Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આઈટી સેક્ટરમાં બે લાખ કર્મીની નોકરી જઈ શકે છે

આઈટી સેક્ટરમાં જોરદાર છટણીનો દોર રહેશે : આગામી બે ત્રણ વર્ષ દરમિયાન કર્મચારીઓ સામે અનેક સંકટો : કર્મીઓને સતત કુશળતા વધારવા માટે જરૃર છે

નવીદિલ્હી,તા. ૨૬ : દેશમાં આઈટી સેક્ટરમાં નોકરીઓ જવાનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યો છે. ભરતી નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી એક વર્ષમાં આઈટી સેક્ટરમાં એકથી બે લાખ લોકોની નોકરી જઈ શકે છે. ઇન્ફોસીસ અને કોગ્નિજેન્ટ છેલ્લા છ મહિનાના ગાળામાં પહેલાથી જ હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી ચુકી છે. નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીનું કહેવું છે કે, આઈટી સર્વિસ કંપનીઓ પોતાના વધારાના વર્કફોર્સને બહાર કરવા માટે ઇચ્છુક છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ પ્રવાહ ઓછામાં ઓછા આગામી ત્રણ વર્ષ સુધી જારી રહી શકે છે. છટણીના આ દોરમાં પણ મોટો ડેટા, ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, મશીન લર્નિંગ, સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ કોમ્પયુટિંગના ક્ષેત્રમાં આઇટી પ્રોફેશનલની માંગ મજબૂત બની રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં આઈટી સેક્ટરમાં હાલત વધારે ખરાબ બની શકે છે.

                    બે લાખથી વધુ મિડલેવલના કર્મચારીઓ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. નેસ્કોમના વરિષ્ઠ ઉપપ્રમુખ સંગીતા ગુપ્તાએ કહ્યું છે કે, ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી ફેરફારો થઇ રહ્યા છે. સ્થાન જાળવી રાખવા માટે હવે નોલેજ અને સ્કીલને સતત વધારતા રહેવાની જરૃર દેખાઈ રહી છે જે લોકો નોલેજ અને સ્કીલને વધારશે નહીં તેમની હાલત વધારે કફોડી થશે. જો કે, નવા સ્કીલની માંગ પણ દેખાઈ રહી છે. મંદીની સૌથી વધારે અસર મિડલેવલ કર્મચારી અથવા તેમના ઉપર જ જોવા મળી શકે છે જે ટેકનોલોજીની બદલતી દુનિયાની દ્રષ્ટિએ નવી સ્કીલને શીખી રહ્યા નથી. દેશના આઈટી સર્વિસ સેક્ટરમાં ૮-૧૨ વર્ષના અનુભવ વાળા આશરે ૧૪ લાખ લોકો કામ કરી રહ્યા છે જે પૈકી મોટી સંખ્યામાં લોકોને નવા સ્કીલ માટે ટ્રેનિંગ આપી શકાય છે. રેડસ્ટેન્ડ ટેકનોલોજી એન્ડ સ્પેશિયાલિટીના ઉપપ્રમુખ ગીરીએ કહ્યું છે કે, આઈટી સેક્ટરમાં આશરે ૩ લાખ લોકોની નોકરીઓ જઇ શકે છે. તેમને ફરી ટ્રેનમાં આવવાની તક પણ મળશે નહીં. જો કે, છટણીની પાછળ માત્ર નવા કુશળ લોકોને લાવવાનું કારણ નથી. કંપનીઓ નવા પ્રોજેક્ટ અને બિઝનેસની આશામાં પણ કર્મચારીઓને ઓછા કરી રહી છે. એવરેસ્ટ ગ્રુપની આઈટી કંપનીનું કહેવું છે કે, આઈટી કંપનીઓ દ્વારા હાલમાં જરૃર કરતા વધારે કર્મચારીઓને નોકરીમાં રાખેલા છે. મોટા પ્રોજેક્ટ પૂર્ણ થવામાં સમય લાગી રહ્યો છે જેના લીધે રિસાઇઝિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

(7:40 pm IST)