડર મધ સાથે ભેળવીને સતત ૧૫ દિવસ સુધી લેવાથી આંતરડાના કૃમિ નાશ પામે છે. તેમ જ દાડમની છાલ આ રીતે લેવાથી આંતરડાં પણ મજબૂત પણ બને છે. બાળકોને પણ આ પાઉડર આપી શકાય. પ્રમાણ શરીરના વજન પ્રમાણે વધારવું-ઘટાડવું. બાળકોને પા ચમચી જેટલો જ પાઉડર આપવો.'

દાડમની છાલ આંતરડાને જ નહીં, દાંત પણ મજબૂત બનાવે છે. દાડમની છાલનો પાઉડર દાંત પર ઘસવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે, પેઢાં મજબૂત બને છે અને પેઢાંના રોગો, સોજો કે પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યામાં રાહત મળે છે. એ સિવાય જો દાડમના રસનો માઉથવોશની જેમ ઉપયોગ કરવામાં આવે તો દાંત પર છારી વળવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

 • પોષક તત્ત્વોથી ભરપૂર ફળ

દાડમમાં કયાં પોષક તત્ત્વોનો ખજાનો છે 'દાડમ વિટામિન સી, ફાઇબર, વિટામિન ઈ, પોટેશિયમ, નાઇટ્રેટ અને ફોલવાઇટથી ભરપુર છે. દાડમ એકલું જ ખાવું. તો જ એના પૂરા ફાયદા લઈ શકાશે. એક વાટકી રાઈતા કે સેલડમાં દાડમ ખાઓ એના કરતાં એક વાટકી એકલું દાડમ ખાઓ એ વધુ ફાયદાકારક છે, કારણ કે એ રીતે ખાવાથી દાડમનું પ્રમાણ વધી જાય છે. આ સિવાય આ ફળ કોઈ પણ મેજર મીલ એટલે કે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરની સાથે ન લેવું. સાંજના નાસ્તામાં અથવા વહેલા ડિનર કર્યા બાદ રાતે ફરી ભૂખ લાગે ત્યારે લઈ શકાય. મેરથોન રનર્સ, હેવી ડ્યુટી વર્કઆઉટ કરનારાઓએ રોજનું એક દાડમ ખાસ લેવું, કારણ કે એમાં રહેલું નાઇટ્રેટ મસલ ફટિગને ડિલે કરે છે.'

 • કઈ રીતે ખાશો દાડમ?

દાડમ ખરીદતા સમયે એ વજનમાં ભારે હોય એનું ધ્યાન રાખો. દાડમની છાલ લીસી અને કડક હોવી જોઈએ. દાડમના દાણા કાઢી બને એટલા વહેલા એ ખાઈ લેવા જોઈએ. 'આયુર્વેદમાં કોઈ પણ ફળને દૂધ કે દહીં સાથે મિકસ કરીને ખાવાની સલાહ નથી. દાડમને કસ્ટર્ડ કે રાઈતામાં લેવાને બદલે એકલું ખાવું અને એ પણ ફ્રેશ. દાડમનો સ્વાદ થોડો ખાટો, તૂરો હોવાને લીધે એ બીજી ફૂડ આઇટમ્સ સાથે રીએકટ થઈ શકે છે.'

(11:36 am IST)
 • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

 • વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે ૧ ડિસેમ્બરથી શરૂ થશે : ફિકી દ્વારા નેટ ઉપર એન્યુઅલ વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે 11 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થશે. access_time 11:30 pm IST

 • મુંબઈ પોલીસના ૪ કર્મચારીઓને લાંચના ગુનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા access_time 4:02 pm IST