Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

'૨૭ નવેમ્બરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે' સુપ્રીમના નિર્ણયને શિવસેના, NCP અને કોંગ્રેસે આવકાર્યો

નવી દિલ્હી, તા.૨૬: સુપ્રીમ કોર્ટની નિર્ણયને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ આવકાર્યો છે. અને ૨૭ નવેમ્બરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેમ જણાવ્યું છે. પૃથ્વીરાજ ચૌહાણે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલાં દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને રાજીનામું આપવું જોઈએ તેમ જણાવ્યું.

તો કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંદ્યવીએ આ ચૂકાદાને બંધારણ દિવસની ઉજવણીની સુપ્રીમ કોર્ટ દ્વારા મળેલી સૌથી મોટી ગીફટ ગણાવી.

દેશની સુપ્રીમ કોર્ટે આજે સવારે સાડા દસ વાગ્યે મહારાષ્ટ્રના રાજકીય કોકડા અંગે ચુકાદો આપતાં કહ્યુ ંહતું કે આવતી કાલે ૨૭ નવેંબરે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફલોર ટેસ્ટ યોજવો. આવતી કાલે સાંજે પાંચ વાગ્યે ફલોર ટેસ્ટ યોજાશે.

ફલોર ટેસ્ટ લેવાય ત્યારે જીવંત પ્રસારણ કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો. આવતી કાલે સાંજે મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટનો રૂમ નંબર બે ખીચોખીચ ભરેલો હતો. કોર્ટમાં તમામ પક્ષોના વકીલો હાજર હતા. કોંગ્રેસના પીઢ નેતાઓ તેમજ પ્રખર વકીલો મનુ અભિષેક સિંદ્યવી અને કપીલ સિબલ પણ હાજર હતા. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓ પણ હાજર હતા.

જસ્ટિસ રમણે ચુકાદો વાંચવા માંડ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સંસદીય પરંપરામાં કોર્ટ કોઇ દખલ કરવા માગતી નથી. ગુપ્ત મતદાન થશે નહીં. ફલોર ટેસ્ટ પહેલા તમામ સભ્યોની સોગંદવિધિ થશે. આ ચુકાદો ત્રણ જજોની બનેલી બેન્ચે આપ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એન.વી રમને આ કેસનો ચુકાદો આપ્યો હતો.

(3:44 pm IST)