Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પુત્રનું પિતા સાથે ૧૪ મહિને મિલનઃ હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયા

દિલ્હીનો કિશોર પિતાના ઠપકાથી ઘર છોડી ગયેલ

નવી દિલ્હીઃ તા.૨૬, દિલ્હીના ૧૬ વર્ષના કિશોરનું ૧૪ મહિના બાદ પિતા સાથે પુનઃ મિલન થયું હતું. પિતા-પુત્રના મિલન વેળાંએ હદયદ્રાવક દ્દશ્યોથી સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી. ભારે હૈયે પિતા-પુત્રને સંસ્થાના કર્મચારીઓએ વિદાય આપી હતી. પિતાએ ઠપકો આપતાં દ્યરેથી નીકળી ગયેલો કિશોર ફરતો ફરતો અમદાવાદ આવી પહોંચ્યો હતો. ચાઇલ્ડ લાઇનના પ્રયત્નોથી પરિવારને તેમનો પુત્ર મળી ગયો હતો. પુત્રની ભાળ મળતાં સમગ્ર પરિવારમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.

 દિલ્હીના સ્લમ વિસ્તારમાં આઠ સભ્યોનું પરિવાર રહે છે. પરિવારને આર્થિક મદદ કરવા મોનુ પણ એક દુકાનમાં નોકરી કરતો હતો. પણ શેઠ પગાર આપતો ન હતો અને પિતા પગાર માંગતા હતા. એક દિવસ આ મુદ્દાને લઇને પિતાએ મોનુને ઠપકો આપ્યો હતો. લાગી આવતાં મોનુ દ્યરેથી નીકળી ગયો હતો.

 દિલ્હીથી ગુડર્ગાવ થઇને અજમેર પહોંચ્યો હતો. ત્યાંથી રાજધાનીમાં અમદાવાદ આવી પહોંચ્યો હતો. વગર ટિકીટે મુસાફરી કરવા બદલ ટિકીટ ચેકરે મોનુને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે મોનુ કિશોરવયનો હોવાથી ચાઇલ્ડ લાઇનને સોંપી દીધો હતો. ચાઇલ્ડ લાઇને સમાજ સુરક્ષા વિભાગ- ઇન્ડિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીની ગાઇડલાઇન પ્રમાણે ચાલતા અપના દ્યર નામના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો.

 સંસ્થાના સભ્યોએ પ્રેમ તથા હૂંફ આપીને મોનુ પાસેથી સરનામું મેળવ્યું હતું. તેના આધારે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના દિલ્હી સ્થિત સ્ટાફના સભ્યો મોનુના દ્યરે પહોંચ્યા હતા.  ત્યારબાદ અમદાવાદમાં પુત્ર-પિતાનું મિલન થયેલ.

(3:54 pm IST)