Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આર્મી ચીફ જનરલ બાજવાને ઝટકોઃ સુપ્રીમે કાર્યકાળ વિસ્તાર પર લગાવી રોક

માત્ર રાષ્ટ્રપતિની મંજુરીથી જ આ નિર્ણય થઇ શકે : પાક સુપ્રીમ : ૯ નવેમ્બરના બાજવાનો કાર્યકાળ થઇ રહ્યો હતો પૂર્ણ

નવી દિલ્હી,તા.૨૬: પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે જનરલ બાજવાના કાર્યકાળના વિસ્તરણની અધિસૂચનાને આવતીકાલ સુધી રદ કરી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જનરલ બાજવા સહિત તમામ પક્ષોને નોટિસ પણ જાહેર કરી છે.

જનરલ બાજવા ૨૯ નવેમ્બરે રિટાયર્ડ થઈ રહ્યાં છે, હવે આ મામલાનું સુનાવણી બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના સેના પ્રમુખ જાવેદ બાજવાના કાર્યકાળ વિસ્તારને લઈને સરકાર તરફથી કરવામાં આવેલી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ આસિફ સઇદ ખોસાની આગેવાનીવાળી ૩ સભ્યની બેંચે સરકારી અધિસૂચનાને રદ કરી દીધી છે.

કોર્ટે ચીફ ઓફ સ્ટાફના ૩ વર્ષના કાર્યકાળ વિસ્તારને મંજૂરી આપવાના વડાપ્રધાનના અધિકાર પર સવાલ ઉઠાવ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ માત્ર અધિસૂચના જ જાહેર કરી શકે છે. ઓગસ્ટ ૨૦૧૯માં  વડાપ્રધાન ઈમરાન ખાને તેને મંજૂરી આપતાં અધિસૂચનાને રાષ્ટ્રપતિ પાસે મોકલી હતી જેને રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ પોતાની સહમતિ આપી દીધી હતી.

(3:53 pm IST)